જામનગરના સીટી-એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. તેમજ પી.એસ.આઇ. ને સસ્પેન્ડ કરાતાં પોલીસ બેડામાં ખળભળાટ

  • June 21, 2021 10:27 AM 

ઉદ્યોગનગર વિસ્તારના એક કોલસાના પ્રકરણમાં નબળું સુપરવિઝન કરવાના સંદર્ભમાં જિલ્લા પોલીસ વડા દ્વારા લેવાયેલું પગલું

જામનગર સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયા તેમજ પી.એસ.આઇ. કે.સી. વાઘેલાને જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. કોલસા પ્રકરણની નોંધાયેલી ફરિયાદ પછી સુપરવિઝનમાં બેદરકારી દાખવવા અંગેના સંદર્ભમાં આ પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જિલ્લા પોલીસ વડાના આ પગલાથી જામનગરના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર ગોંડલીયા તેમજ ઇન્વેસ્ટિગેશન વિભાગના પી.એસ.આઇ. કે. સી. વાઘેલા ને આજે જામનગરના જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

શહેર વિભાગના ડીવાયએસપી મારફતે બંને ને સસ્પેન્ડ કરવા માટેનો ઓર્ડર કાઢવામાં આવ્યો છે, જયારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એલ ગાધેને તાત્કાલિક અસરથી સીટી-સી ડિવિઝન પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

જિલ્લા પોલીસ વડાના આ પગલાને લઇ ને પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં કોલસા પ્રકરણની આજથી એક મહિના પહેલા ફરિયાદ નોંધાવાઈ હતી. તે ફરિયાદની તપાસ ના પ્રકરણમાં પી. આઇ. દ્વારા નબળૂ સુપરવિઝન કરવામાં આવ્યું હતું, અને બેદરકારી દાખવવામાં આવી હતી. તેવા કારણોસર આ પગલું લેવાયું છે. ત્યારે પીએસઆઇ કે સી. વાઘેલા સમગ્ર પ્રકરણની તપાસ ચલાવી રહ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ વતી એક વચેટીયો આમાં મુખ્ય ભૂમિકા ભજવી ગયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જે ઉદ્યોગ નગર વિસ્તારના વેપારીઓને પોલીસના નામે હેરાન પરેશાન કરી કોલસા અંગેના બીલો વગેરે માંગવામાં વેપારીઓને કનડગત કરતો હોવાનું, અને પોલીસ વતી વેપારીઓ સાથે ડિલિન્ગ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંદર્ભે વેપારીઓ ધ્વારા મામલો જિલ્લા પોલીસ વડા સમક્ષ લઇ જવામાં આવ્યો હતો, અને આખરે જિલ્લા પોલીસ વડા દ્વારા આજે સસ્પેન્શનનું આકરુ પગલું ભરવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS