બુટલેગરે ગજબનું ભેજુ વાપર્યું, બુટ-ચપ્પલના કોથળામાં છૂપાવેલી 2304 દારૂની બોટલ મળી, રાજકોટ પોલીસે કટીંગ સમયે જ આખો ટ્રક દારૂથી ભરેલો ઝડપ્યો

  • April 16, 2025 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના ભારત ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ગોડાઉનમાં તથા અહીં પડેલી આઇસરમાંથી દારૂના કટીંગ સમયે પીસીબીની ટીમે દરોડો પાડી જુના ચંપલ તથા બુટ ભરેલા કોથળાની આડમાં છુપાવેલો રૂપિયા 3.74 લાખની કિંમતનો 2304 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે બે શખસોને ઝડપી લીધા હતા. જ્યારે રામનાથપરામાં રહેતા શખસનું નામ ખુલ્યું છે. દારૂનો આ જથ્થો આઇસર સહિત કુલ રૂપિયા 11.74 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી વિશેષ તપાસ હાથ ધરી છે. દારૂનો આ જથ્થો સેલવાસથી ભરવામાં આવ્યો હતો રામનાથપરાના શખસે દારૂનો આ જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે.


દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો, મુજબ ઇન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એમ.જે.હુણ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઈ સંતોષભાઈ મોરી તથા હરદેવસિંહ રાઠોડ,હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા,કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ દેવરાજભાઈ કાળોતરાને એવી બાતમી મળી હતી કે, થોરાળા વિસ્તારમાં આવેલા ભારત ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સુમન ઇન્ડસ્ટ્રીઝ સામે આવેલા ગોડાઉનમાં આઇસરમાંથી દારૂના જથ્થાનું કટીંગ થઈ રહ્યું છે જેથી પીસીબીની ટીમે અહીં પહોંચી કટીંગ સમયે જ દરોડો પાડ્યો હતો.


પોલીસે અહીં ગોડાઉન તથા આઇસરમાં જુના ચંપલ તથા બુટ ભરેલ કોથળામાં તપાસ કરતા ચપલ અને બુટની આડમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી કુલ રૂપિયા 3,74,496 ની કિંમતનો 2304 બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. દારૂના આ જથ્થા સાથે પોલીસે વલસાડ વાપીમાં રહેતા મહેશ ઉર્ફે મોનું ગોપાલભાઈ ચૌહાણ અને રાજકોટમાં આજી વસાહત વિસ્તારમાં અનમોલ પાર્ક શેરી નંબર 2 માં રહેતા જાવેદ રહીશભાઈ શેખ (ઉ.વ ૩૬) ને ઝડપી લીધા હતા. દારૂનો આ જથ્થો આઇસર સહિત કુલ રૂપિયા 11,74,496 મુદ્દામાલ કબજે કરાયો હતો.


પોલીસે ઝડપાયેલા બંને શખસોની પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે, આઇસરમાં દારૂનો જથ્થો સેલવાસથી ભરવામાં આવ્યો હતો અને ત્યાંથી જ મહેશ ઉર્ફે મોનું આઇસરમાં સાથે આવ્યો હતો. અહીં ગોડાઉનમાં દારૂ ખાલી કરવા માટે જાવેદને મજૂરી કામ માટે સાથે રાખ્યો હતો. જ્યારે દારૂનો આ જથ્થો રાજકોટના રામનાથ પરામાં રહેતા સોહિલ યુસુફભાઈ થઈમ નામના શખસે મંગાવ્યો હતો.આરોપીએ ગોડાઉન ભંગારનો સામાન રાખવા માટે ભાડે રાખ્યુ હોવાનું માલુમ પડ્યું છે. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી રામનાથપરાના સોહિલને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application