રણુંજા રોડ પર પદયાત્રીને હડફેટે લેનાર બોલેરો ચાલક સામે ફરીયાદ

  • November 22, 2023 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાથબથી રણુંજા મંદિરે જતા કાળ ભેટયો: પરિવારમાં શોકની લાગણી

કાલાવડ-રણુંજા રોડ પર ગઇકાલે પદયાત્રી યુવાનને બોલેરો પિકઅપના ચાલકે હડફેટે લઇ મોત નિપજાવી નાશી છુટયો હતો, આ બનાવમાં ચાલક સામે કાલાવડ ટાઉન પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.
ભાવનગરના હાથબ ગામના વતની શંભુભાઇ પોપટભાઇ ગોહીલ (ઉ.વ.૪૩) પગપાળા ચાલીને હાથબથી કાલાવડના રણુંજા મંદિરે જતા હતા દરમ્યાન રણુંજા રોડ સાગર સિમેન્ટ કારખાના પાસે પહોચતા બોલેરો પિકઅપ નં. જીજે૧૧ટીટી-૭૯૧૪ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી શંભુભાઇને પાછળથી હડફેટે લઇ માથા અને પગના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યુ હતું.
અકસ્માત સર્જી ચાલક નાશી છુટયો હતો, બનાવની જાણ થતા પોલીસ ટુકડી સ્થળ પર દોડી આવી હતી દરમ્યાન આ બનાવ અંગે ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી નરશીભાઇ મોનજીભાઇ ગોહીલએ બોલેરો પિકઅપના ચાલક સામે ટાઉન પોલીસમાં ફરીયાદ નોંધાવતા નંબરના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે.
***
ખાવડી પાસે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં વધુ એક પદયાત્રીનું મૃત્યુ: રાજકોટ સારવારમાં દમ તોડયો: મૃતાંક ચાર થયો
જામનગર દ્વારકા ધોરી માર્ગ પર મોટી ખાવડી પાસે ગત ૧૬મી તારીખે ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં કારના ચાલકે ચાર પદયાત્રીઓને કચડી નાખતાં ત્રણના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે અન્ય એક પદયાત્રી ઘાયલ થયા હતા, જેનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાથી આ અકસ્માતમાં મૃત્યુનો આંક ૪નો થયો છે.
મોરબીના રવાપરમાં રહેતા રમેશભાઈ ચતુરભાઈ ભાડજા, પરેશભાઈ લિખિયા, કરસનભાઈ ભગવાનજીભાઈ ભાડજા, અને માળીયા મીયાણાના પ્રાણજીવનભાઈ ઠોરિયા સહિતના લોકો ગત ૧૬ મી તારીખે પગપાળા મોરબી થી દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા, જે દરમિયાન મોટી ખાવડી નજીક એક કારનાચાલકે ચારેય પદયાત્રીઓને હડફેટમાં લઈ લીધા હતા. જેમાં રમેશભાઈ, પરેશભાઈ અને કરસનભાઈના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા.
 જ્યારે પ્રાણજીવનભાઈને ગંભીર થઈ હોવાથી સૌપ્રથમ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ રાજકોટથી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ગઈકાલે તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયુંછે, તેથી આ અકસ્માતના બનાવમાં મૃત્યુનો આંક ચારનો થયો છે. મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફ આ મામલે વધુ તપાસ ચલાવે છે.
***
ખંભાળિયા નજીક ટ્રકની હડફેટે રીક્ષા સવાર મુસાફરો ઘવાયા: આરાધનાધામ પાસે ચા-પાણી પીવા માટે ઉભા હતા ત્યારે ટ્રકે ટકકર મારી
ખંભાળિયા - જામનગર હાઈવે પર અત્રેથી આશરે પંદર કિલોમીટર દૂર આરાધના ધામ પાસે રિક્ષામાં બેસીને ખંભાળિયા તરફ આવી રહેલા દર્શનભાઈ નારણભાઈ ચોપડા (ઉ.વ. ૨૭) તેમજ તેમના બહેન મયુરીબેન અને તેમના માસી ચા-પાણી પીવા માટે ઊભા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે આવી રહેલા જી.જે. ૧૨ બી.ઝેડ. ૫૦૫૮ નંબરના એક ટ્રકના ચાલક દિનેશ વાઢેરે રીક્ષાને પાછળથી ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા મયુરીબેનને નાની-મોટી ઇજાઓ થવા ઉપરાંત રિક્ષામાં પણ નુકસાની થવા પામી હતી. આ પ્રકરણમાં વાડીનાર મરીન પોલીસે ટ્રકના ચાલક દિનેશ વાઢેર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application