ખંભાળિયા શહેરમાં પરપ્રાંતિય ફેરીયાઓ દ્વારા વેચાતા ધાર્મિક પુસ્તકોમાં ધાર્મિક લાગણી દુભાતી હોવા અંગે પોલીસમાં કાર્યવાહી

  • July 17, 2021 11:11 AM 

પોણો ડઝન જેટલા શખ્સોની પોલીસ દ્વારા પૂછતાછ: ફરિયાદ અંગેની કાર્યવાહી

   ખંભાળિયા શહેરમાં અન્ય રાજ્યોમાંથી આવેલા કેટલાક શખ્સો દ્વારા ધાર્મિક પુસ્તકોના કરાતા વેંચાણમાં પુસ્તકોમાં ધાર્મિક લાગણીને ઠેસ પહોચતી હોવા અંગેના આક્ષેપો સાથે અહીંની પોલીસમાં ફરિયાદ અરજી કરાતા પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

    ખંભાળિયા શહેરના શારદા સિનેમા રોડ પર ગઈકાલે બહારથી આવેલા કેટલાક ફેરિયાઓ હિંદુ ધર્મ અંગેના પુસ્તકોનું વેચાણ કરી રહયા હતા. આ સંદર્ભે અહીંના કેટલાક કાર્યકરો દ્વારા તેઓને અટકાવી તેમના દ્વારા વેચાણ કરવામાં આવતા હિન્દુ ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કરતા આ પુસ્તકોમાં ભગવાન વિશેના ગેરવ્યાજબી શબ્દોનું સંબોધન તથા ઉચ્ચારણ કરવામાં આવ્યું હોવાનું તેઓના ધ્યાને આવ્યું હતું. આટલું જ નહીં, વિવિધ પ્રતિકૃતિ તથા વિવરણ મારફતે ધાર્મિક લાગણી દુભાય અને ગીતાજીમાં ક્યાંય ઉલ્લેખ ન હોય તેવા શબ્દોના પ્રયોગ પણ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

   ચાર પ્રકારના પુસ્તકો મારફતે ધાર્મિક પ્રચાર કરવા આવ્યા હોવાનું કહી, નવ જેટલા શખ્સો અહીં પુસ્તકોનું વેચાણ કરતા હતા. ટ્રક ભરીને હજારોની સંખ્યામાં પુસ્તકો સાથે આવેલા આ શખ્સો તેઓને પગાર કે કમિશન મળતું હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. માત્ર રૂપિયા 10 ની નજીવી કિંમતે પુસ્તક વેચતા આ શખ્સોને એસ.ઓ.જી. પોલીસને પૂછપરછ માટે સોપવામાં આવ્યા હતા. અને તેઓના વતન તેમજ આધાર કાર્ડ વિગેરે અંગેની પોલીસે સઘન પૂછતાછ પણ કરી હતી.

   આ સમગ્ર પ્રકરણ અંગે અહીંના જિલ્લા હિન્દુ સેના પ્રમુખ નિલેશભાઈ શુક્લ દ્વારા પોલીસને વિગતવાર લેખિત જાણ કરવામાં આવી છે. જે સંદર્ભે ખંભાળિયા પોલીસે આ પ્રકરણમાં ગુનો બનશે કે કેમ તે બાબતે તપાસ તેમજ જરૂરી તજવીજ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS