રેલવે સ્ટેશનમાં ઇન્ક્વાયરી - ટિકિટબારી વચ્ચે અઢીસો મીટર દૂર હોય યાત્રીઓ હેરાન

  • March 24, 2025 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રેલવે જંકશન ખાતે ચાલુ ટ્રેનની ટિકિટ બારી અને ઇન્કવાયરી કાઉન્ટર વચ્ચે 250થી વધુ મીટરનું અંતર હોય ટ્રેનોના સમયે પૂછપરછ બાબતે ઉતારૂઓ મુશ્કેલીમાં મુકાતા હોય નેશનલ યુથ પ્રોજેક્ટ દ્વારા કરંટ ટિકિટ વિન્ડો અને ઇન્કવાયરી વિન્ડો એક સ્થળે જ રાખવા રેલવે સત્તાવાળાઓને રજૂઆત કરવામાં આવી છે.

નેશનલ યુથ પ્રોજેક્ટના કન્વીનર રાજેશ ભાતેલીયાએ રજૂઆતમાં જણાવ્યા મુજબ, જંકશનના નવા બિલ્ડિંગમાં કરંટ બુકિંગ ઓફિસ અને ઇન્કવાયરી ઓફિસ વચ્ચે ખાસ્સું અંતર હોય, ઇન્કવાયરી વિન્ડો હાલની કરંટ બુકિંગની

વિન્ડો પાસે જ ખાલી જગ્યામાં શરૂ કરી ઉતારુઓની હાડમારી દૂર કરવી જોઈએ. આ ઉપરાંત રેલવે સ્ટેશન ઉપર હાલની કરંટ ટિકિટ વિભાગમાં બે કાઉન્ટર ખાલી છે તે જગ્યાએ ઇન્કવાયરી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા સહિત તમામ શહેરોના રેલ્વે સ્ટેશનને બંને વિન્ડો બાજુમાં જ રાખવામાં આવ્યા છે.

રાજકોટમાં પણ આવી ઉતારુંલક્ષી વ્યવસ્થા શરૂ થવી જોઈએ.

આ ઉપરાંત રેલવે તંત્ર દ્વારા અગાઉ ફોન ઉપર લોકલ ઇન્કવાયરી વ્યવસ્થા હતી તે ખૂબ ઉપયોગી હતી, તે બંધ કરી છેલ્લા કેટલાક વર્ષોથી ફોન નંબર 139 ઉપર સેન્ટ્રલ ઇન્કવાયરી સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે, જેની જટિલ પદ્ધતિને કારણે સામાન્ય ઉતારૂઓને 139 નંબર ઉપર પૂછપરછ કરવી અઘરી પડે છે, આથી રાજકોટ ડિવિઝન લેવલે અલગ ઇન્કવાયરી ફોન નંબર શરૂ કરવા નેશનલ યુથ પ્રોજેક્ટ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.


જનસાધારણ અને અંત્યોદય એક્ષપ્રેસ જેવી (અનરિઝર્વ્ડ) ટ્રેનો ચાલુ થવી જોઈએ

રાજકોટ, જામનગર, મોરબી જિલ્લામાં આવેલા જુદા જુદા ઔદ્યોગિક વિસ્તારોમાં મોટેભાગે ઉત્તર, પૂર્વ ભારતમાંથી શ્રમીકો આવતા હોવાથી, તેમને ખાસ કરીને હોળી, જન્માષ્ટમી, દિવાળી તહેવારોની રજામાં વતન આવવા જવા માટે ખૂબ જ રસ રહેતો હોય છે, આવા રિઝર્વેશન નહીં કરાવનારા શ્રમિકોને કારણે ટ્રેનોમાં ચડવા ખૂબ જ અવ્યવસ્થા અને અંધાધુંધી સર્જાતી હોય છે, રિઝર્વેશન ધરાવતા ઉતારૂઓ પણ હાલાકી ભોગવતા હોય છે, આ પરિસ્થિતિ નિવારવા તમામ કોચ રિઝર્વેશન વિના ચલાવાતી જનસાધારણ એક્સપ્રેસ અને અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનો રાજકોટ સૌરાષ્ટ્રમાંથી પણ ચલાવવી જોઈએ. આવી સાપ્તાહિક ટ્રેનો હાલ ગુજરાતમાં અમદાવાદ- મુજફ્ફરપુર અને સાબરમતી- દરભંગા દોડી રહી છે, આથી 22 થી 24 અનરિઝર્વ્ડ કોચની જનસાધારણ એક્સપ્રેસ અને અંત્યોદય એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનો રાજકોટ, સૌરાષ્ટ્રમાંથી પણ ચલાવવી જોઇએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application