રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપ તમામ વોર્ડમાં ભારે મુસીબતનો સામનો કરી રહ્યું હોવાનું ચિત્ર દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો કરતા ભાજપના ઉમેદવારોને ટિકિટ કપાયેલા કે દુભાયેલા નેતાઓની નિષ્ક્રિયતા ભારે નડી રહી છે. ૪૫ પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ કાપી નાખવામાં આવી છે. માત્ર ૨૩ને
ફરી ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. કપાયેલા ૪૫ પૈકી માત્ર સાત જ નેતાઓ હાલ ચૂંટણી સમયે પ્રચાર-પ્રસારમાં સક્રિય હોવાનો ધગધગતો રિપોર્ટ સ્થાનિક નેતાગીરી દ્વારા પ્રદેશ હાઈ કમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. સંગઠન પ્રભારી અને પ્રભારી મંત્રીની બેઠક બાદ પણ ડેમેજ કંટ્રોલ થતું નથી.
રાજકોટમાં આવતા સમાહે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
સહિતના નેતાઓ પ્રચાર માટે આવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે તે પૂર્વે પ્રદેશ ભાજપને પૂર્વ કોર્પોરેટરોની નિષ્ક્રિયતા અને આડોડાઈ અંગેનો રિપોર્ટ પ્રદેશ ભાજપને મોકલી દેવાયો છે.
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં દર વખતે ટિકિટ ફાળવણી બાદ અસંતોષની આગ ફાટી નિકળતી હોય
છે. પરંતુ ભાજપના નેતાઓ આ આગને ઠારવામાં બે દિવસમાં સફળ રહી જતાં હોય છે. કપાયેલા કે, દુભાયેલાઓને ચૂંટણી પ્રચારમાં લાગી જવા માટે મનાવી લેતા હોય છે. પરંતુ આ વખતે ચિત્ર ધૂંધળું દેખાઈ રહ્યું છે. એક-બે નહીં પરંતુ તમામ ૧૮ વોર્ડમાં ડખ્ખો છે. જે શાંત થવાનું નામ લેતું નથી. જે ૪૫
નેતાઓની ટિકિટ પર પ્રદેશે જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખ કાતર ફેરવી દીધી છે. તે પૈકી પુષ્કરભાદ પટેલ, જયમીનભાઈ ઠાકર, દેવાંગભાઇ માંકડ, મનીષભાઈ રાડિયા, સુરેન્દ્રસિંહ વાળા અને જયાબેન ડાંગર પરિવા-સહિત સાત નેતાઓ જ ભાજપના ઉમેદવારોને સાથ આપી રહ્યા છે અને પ્રચારમાં જોડાઈ રહ્યા છે, સામાન્ય રીતે એવું હોય છે કે, જેની જેની ટિકિટ કપાઈ હોય તેને આગળ રાખવામાં આવે છે. જેના કારણે પ્રજાજને તેઓને ઓળખતા હોય નવા ઉમેદવારોને લોકસંપર્ક દરમિયાન વધુ પરેશાનીનો સામનો કરવો ન પડે પરંતુ આ વખતે સ્થિતિ સંપૂર્ણપણે અલગ છે. પૂર્વ કોર્પોરેટરી કે જેને ફરી પક્ષે ટિકિટ નથી આપી તે પૈકી મોટા ભાગના નિષ્ક્રિય થઈ ગયા છે. કેટલાકે તો ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ પણ હાજરી આપી ન હતી. આટલું જ નહીં વોર્ડમાં નવા ઉમેદવારો સાથે પ્રચારમાં પણ નિકળતા નથી. જેના કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે, શહેર ભાજપના સંગઠનના હોદેદારોએ તમામ ૧૮ વોર્ડની ખેવના લેવી પડે છે. દરરોજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ અલગ અલગ વોર્ડમાં પ્રચાર
માટે જવું પડે છે. આ ઉપરાંત મહામંત્રીઓ પણ સવારથી લઈ સાંજ સુધી અલગ અલગ વોર્ડમાં પ્રચારમાં જોતરાઈ રહ્યા છે. કપાયેલા કે દુભાયેલા નેતાઓની નિષ્ક્રિયતાનો ધગધગતો રિપોર્ટ સ્થાનિક નેતાઓ દ્વારા પ્રદેશ હાઈ કમાન્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચૂંટણીના પરિણામ બાદ આવા નેતાઓ સામે પક્ષ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. ગત ચૂંટણીમાં ભલે ભાજપ શહેરના ૧૮ વોર્ડ પૈકી ૧૭ વોર્ડ જીત્યું હોય પરંતુ આ વખતે માહોલ થોડો અલગ દેખાઈ રહ્યો છે. પ્રચાર દરમિયાન લોકોના રોપનો પણ સામનો કરવો પડે છે. કેટલીક જગ્યાએ તો ભાજપના ઉમેદવારોએ પ્રજાને કવેણ પણ સાંભળવા પડયા હતાં. કોઈ કાળે ડેમેજ કંટ્રોલ થતું નથી આવતા સપ્તાહે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાજકોટમાં પ્રચાર માટે આવે તેવી શક્યતા જણાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application