સંસદમાં આજે બીજા દિવસે પણ હોબાળાની સ્થિતિ જોવા મળી હતી. એસઆઈઆર મુદ્દે વિપક્ષ ચર્ચાની માગ પર અડગ રહ્યું હતું. વિપક્ષના સાંસદોએ રાજ્યસભા અને લોકસભા બંનેમાં નારેબાજી કરવાનું ચાલુ રાખ્યું હતું. એસઆઈઆર પર ચર્ચાની માગ સાથે વિપક્ષે જોરદાર હોબાળો યથાવત્ રાખતા લોકસભાની અને રાજ્યસભાની કાર્યવાહી આગળ વધી શકી ન હતી. જેના પગલે સભાપતિએ પહેલા 12 વાગ્યે પછી બે વાગ્યે અને અંતે કાલ સુધી એમ ત્રણ-ત્રણ વખત ગૃહને સ્થગિત કર્યાની જાહેરાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ સંચાર સાથી એપને ભારતીય નાગરિકોની જાસૂસી કરવા માટેનું હથિયાર ગણાવ્યું હતું.
આજે બીજા દિવસની કાર્યવાહી શરુ થાય તે પહેલા જ સંસદ બહાર વિપક્ષના સાંસદોએ એસઆઈઆર મુદ્દે દેખાવો કરીને ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. જોકે સંસદમાં કાર્યવાહી શરુ થતાં જ ફરી એકવાર હોબાળો શરુ થઇ ગયો છે. એસઆઈઆર મુદ્દે ચર્ચાની માગ વચ્ચે સરકાર દ્વારા સંચાર સાથી એપને મોબાઇલમાં પ્રિ ઇન્સ્ટોલ કરાવવા અને ડીલિટ ન થવા દેવાની નવી કવાયતથી મામલો વધુ બગડ્યો હતો અને વિપક્ષે આ મુદ્દે પણ સરકારને ઘેરવાનું શરુ કરી દીધું હતું.
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, "દેશમાં ઘણા મોટા મુદ્દાઓ છે. પ્રદૂષણ, એસઆઈઆર, અને આવા બધા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. અમે શરૂઆતથી જ આ કહી રહ્યા છીએ. અમે ગયા સત્રથી ચર્ચાની માંગ કરી રહ્યા છીએ, પરંતુ સરકાર કંઈપણ ચર્ચા કરવા તૈયાર નથી. ગૃહ લોકશાહીનું મંદિર છે, અને લોકશાહીનો અર્થ એ છે કે બધા અવાજ ઉઠાવવા જોઈએ અને દરેકને સાંભળવા જોઈએ.
પ્રિયંકા ગાંધીએ સંચાર સાથી એપને નાગરિકોની જાસૂસીનું હથિયાર ગણાવ્યું
મોબાઇલ હેન્ડસેટ પર સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાના ડોટના નિર્દેશ અંગે, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, આ એક જાસૂસી એપ છે. તે હાસ્યાસ્પદ છે. નાગરિકોને ગોપનીયતાનો અધિકાર છે. દરેકને સરકારની તપાસ વિના પરિવાર અને મિત્રોને સંદેશા મોકલવાનો અધિકાર હોવો જોઈએ... તેઓ આ દેશને દરેક રીતે સરમુખત્યારશાહીમાં ફેરવી રહ્યા છે. સંસદ કાર્યરત નથી કારણ કે સરકાર કંઈપણ ચર્ચા કરવાનો ઇનકાર કરી રહી છે. વિપક્ષને દોષી ઠેરવવાનું ખૂબ જ સરળ છે. તેઓ કંઈપણ ચર્ચા થવા દેતા નથી
સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર : કિરેન રિજિજુ
લોકસભામાં ગતિરોધ વચ્ચે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે અમે વિપક્ષ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. સૌની વાત સાંભળીશું. ચૂંટણી સુધારા હોય કે કોઈપણ મુદ્દો હોય, પીછેહઠ નહીં કરવામાં આવે. સંસદમાં હોબાળો અને નારેબાજી ઠીક નથી.
આ એસઆઈઆર સામે વિરોધ નથી, બિહારમાં હારનો વિલાપ છે: ભાજપ
વિપક્ષને જવાબ આપતા ભાજપના સાંસદ દિનેશ શર્માએ કહ્યું, આ એસઆઈઆર સામે વિરોધ નથી. આ બિહારમાં હારનો વિલાપ છે. આ વિપક્ષનો વિલાપ છે. આ કોંગ્રેસ, આરજેડી અને ટીએમસીનો વિલાપ છે. પહેલા તેમણે બિહાર જીત્યું, અને હવે બંગાળનો વારો છે.
વોટ ચોર- ગાદી છોડના નારા લાગ્યા
લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. કેટલાક સાંસદો વેલમાં પહોંચી ગયા. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ 'વોટ ચોર ગાદી છોડ' જેવા નારા લગાવ્યા. વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહ સ્થગિત કરી દીધું. આ દરમિયાન ઉપલા ગૃહમાં એસઆઈઆર અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને સંચાર સાથી એપનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો.