ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ હેઠળની હરીયા કોલેજના એવોર્ડ ફંકશનમાં હોબાળો થયા બાદ આક્ષેપબાજી થઇ રહી છે અને ગઇકાલે મેનેજીંગ ટ્રસ્ટી દ્વારા પત્રકાર પરિષદ બોલાવીને વળતા આક્ષેપો કરવામાં આવતા ટ્રસ્ટનો વિવાદ વધુ વકર્યો છે અને આગામી સમયમાં હજુ વધુ વિવાદ વકરવાના એંધાણ જોવા મળી રહયા છે, ગઇકાલે પત્રકાર પરિષદમાં કાઉન્ટર એટેક મેનેજીંગ ટ્રસ્ટી તરફથી ફાઉન્ટર ચેરમેનની પુત્રી સામે કરાયો હતો અને મેનેજમેન્ટમાં તેણી દખલગીરી કરતા હોવાના આરોપ કરવામાં આવ્યા હતા ઉપરાંત વાતને માનહાનીના દાવા સુધી લઇ જવામાં આવશે તેવી વિગતો બહાર આવતા મામલો ચરમસીમાએ પહોચ્યો છે.
ગત તા. ૨૫ના જામનગરની હરીયા કોલેજના એવોર્ડ સમારંભમાં કાયમી ખાસ આમંત્રીત સભ્ય જીનેશ શાહને ટ્રસ્ટી તરીકે સ્ટેજ પર બોલાવવામાં આવતા હોબાળો થયો હતો અને ટ્રસ્ટના ફાઉન્ડર ચેરમેનના પુત્રી જીજ્ઞાબેન દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો દરમ્યાન મામલો પોલીસ મથકે પહોચ્યો હતો, જયાં બંને જુથ દ્વારા સામ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા, દરમ્યાનમાં એવોર્ડ ફંકશનના ચાર દિવસ બાદ ગઇકાલે મેનેજીંગ ટ્રસ્ટી રમણીકભાઇ શાહ દ્વારા ભરતેશ શાહ, ચંદુભાઇ શાહ, સહિતના ૯ ટ્રસ્ટીની ઉપસ્થીતીમાં હરીયા સ્કુલના ઓડીટેરીયમ હોલમાં પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટીઓ ઉપરાંત કોલેજના અજયભાઇ શાહ, કેમ્પસ ડીરેકટર સ્નેહલબેન, જીનેશ શાહ, શૈક્ષણીક સ્ટાફ, ટ્રસ્ટના કમિટી સભ્યો વિગેરે ઉપસ્થીત રહયા હતા.
આ પત્રકાર પરિષદમાં મેનેજીંગ ટ્રસ્ટી રમણીકભાઇ શાહે કહયુ હતું કે, જીજ્ઞાબેન દ્વારા લગાવવમાં આવેલા આક્ષેપો ખોટા છે, પાયા વિહોણા છે, જેન્તીભાઇ હરીયા હાલ ટ્રસ્ટના ચેરમેન છે પરંતુ તેમના પુત્રી જીજ્ઞાબેન કોઇ હોદો ધરાવતા નથી છતા સ્કુલ-કોલેજ મેનેજમેન્ટમાં દખલગીરી કરે છે તેમજ સ્ટાફ સાથે ગેરવર્તન કરે છે.
આગળ કહયુ હતું કે ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ સંસ્થા ૪૩ વર્ષથી લોકહીતમાં કામ કરે છે શહેરના ઓશવાળ હાઇટસના ફલેટ વેચાણ અંગેના પ્રશ્ર્નનો જવાબ આપતા જણાવ્યુ હતું કે જે તે વખતે મિટીંગમાં સર્વાનુમતે નકકી કરાયેલ મુજબ અમુક ફલેટ વેચાણ કરેલ અને ફલેટના પૈસા ટ્રસ્ટમાં જમા થયા છે.
ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ પરિવાર વતી મેનેજીંગ ટ્રસ્ટી રમણીકલાલ શાહ દ્વારા વધુ વિગતો જણાવવામાં આવી હતી જે અનુસાર ટ્રસ્ટના નેજા હેઠળ ૧૮ શૈક્ષણીક સંસ્થા ચાલે છે આ સંસ્થા છેલ્લા ૪૩ વર્ષથી સફળતાના શિખરો સર કરી છે. જેમાં ગત વર્ષે ચેરમેન કાંતીલાલ લખનશી હરીયાનું અવસાન થતા તેમના નાના ભાઇ જેન્તીભાઇ હરીયા ચેરમેનપદે બિરાજમાન થયા, ટ્રસ્ટ બોર્ડ દ્વારા તેમને ચેરમેન તથા તેમના પત્નીને ટ્રસ્ટી તરીકે સ્વીકારવામાં આવેલ પરંતુ તેમના સુપુત્રી જીજ્ઞાબેન હરીયા જે ટ્રસ્ટમાં કોઇ હોદો ધરાવતા નથી અને તેમની સાથે બે માસ અગાઉ મુંબઇથી જામનગર આવેલ છે. છ માસ પહેલા મેનેજીંગ ટ્રસ્ટીની વ્યકિતગત ઓફીસ પર જીજ્ઞાબેને જઇને તોડફોડ કરેલ, લાખાબાવળ નેચરોપેથી સેન્ટર પર સામાન બહાર ફેંકી ગેરવર્તન કરેલ આમ જીજ્ઞાબેન વિરુઘ્ધ ૧૫ જેટલી ફરીયાદો લેખીતમાં ટ્રસ્ટ ઓફીસને મળી છે.
ગત તા. ૨૫ના હરીયા કોલેજ ખાતે એમબીએના વિધાર્થીઓનો સર્ટીફીકેટ વિતરણ સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં ૭૦૦ જેટલા લોકો હાજર હતા, એક માસથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓ કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં ટ્રસ્ટી દ્વારા હાલમાં રચના કરવામાં આવેલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો દ્વારા સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવેલ જેમાં કમિટીના સભ્ય ટ્રસ્ટ બોર્ડ મિટીંગના કાયમી ખાસ આમંત્રીત સભ્ય જીનેશભાઇ શાહને સ્ટેજ પર બોલાવતા ફાઉન્ડર ચેરમેનના પુત્રી જીજ્ઞાબેન હરીયા દ્વારા તેઓને નીચે ઉતારવા વિરોધ દર્શાવ્યો હતો. અને નાછુટકે પોલીસ બોલાવવી પડી હતી.
આ પત્રકાર પરિષદમાં સવાલ-જવાબ મુદે ગરમ વાતાવરણ જોવા મળ્યુ હતું ટ્રસ્ટીઓ દ્વારા આંતરીક મતભેદના કારણે આક્ષેપો થઇ રહયા છે, તે બાબતે અમુક ખુલાશા કરાયા હતા તેમજ કેટલાક આક્ષેપો પણ કરાયા હતા, આમ ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનો વિવાદ ચરમસીમાએ પહોચ્યો છે. ઉપરાંત આ પરિષદમાં ઉપસ્થીત જીનેશભાઇ શાહે જણાવ્યુ હતું કે જાહેર કાર્યક્રમમાં મારી આબને ધકકો લાગે તેવુ કૃત્ય જીજ્ઞાબેન દ્વારા કરવામાં આવ્યુ છે આથી તેની સામે માનહાનીનો દાવો નોંધાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.