આગામી દિવાળીના તહેવારોમાં લોકો મહાપર્વની ઉજવણી કરવા માટે સગા સંબંધીઓના ઘરે અથવા તો બહારગામ ફરવા જતા હોય છે. ત્યારે તસ્કરોને મોકળુ મેદાન મળી રહેતું હોય છે અને ચોરીની ઘટનાઓ બનતી હોય છે. જે અટકાવવા માટે પોલીસે લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે. શહેર પોલીસ દ્વારા લોકોને દિવાળીના તહેવારોમાં બહાર જતા પૂર્વે સાવચેતી રાખવા અપીલ કરી છે. સાથોસાથ શહેરના બી ડિવિઝન પોલીસ દ્વારા ઇમિટેશન સહિતના વેપારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજાઈ તેમને જરૂરી સૂચનો કર્યા હતા.
પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસીપી આર.એસ.બારીઆના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં આવનાર દિવાળી તહેવાર અનુસંધાને મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકે તે હેતુથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એસ.રાણેની રાહબરીમાં ઇમિટેશનના વેપારીઓ તથા આંગડિયા પેઢીના સંચાલકો અને ચાંદીના વેપારીઓ તથા આગેવાન સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી હેતલ પટેલની અધ્યક્ષતામાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં વેપારીઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં ડીસીપીએ તેમને દિવાળીના તહેવાર અનુસંધાને દુકાનોમાં સીસીટીવી કેમેરા યોગ્ય રીતે ચાલુ રાખવા, દુકાનમાં કામ કરતા કર્મચારીઓ- શ્રમિકોની વિગત પોલીસને આપવી, સીસીટીવી કેમેરાનું બેકઅપ અન્ય સ્થળે રાખવું તેમજ ખૂબ કિંમતી ઘરેણાં વસ્તુઓને રજાઓ દરમિયાન સુરક્ષિત જગ્યાએ મૂકવા સૂચન કર્યું હતું. તેમજ કોઈપણ પ્રશ્ન ઊભો થાય તો તાત્કાલિક જનરક્ષક 112 અથવા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. વેપારી અને આગેવાનોએ પોલીસની વાત સાંભળી તેમને સહકાર આપવાની ખાતરી આપી હતી.
જ્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા પણ આગામી દિવાળીના તહેવારને લઈ લોકોને સજાગ રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, તહેવારના દિવસોમાં બહાર ફરવા જવાનું થાય તો કેટલીક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું. ખાસ કરીને ઘર વ્યવસ્થિત રીતે લોક કરી જવું, ઘરમાં દાગીના કે કોઈ કિંમતી ચીજ વસ્તુઓ રાખવી નહીં, કીમતી વસ્તુઓ સુરક્ષિત જગ્યાએ કે લોકરમાં રાખવી, ઘરના સીસીટીવી કેમેરા ચાલે છે?તેનું બેકઅપ જળવાઈ છે કે નહીં તેની ચકાસણી કરી લેવી. જો લાંબા સમય માટે બહાર જવાના હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. કોઈ પણ ઈમરજન્સીમાં 112 જનરક્ષક તથા સાયબર ફ્રોડ માટે 1930 ઉપર સંપર્ક કરવો તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.