જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગના બીજા માળેથી દર્દીની છલાંગ

  • March 20, 2021 11:26 AM 

૩ દિવસથી કોવિડ વોર્ડમાં દાખલ થયેલા દર્દીએ ફાયરના બાટલાથી કાચ તોડી બીજા માળેથી પડતું મૂક્યું: દર્દીના બંને પગ અને હાથ ભાગ્યા હોવાથી તાત્કાલિક અસરથી ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડાયો

જામનગરની જી.જી હોસ્પિટલ ના કોવીડ બિલ્ડિંગમાં બીજા માળેથી એક દર્દીએ એકાએક નીચે પડતું મુકી દેતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દર્દીના બંને પગ અને હાથ ભાંગ્યા હોવાથી તાત્કાલિક અસરથી તેને સારવાર માટે  ટ્રોમા સેન્ટર માં ખસેડવામાં આવ્યો છે, અને તેની સઘન સારવાર ચાલી રહી છે. આ બનાવ સમયે હોસ્પિટલ વર્તુળમાં ભારે દોડધામ થઇ હતી.

જામનગરની જી.જી હોસ્પિટલના કોવીડ વોર્ડમાં છેલ્લા ત્રણ દિવસથી સારવાર માટે દાખલ થયેલા પોરબંદરનાં વતની લેખરાજ પરમાર નામના ૪૫ વર્ષના એક દર્દીએ આજે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં બીજા માળેથી પડતું મૂક્યું હતું. દર્દીએ સૌપ્રથમ હોસ્પિટલના બિલ્ડિંગમાં લગાવવામાં આવેલો ફાયર નો બાટલો ઉપાડી લઇ બિલ્ડિંગના કાચ તોડવાનો પ્રયત્ન કર્યો હતો. એક સ્થળેથી કાચ તોડ્યા પરંતુ ત્યાં બરાબર કાચ તૂટ્યો ન હતો. તેથી તરત જ બીજા બારીના કાચ ને ફાયર ના બાટલા વડે તોડી નાખ્યો હતો, અને જગ્યા કરી તેમાંથી નીચે છલાંગ લગાવી દીધી હતી. પરંતુ પોતે નીચે સીધો પડયો હોવાથી તેના બંને પગ ભાંગ્યા હતા તેમજ હાથ ભાંગ્યા હતા. અને અસંખ્ય ફેક્ચર થઈ ગયા હતા. જેથી દેકારો કરવા લાગ્યો હતો.

આ સમયે સિક્યુરિટી વિભાગ તેમજ અન્ય દર્દીના સગાઓ વગેરેમા ભારે દોડધામ થઇ હતી. કોવિડ વોર્ડમાં ફરજ પર રહેલા તબીબોની ટુકડી તાત્કાલિક નીચે આવી પહોંચી હતી, અને એક એમ્બ્યુલન્સ મારફતે દર્દીને સટ્રેંચરમાં નાખી સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં પહોંચાડ્યો હતો. જ્યાં તબીબો દ્વારા કોવિડ ની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા સીટી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને બનાવ અંગેની વધુ તપાસ શરુ કરી છે. છલાંગ લગાવનાર દર્દી ની પત્ની પણ હોસ્પિટલની બહાર હતી પરંતુ તે અચાનક ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. જેથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS