જામનગર : વાર્તા કથન દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકોને પ્રેરણા પિયુષ પહોંચશે

  • December 14, 2024 06:30 PM 

જામનગર : વાર્તા કથન દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકોને પ્રેરણા પિયુષ પહોંચશે

ધીરુભાઇ અંબાણીના જન્મદિને રિલાયન્સ ફાઉન્ડેશનનો નવતર કાર્યક્રમ

વ્યક્તિના જીવન ઘડતરમાં સૌથી વધુ મહત્વનો સમયગાળો બાળપણનો છે અને આ સમયગાળાનો યોગ્ય ઉપયોગ કરીને બાળકોના જીવનને ઉત્તમ આકાર આપવા સ્વ. ધીરુભાઈ અંબાણીના જન્મદિન નિમિત્તે રિલાયન્સ ફાઉંડેશન દ્વારા ‘કહાની- કલા- ખુશી’ શિર્ષક તળે એક નવતર કાર્યક્રમ અમલમાં મૂકાયો છે.

બાળમાનસ પર પડેલી કોઈ પણ છાપ આજીવન રહેતી હોય છે અને આ ઉંમરે સૌથી વધારે અસર રસપ્રદ રીતે કહેવાતી વાર્તાઓની હોય છે એવું માનસશાસ્ત્રિય રીતે સિધ્ધ થઈ ચુક્યું છે. સોસિઅલ મીડિયાના વર્તમાન યુગમાં બાળકો આવી પ્રેરણાદાયક વાર્તાઓથી વિમુખ થતા જાય છે અને વાલીઓ પણ જાણ્યે- અજાણ્યે આ મહત્વની બાબત તરફ દુર્લક્ષ સેવી રહ્યા છે.  રિલાયન્સ ફાઉંડેશન દ્વારા આ હકીકતને ધ્યાનમાં રાખીને ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં રિફાઈનરીની આસપાસની 23 ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં તા. 12 થી 20 ડીસેમ્બર દરમિયાન વાર્તાકથન અભિયાન હાથ ધરાયું છે. જેમાં ધો. 5થી 10ના આશરે 2700 કરતાં વધુ બાળકોને લાભ મળશે. 

આ અભિયાન દરમિયાન રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના 400 જેટલા  બાળપ્રેમી સ્વયંસેવકો શાળાએ- શાળાએ જઈને સામાન્ય પરિસ્થિતિમાં જન્મીને પોતાના જીવનમા નેત્રદિપક સિધ્ધિ હાંસલ કરનાર ઉદ્યોગપતિઓ સર્વ ધીરુભાઈ અંબાણી, ઘનશ્યામદાસ બીરલા,  જે.આર.ડી.તાતા, કિરણ મઝુમદાર શો, નારાયણ મૂર્તિ ,  વૈજ્ઞાનિકો સી.વી. રામન, એ.પી.જે.અબ્દુલ કલામ, હોમીભાભા, શ્રીનિવાસ રામાનુજન, વિક્રમ સારાભાઈ તેમજ  રમતવીરો મેરી કોમ, ધ્યાન ચંદ, પી.વી. સિંધુ, લીએંડર પેસ અને સચિન તેંડુલકરના જીવન અને ઉપલબ્ધિઓ વિષે વાર્તા જેવી રસપ્રદ શૈલીમાં વાત કરી રહ્યા છે. આ સ્વયંસેવકોમાં રિફાઈનરીમાં કાર્યરત એંજિનીયરો, અધિકારીઓ અને તેમનાં પત્ની – માતા- પિતા સહિતના કુટુંબીજનો જોડાયા છે.  ત્યારબાદ બાળકોને ભેટ આપવામાં આવેલી ડ્રોઈંગ કીટનો ઉપયોગ કરીને તેઓ પોતાના આદર્શ વ્યક્તિત્વ અથવા પોતાના સ્વપ્નની કારકિર્દીનું ચિત્ર દોરે છે. આમ કહાની અને કલાનો સમન્વય કરી ખુશી મેળવે છે, જે આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ છે. 

કાર્યક્રમના અંતિમ ચરણમાં ઉપરોક્ત તમામ મહાનુભાવોના જીવન – કવન વિશેની સચિત્ર પુસ્તિકાઓના જરુરીયાત મુજબના સેટ શાળાઓને ભેટ આપવામાં આવશે અને બધા જ વિદ્યાર્થીઓ આ તમામ 15 મહાનુભાવોના સંઘર્ષ અને સફળતાથી પરિચિત થઈ પ્રેરણા મેળવે તે પ્રકારનું આયોજન કરાયું છે.

રિલાયન્સ દ્વારા  ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં નિરંતર થતી શિક્ષણ, આરોગ્ય, રોજગાર, મહિલા ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓમાં ઉમેરાયેલ આ પ્રાથમિક શાળા કક્ષાથી જ વ્યક્તિત્વ ઘડતરના આ અભિગમને વાલીઓ, શિક્ષકો અને બાળઉછેર સાથે સંકળાયેલ મહાનુભવો અને સંસ્થાઓ તરફથી વ્યાપક આવકાર મળ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application