જામનગર તાબેના વસઇ ગામમાં મહાજન મહિલાની આશરે ૧૦ કરોડની કિંમતની જમીનનો ખોટો વેચાણ કરાર કરી પચાવી પાડવાનું કારસ્તાન બહાર આવ્યુ છે અને મામલો પોલીસ મથકે પહોચ્યો છે, ખોટા પુરાવા ઉભા કરીને તેનો ખરા તરીકે ઉપયોગ કરવા પુર્વ આયોજીત કાવતરુ રચવામાં આવ્યુ હતું આ મામલે સિકકા પોલીસ સ્ટેશનમાં રાજકોટ, ટીંબડી, ખંભાળીયાના બેરાજા અને વકીલ સહિતના શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવતા ભારે ચકચાર વ્યાપી છે જે ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.
જામનગર તાલુકાના વસઇ ગામમાં રહેતા રંજનબેન નરશીભાઇ સુમરીયા (ઉ.વ.૭૩) નામના જૈન મહાજન વૃઘ્ધા જેઓ અભણ અને એકલવાયુ જીવન ગુજારતા હોય જેનો ફાયદો ઉપાડવા માટે ફરીયાદીની વસઇ ગામની ખેતીની જમીનના ખાતા નં. ૮૯૫ જુના રે.સ.નં. ૧૭૭/૨, નવા રે.સ.નં. ૩૧૮ની ૧-૩૫-૩૧ હેકટર જમીન આવેલી હોય જેની હાલની બજાર કિ. અંદાજે ૧૦ કરોડની ગણાય છે.
આ કિંમતી જમીન પચાવી પાડવા માટે પુર્વ આયોજીત કાવતરુ કરી ફરીયાદી રંજનબેનના નામનો ખોટો વેચાણ કરાર તૈયાર કરી તેમા તેમના નામના ખોટા અંગુઠાનું નિશાન કરી તેની ખોટી ઓળખ તથા સાક્ષી પુરાવા આપી તેને સાચો સાબિત કરવા માટે ખોટી વેચાણ કરારની નોટીસ આપી સીવીલ કોર્ટમાં આ ખોટા વેચાણ કરારને ખરા તરીકે રજુ કરી સ્પે. દિ.મુ.નં. ૫૦/૨૦૨૫ થી કરી ગુનો કર્યો હતો. ગત તા. ૨૩-૧-૨૫ થી તા. ૬-૧૦-૨૫ના સમય દરમ્યાન આરોપીઓએ ગુનાહીત કાવતરુ રચ્યુ હતું.
આ અંગેની વિગતો ઘ્યાન પર આવતા વૃઘ્ધા દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો, દરમ્યાન રંજનબેન સુમરીયા દ્વારા ગઇકાલે સિકકા પોલીસ સ્ટેશનમાં ઉપરોકત બનાવ અંગે રાજકોટના સવદાસ અરજણ ચાવડા, ટીંબડી ગામના કિશોર હેમગર ગુસાઇ, ખંભાળીયા તાલુકાના બેરાજા ગામના પુંજા કારુ કરમુર તથા રણછોડ નરશી પરસાણા વકિલવાળાઓેએ તથા તપાસમાં ખુલે એ તમામની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૬ (૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨), ૬૧(૨)(એ) આ મુજબ ફરીયાદ નોંધાવતા સિકકા પીઆઇ જે.જે. ચાવડા આ બાબતે તપાસ ચલાવી રહયા છે.
કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાનું કારસ્તાન બહાર આવતા અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોચતા ભારે ચકચાર મચી જવા પામી છે, ઉપરોકત ફરીયાદ અનુસંધાને પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરવા સહિતની તપાસની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.