વીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો

  • April 25, 2025 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટના વિરડા વાજડી રેવન્યુ સર્વે નંબર હેઠળના વિસ્તારમાં કાદમ્બરી પાર્કના પ્લોટ નંબર ત્રણની 767 ચોરસ મીટર જમીનની ખરીદીનો 1986માં દસ્તાવેજ કર્યાનું જણાવીને આ જમીન મામલે 1985થી 1995ની સાલ સુધીમાં થયેલા ચાર ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો દાવો સિવિલ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યો છે.

ઉપરોકત મિલકત 1986ની સાલમાં હંસાબેન કાંતિલાલ મોદીના કુલમુખત્યાર મહેશકુમાર જયંતીલાલ બાવીસી પાસેથી ખરીદ કરી હોવાનું જણાવી પ્રતાપભાઈ કાળુભાઈ બસીયા દ્વારા લાવવામાં આવેલા આ દાવામાં 1995માં જમીન ખરીદનારા પ્રતિવાદી જીગીષાબેન પ્રશાંતભાઈ મહેતા વતી કોર્ટમાં હાજર થયેલા ધારાશાસ્ત્રી અર્જુન પટેલ દ્વારા એવો બચાવ લેવામાં આવેલ કે, આ દાવાના વાદી પ્રતાપભાઈ કાળુભાઈ બસીયાએ જેની પાસેથી દાવાવાળી મિલ્કત ખરીદ કર્યાનું જણાવે છે તે હંસાબેન કાંતીલાલ મોદીએ અગાઉ આ જ પ્લોટ બાબતે સિવિલ કોર્ટમાં નરેન્દ્ર નાનભા વાઢેર સામે દાખલ કરેલ દાવો અને રિસ્ટોરેશનની અરજી બંને રદ થયા હતા. અને ત્યારબાદ હંસાબેન કાંતીલાલ મોદીએ બોમ્બે લેન્ડ રેવન્યુ રૂલ્સ ૧૦૮(૫) હેઠળ નાયબ કલેકટર સમક્ષ નરેન્દ્ર નાનભા વાઢેરના નામે દાખલ થયેલ નોંધ ચેલેન્જ કરી હતી. જેની અપીલ પણ નાયબ કલેકટરે રદ કરી હતી. દાવાવાળી મિલ્કતમાં વાદી પ્રતાપભાઈ કાળુભાઈ બસીયા જેની પાસેથી મિલ્કત ખરીદ કર્યાનું જણાવે છે તે હંસાબેન મોદી પાસે કાયદેસરનું કોઈ ટાઈટલ હતું જ નહીં, તેમજ તા.૨૪/ ૧૦/ ૮૩ના રોજ ચિતરંજન કે. મોદી નરેન્દ્રસિંહ નાનભા વાઢેરના મુખત્યાર હતા જ નહીં, અને તેથી તેઓને હંસાબેન કાંતિલાલ મોદી જોગ કોઈ વેચાણ દસ્તાવેજ કરવા હકક, અધિકાર કે સતા હતી જ નહીં, આમ છતા ફ્રોડ આચરી ફોર્જરી કરી ચિતરંજન મોદીએ પોતાની સગી બહેન હંસાબેન મોદીના નામનો વેચાણ દસ્તાવેજ છળકપટથી કરેલ. તેમજ ડો. ચિતરંજન કે. મોદીને આપવામાં આવેલ કુલમુખત્યારનામું તા.૨૦/ ૧૦/ ૮૩ના રોજ રદ કરવામાં આવ્યું હતું, આમ છતા તેને હંસાબેન કાંતીલાલ મોદીના નામે તા.૨૪/ ૧૦/ ૮૩ના રોજનો બોગસ વેચાણ દસ્તાવેજ કરી નાખેલ છે. જેથી વાદીને કોઈ કાયદેસરનું ટાઈટલ પ્રાપ્ત થયેલ નથી અને પ્રતિવાદીઓના દસ્તાવેજો નહીં પરંતુ ખુદ વાદીનો દસ્તાવેજ અને વાદી જેની પાસેથી ઉતરોતર ખરીદ કરેલાનું જણાવે છે તેના દસ્તાવેજો રદ થવાને પાત્ર છે.

તેમજ આ પ્રકારનો દાવો લાવનાર વાદી પ્રતાપ કાળુ બસીયા જાતે અદાલત સમક્ષ જુબાની આપવા માટે આવેલ નહી અને તેમના વતી તેમના મુખત્યાર નરેન્દ્રભાઈ ડાયાભાઈ ચૌહાણ દ્વારા જુબાની આપવામાં આવેલ, જેમને આ વ્યવહારો સંબંધે કોઈ અંગત જ્ઞાન, જાણ કે માહીતી ન હતી, જેથી અદાલતે લંબાણ પુર્વકનો ચુકાદો આપતા ઠરાવેલ છે કે, વાદી જે કુલમુખત્યારનામાના આધારે વેચાણ દસ્તાવેજથી માલીક બન્યાનું જણાવે છે તે મુખત્યારનામું આવા વેચાણ દસ્તાવેજ કરવા માટે કુલમુખત્યારને અધિકૃત કરતા નથી, અને કોઈ જ માલીકી હકક વાદીમાં સ્થાપીત થયેલ નથી. વાદીના કુલમુખત્યારની વર્તણુક પણ ધ્યાને લઈ અદાલતે વાદીનો દાવો રદ કર્યો છે. આ કામમાં પ્રતિવાદી વતી એડવોકેટ તરીકે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી, ભાર્ગવ એ. પાનસુરીયા, આકાંક્ષા એચ. રાજદેવ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application