ખંભાળિયામાં રજવાડી ગેઈટને હેરિટેજ લુક આપવા ઓપરેશન ડિમોલિશન

  • December 27, 2023 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનધિકૃત રહેણાંક, દુકાનો પર પાલિકાનું બુલડોઝર ફર્યું

ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રાચીન ગેઈટને હેરિટેજ લુક આપવા માટે આ ગેઈટની નજીકના વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના અનધિકૃત બાંધકામ દૂર કરવાના આયોજનમાં ગઈકાલે મંગળવારે સાંજે અહીંના સલાયા ગેઈટ તથા દ્વારકા ગેઈટ વિસ્તારમાંથી જુદા જુદા પ્રકારનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું
ખંભાળિયાના સલાયા ગેઈટ, દ્વારકા ગેઈટ તથા પોર ગેઈટ વિસ્તારમાં આવેલા રજવાડાના સમયના - દાયકાઓ જુના પ્રાચીન અને આકર્ષક ગેઈટને નવેસરથી સુશોભિત કરવા અને પ્રાચીન ધરોહર જાળવી રાખવાના આશય સાથે સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ ઘટક હેઠળ હેરિટેજ સ્થળોને ડેવલપ કરવા આ રજવાડાના સમયના જુદા જુદા ગેઈટને આકર્ષક અને હેરિટેજ લુક આપવાનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો.
આશરે રૂપિયા ૩.૫૦ કરોડના ખર્ચે મંજૂર થયેલા આ પ્રોજેક્ટ માટે આ ગેઈટને અડીને કરવામાં આવેલા કેટલાક બાંધકામને સ્વૈચ્છિક રીતે દૂર કરાવા જે-તે આસામીઓને નોટિસ આપી દેવામાં આવી હતી. આના અનુસંધાને મંગળવારે સાંજે તંત્ર દ્વારા સલાયા ગેઈટ અને દ્વારકા ગેઈટ ખાતે જેસીબી જેવા સાધનોની મદદથી બાંધકામ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઇજનેર એન આર. નંદાણીયા સાથે હેરિટેજના કોન્ટ્રાક્ટર, પાલિકા સ્ટાફ, પીજીવીસીએલ તંત્ર તેમજ પોલીસ સ્ટાફ પણ આ સ્થળે હાજર રહ્યો હતો. જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો.
મંગળવારે મોડી સાંજ સુધી કરવામાં આવેલી આ કાર્યવાહીમાં બંને સ્થળોએ મળી આશરે ૩૫ જેટલા મકાનો, દુકાનો તેમજ કેબીનોને દૂર કરી દેવામાં આવી હતી. આ સ્થળોએથી કાટમાળ હટાવવા તેમજ અન્ય કામગીરી પણ આગામી સમયમાં કરવામાં આવનાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application