રાજકોટ શહેર પોલીસ અને ખાનગી વહીવટ એકબીજાના પર્યાય જેવા બની ગયા હોય તેમ મારે તેની તલવારની માફક ચોકકસ અધિકારીઓ અને કર્મીઓ શિકારની શોધમાં જ રહેતા હોય છે. અત્યારે જીએસટી અને ગેમીંગનો લાખો કરોડોનો વ્યવહાર પોલીસ માટે પણ મોટી મલાઇ જેવી બની ગયો છે. શહેરના મધ્યમાં આવેલા એક પોલીસ મથકની ટીમે ગેમીંગમાં કરેલા એક ખોખાનો વહીવટ એક પૂર્વ પીઆઇના અંગત માણસને જ કાપી નાખ્યો હોવાથી પરાણે પરત કરવો પડયો હોવાની સ્થાનિક પોલીસમાં ચર્ચા જાગી છે.
શહેરમાં એક ડોકટરના નામથી આવેલા માર્ગ પરથી એકાદ ખોખુ લઇને નીકળેલા રાજ નામના વ્યકિતને દિવાળીના સમયે પોલીસની એક ત્રિપુટીએ ઉઠાવી લીધો હતો અને ખોખુ મળતા દિવાળી સુધરી ગયાનું સ્થાનિક પોલીસ મથકની ટીમ અને અધિકારીમાં હરખ પણ જે તે સમયે સમાયો નહીં હોય. ગેમીંગના ઓનલાઇનનું કમઠાણ ન ખુલે એ માટે કહેવાય છે કે, જે તે સમયે રાજે રાઝ રાખ્યું હતું અને ખોખુ આપીને પોલીસના પંજામાંથી મુકત થઇ ગયો હતો. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ ત્રણ અક્ષરની અટકવાળા આ રાજને અગાઉ રાજકોટમાં ક્રીમ જેવા સ્થાને ફરજ બજાવી ચુકેલા 'સાકર' જેવા મીઠા કહેવાય છે કે પીઆઇ કક્ષાના એ અધિકારી શખસે ખાસ સબંધો હતાં અને આ રાજે એ અધિકારી સમક્ષ ખોખાનું રાઝ ખોલી નાખ્યું હતું.
પોતાનો અંગત પરિચીત અને જે તે સમયે તેઓ રાજકોટ હતાં ત્યારે ઘણા રાઝ કહેનારો અને કામ આવનારો 'કમાઉ રાજ' કપાતા તેને ખોખુ પરત આપવા માટે સાકર જેવા મીઠા અધિકારીએ જે પોલીસ મથકની ત્રિપુટીએ ખોખુ લીધું હતું તેના થાણા અધિકારીઓને પોતાનો પરિચીત હોવાનું અને ખોખુ પરત કરવા માટે વાત કરી હતી. દિવાળી સુધારનાર ખોખુ પરત કરવું કેમ ? આ વાત અધિકારી પણ ચોળી ગયા કે હા–ના કરતા હોવાથી સાકર જેવા અધિકારીને પોતાની દાળ નહીં ગળે તેવું કદાચ દેખાયું હશે અને તેમણે અત્યારે જેનો સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સુધી તપતો સુરજ ગણાય છે તેવા વહીવટકુશળ અધિકારીને વાત કરી હતી. આ આંકડો સાંભળીને અધિકારી પણ એ સમયે ચોંકી ઉઠયા હતાં, કારણ કે કહેવાય છે કે, ખોખામાંથી વહીવટ ઉપર સુધી કદાચ થયો નહી હોય. આ પોલીસ મથક સાથે સંકળાયેલા એક ઉચ્ચ અધિકારી તો શુધ્ધ અને કામ સિવાય કશું માંગતા ન હોવાની અણીચોખ્ખી છાપ છે તેથી વહીવટ એ ઉચ્ચ અધિકારીથી ઉપરના અધિકારીઓ સુધી નહીં પહોંચ્યો હોય અને વહીવટકુશળ પાવરમાં રહેલા એ અધિકારી ચોંકયા હોય તેવું બની શકે.
કહેવાય છે કે, વહીવટ કુશળ પાવરમાં રહેલા અધિકારીએ પણ પોતાના પૂર્વ અધિકારીના કહેણથી મધ્યસ્થી કરીને ખોખુ પરત આપી દેવા માટે જે તે પોલીસ મથકના અધિકારીને કહ્યું હતું. આમ છતાં વાત અટવાઇ હતી અને અંતે આ અધિકારીએ મુખીયા ઉચ્ચ અધિકારીને સમગ્ર મામલો કહ્યો હતો અને ત્યાંથી આદેશ છૂટતા નાછુટકે પરાણે જુના એક સિનેમા નજીક આવેલા પોલીસ સ્ટેશનની ટીમે ખોખુ પરત કરવું પડયું હતું. આ બધુ કયાંક ચોપડે નથી એટલે ચર્ચા કે મોં એટલી વાત મુજબ અફવા માનવી પડે
તમે કરો એ લીલા, અમે કરીએ એ પાપ ? ખોખું પરત દેનારી પોલીસમાં કચવાટ હશે
પરાણે એક ખોખુ પરત દેવું પડયું હોવાની વાત પોલીસમાં છૂપી ગુંજની જેમ ચર્ચાઇ રહી છે સાથે સાથ જેમણે ખોખુ પરત દેવું પડયું હશે તેઓને જે તે સમય તો દિવાળી સુધરી ગઇ તેવું લાગ્યું, પરંતુ અત્યારે આકરૂં પડયું છે. કારણ કે એવી પણ ચર્ચા છે કે, બાતમીદારને જે આપવું પડયું તે પણ ઘરનું ભોગવવું પડયું છે. કદાચ ખોખુ પરત દેનાર પોલીસને જેમણે પરાણે પરત અપાવ્યું તેમની તરફ આંતરિક એવો કચવાટ હશે કે, તમારે આ બધુ રોજીંદુ હશે પણ અમારે તો કયારેક હાથ આવે. તમે કરો એ લીલા, અમે કરીએ એ પાપ ? તેવો ખોખુ દેનાર પોલીસમાં કચવાટ કે કકળાટ હશે પરંતુ થઇ કાંઇ ન શકે, કારણ કે અત્યારે એ પાવરમાં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech