જામનગર શહેરમાં સતત ત્રીજા દિવસે પણ વેક્સિન મેળવવા માટે લોકોની ભારે દોડધામ પછી પોલીસની એન્ટ્રી

  • June 30, 2021 12:41 PM 

શહેરની સજુબા ગર્લ્સ સ્કૂલ સહિતના વેક્સિનેશન સેન્ટરો પર ભારે ભીડ ઉમટી પડતાં પોલીસ બોલાવવી પડી:  માત્ર ૧૦ સ્થળો પર ૨૦૦ની મર્યાદામાં વેકશિન નો ડોઝ અપાયો: જ્યારે ૩૦૦ થી વધુ લોકો પહોંચતાં ભારે હાલાકી

જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન ની પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે, જે ત્રણ દિવસથી સદંતર ભાંગી પડી છે. અને વેકશિનનો અપૂરતો જથ્થો હોવાના કારણે અનેક લોકોને ધરમ ધકકા ખાવા પડી રહ્યા છે. જેમાં આજે ત્રીજા દિવસે પરિસ્થિતિ વણસી છે, અને માત્ર ૧૦ સ્થળોએ વેક્સિનેશન ના કેમ્પ ચાલુ રખાયા પછી પ્રત્યેક સ્થળે અપાયેલા ૨૦૦ ડોઝની સામે ૩૦૦થી ૪૦૦ વ્યક્તિ આવી જતાં આરોગ્ય કર્મીઓની હાલત કફોડી બની છે, અને આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી છે.

રસીકરણ ની વ્યવસ્થા સાચવવા માટે મહાનગર પાલિકાનું આરોગ્યતંત્ર આખરે વામણુ પુરવાર થયું છે, અને જામનગરની પ્રજા વેકશિન મેળવવા માટે જ્યાં ત્યાં ભટકી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી આવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોમાં રોષ પ્રગટ થયો છે.

જામનગર શહેરમાં પ્રતિદિન ૬,૦૦૦ ડોઝ આપવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, અને ૩૦ થી વધુ સ્થળો પર એક સાથે વેકશિન ના ડોઝ આપવામાં આવી રહ્યા હતા, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી આ મામલે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.

વેકશિનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ થયો ન હોવાથી આરોગ્ય તંત્રની કવાયત વધી ગઈ છે. જામનગર શહેર માં આજે ૧૦ સ્થળો પર વેક્સિનેશન ની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. જેમાં પાંચ સ્થળો પર કોવીશીલ્ડ ના ૨૦૦ વ્યક્તિઓ ને રસી આપી શકાય તેટલા ડોઝ ઉપલબ્ધ કરાવાયા છે. જ્યારે પાંચ સ્થળો પર કૉવેક્સિન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

જામનગર શહેરમાં અપાઇ રહેલા પ્રતિદિન ૬,૦૦૦ વ્યક્તિ માટેના ડોઝની બદલે માત્ર ૨,૦૦૦ ડોઝ આપવામાં આવ્યા હોવાથી આજે તમામ સ્થળો પર ભીડ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકાર દ્વારા વેપારીઓને વેક્સિનેશન સર્ટીફીકેટ મેળવ્યા પછી આવતીકાલથી વેપાર-ધંધા શરૂ કરવા માટેની જાહેરાત કરાયા પછી વેક્સિન લેવા માટે અનેક વેપારીઓ અને તેમના કર્મચારીઓ, રેકડી ધારકો, વગેરે દોડધામ કરી રહ્યા છે. પરંતુ વેકશિનના અપૂરતા જથ્થા ને લઈને અનેક લોકોને ધરમ ધક્કો ખાવો પડી રહ્યો છે.

સતત ત્રીજા દિવસે પણ આવી વિકટ પરિસ્થિતિ ને કારણે આજે પોલીસ તંત્રની પણ એન્ટ્રી થઈ ગઈ છે. જામનગરની સજુબા ગર્લસ હાઈસ્કૂલ માં રાખવામાં આવેલા રસીકરણના કેમ્પમાં આરોગ્યતંત્ર દ્વારા કરાયેલા ૨૦૦ ડોઝની સામે વેક્શિન મેળવવા આવનારા લોકો ની સંખ્યા ૩૦૦ થી ૪૦૦ થઈ ગઈ હતી, અને ભારે ભીડ તેમજ શોરબકોર ના અંતે આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

શહેરના અન્ય વેકશિનસેન્ટરો પર પણ આ જ પરિસ્થિતિ હોવાથી ભીડને નિયંત્રણ કરવા માટે પોલીસ મથામણ કરી રહી છે. તમામ વેકશીનેશન સેન્ટર પર સવારે નવ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરાયો છે, પરંતુ મોટા ભાગના સ્થળો પર બેથી અઢી કલાકના સમયગાળામાં જ રસીનો જથ્થો પૂર્ણ થઈ ગયો હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS