જામનગર જિલ્લામાં ચૂંટણીના સમયગાળા સિવાય સરઘસો કાઢવા અને સભાઓ યોજવા અંગે પરવાનગી આપવાના અધિકારો હાલમાં સબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને આપવામાં આવેલ છે.
આગામી જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે.રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા.૨૧/૦૧/૨૦૨૫ ના રોજ કરવામાં આવેલી છે.આ તારીખથી જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે.
જેથી ચૂંટણી દરમ્યાન જામનગર જિલ્લાના ઉક્ત મતદાર વિભાગમાં ઉમેદવારો તરફથી સભાઓ યોજવા અને સરઘસો કાઢવા કે લાઉડ સ્પીકર અંગેની પરવાનગીઓ ઉતાવળે માંગવામાં આવે તે સમયે પોલીસ અધિકારીઓ કોઈ ગુનાની તપાસમાં રોકાયેલા હોય, અગર કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં રોકાયેલ હોય તેવા સમયે ઉમેદવારોને પરવાનગી મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે.પંડ્યા દ્વારા ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી પરવાનગીઓના સંદર્ભમાં સરઘસ કાઢવા, સભા ભરવા અને લાઉડ સ્પીકર વગાડવા અંગેની પરવાનગી આપવાના અધિકારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી નીચેના અધિકારીઓને આપવામાં આવે છે.જેમા જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકા વિસ્તાર, ૮-જોડીયા-૩, તાલુકા પંચાયત મતદાર મંડળ તેમજ ૧૪-જામવંથલી, તાલુકા પંચાયત મતદાર મંડળ માટે સંબધિત વિસ્તારના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટને પરવાનગી આપવાના અધિકારો આપવામાં આવે છે.