BREAKING NEWS

અમદાવાદમાં દુષ્કર્મના આરોપી પર PIનું ફાયરિંગ, પગમાં ગોળી વાગી, પોલીસનું હથિયાર છિનવી ભાગવા પ્રયાસ કર્યો

  • December 08, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર થયેલા દુષ્કર્મ કેસના આરોપીએ રિ-કન્સ્ટ્રકશન દરમિયાન પોલીસ પર હુમલો કરી ભાગી જવાનો પ્રયાસ કરતા પીઆઈએ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આરોપીના પગમાં ગોળી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે એક હેડ કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત થતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


પીઆઈનું હથિયાર છિનવ્યું

મળતી માહિતી મુજબ, અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મનાં કેસમાં ઝડપાયેલા મોઈનુદ્દીન નામના આરોપીને લઈ પોલીસ આજે ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. ત્યારે આરોપીએ હુમલો કરી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળ પર હાજર પીઆઈ ઈમરાન ઘાસુરા પાસેથી હથિયાર છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આથી પીઆઈએ ફાયરિંગ કરતા આરોપીને એક ગોળી પગમાં વાગી હતી. દુષ્કર્મના આરોપી અને પોલીસકર્મી વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ ઈજાગ્રસ્ત થયા હતી. જેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેઓની તબિયત સારી હોવાનું જાણવામાં મળ્યું છે.


મોઈનુદ્દીન દિવ્યાંગ યુવતીને પીંખી હતી

26 નવેમ્બરની રાતે દાણીલીમડાના મકાનમાં રહેતી એક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ થયું હતું. યુવતીની માનસિક સ્થિતિ સારી નહીં હોવાના કારણે તે મોડીરાતે પોતાના મકાનના નીચે ઊતરી ગઈ હતી. યુવતી મોડીરાતે ચાલતી ચાલતી રોડ પર આવી ત્યારે જમાલપુર વિસ્તારમાં રહેતા મોઈનુદ્દીન બાદશાહ નામના યુવકની નજર તેના પર પડી હતી. દિવ્યાંગ યુવતીને જોઈને મોઈનુદ્દીનની નિયત ખરાબ થઈ હતી અને તે તેની પાસે ગયો હતો.


તારે ક્યાં જવું છે અને અહીં કેમ ફરે છે

મોઈનુદ્દીને તેની પાસે જતાંની સાથે જ યુવતીને પૂછ્યું હતું કે તારે ક્યાં જવું છે અને અહીં કેમ ફરે છે. યુવતીએ મોઈનુદ્દીનને જવાબ આપ્યો હતો કે મારે દવાખાને જવું છે. મોઈનુદ્દીને યુવતીને દવાખાને લઈને જવાનું કહ્યું હતું, જેથી તે રાજી થઈ ગઈ હતી. મોઈનુદ્દીન યુવતીને અંધારામાં અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું.


દુષ્કર્મ બાદ યુવતી ઘરે આવી હતી

યુવતીને પીંખી નાખ્યા બાદ મોઈનુદ્દીન ત્યાંથી જતો રહ્યો હતો અને બાદમાં તે પણ પોતાના ઘરે આવી ગઈ હતી. ઘરના લોકોને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો અને કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી. ક્રાઈમ બ્રાંચે આ મામલે 30થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરીને ગણતરીના દિવસોમાં વિકૃત આરોપીને ઝડપી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application