ખંભાળિયાની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન તથા આઈ.સી.યુ. બેડ વધારવા તંત્ર દ્વારા કાર્યવાહી

  • May 24, 2021 11:14 AM 

કોરોનાના ઘટતા કેસ અને ખાલી બેડ વચ્ચે વધારવાની તજવીજ હાથ ધરાઈ !

ખંભાળિયાની જિલ્લા કક્ષાની સરકારી કોવિડ હોસ્પિટલ કે જેમાં હાલ અનેક બેડ ખાલી છે, અહીં જિલ્લાના ઘટતા જતા કોરોના કેસ વચ્ચે હોસ્પિટલમાં નવા બેડની સુવિધા વધારવાની તજવીજએ ભારે આશ્ચર્યની લાગણી પ્રસરાવી છે.

ખંભાળિયામાં આવેલી સિવિલ હોસ્પિટલ કે જ્યાં જિલ્લા કક્ષાની કોરોના સારવાર માટે કોવિડ હોસ્પિટલ કાર્યરત છે, અહીં આશરે 110 ઓક્સિજન બેડ સહિત કુલ 170 જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ છે. આટલું જ નહિ, અહીં 25 વેન્ટિલેટર સાથેના આઈ.સી.યુ. બેડ પણ છે.

આ સાથે ખંભાળિયાની સરકારી કોવિડ હોસ્પિટલની દેખરેખ હેઠળ ભાજપના કાર્યકરો સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં પણ 100 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોરોનાના દર્દીઓ તથા બેડ અંગેની છેલ્લી પરિસ્થિતિ રજૂ કરવામાં આવે તો સરકારી હોસ્પિટલમાં આશરે 15 જેટલા અને કોવિડ કેર સેન્ટરમાં તો આશરે 85 જેટલા બેડ ખાલી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે-દિવસે ઘટી રહ્યું હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં ખંભાળિયાની સરકારી કોવિડ હોસ્પિટલમાં કોરોના અંગે નવા બેડ વધારવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અંગે હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા જાણવા મળતી વિગત મુજબ આ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના વધુ 45 બેડ વધારવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત વેન્ટિલેટર સાથેના પણ આશરે 5 થી 10 આઈ.સી.યુ. બેડ મળે તે માટેની મંજૂરી માંગી, યોગ્ય તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.!!

કોરોનાની બીજી લહેર ખતમ થવાની અણી ઉપર માનવામાં આવે છે, ત્યારે સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતના ઓક્સિજન બેડ વધારવાની આ કાર્યવાહીએ આશ્ચર્યની લાગણી પ્રસરાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS