ઓપરેશન કાવેરી : સુદાનથી પરત આવેલા લોકોનું રાજકોટ બસપોર્ટ પર વાજતેગાજતે સ્વાગત

  • April 28, 2023 03:03 PM 

પૃથ્વીનો છેડો ઘર, સામાન્ય સંજોગોમાં વ્યક્તી વતન આવે ત્યારે ખુશી તો થવાની જ, પરંતુ જયારે જીવના જોખમે પરત ફરે ત્યારે તેનો આનંદ અને ઉત્સાહ કંઈક અલગ જ હોઈ છે, જાન હૈ તો જહાન હૈ, અમે સૌ બધું જ છોડીને વતન પરત ફર્યા છીએ અને આટલી ખુશી અમને જીવનમાં પહેલી વાર થઈ હોવાનું નવજીવન મળવાની ભાવના સાથે આજે સુદાનથી રાજકોટ પહોંચતા ૩૦ જેટલા રાજકોટવાસી પરિવારજનોને થઈ છે.



રાજકોટના કુલ 34 લોકો સુદાનથી પરત કર્યા છે પરંતુ તેમાંથી ચાર અમદાવાદમાં તેમના સગા સંબંધીઓને ત્યાં રોકાઈ જતાં 30 લોકો રાજકોટ આવી પહોંચ્યા હતા.



સુદાનની પ્રવર્તમાન પરિસ્થિતમાં ફસાયેલા ભારતીયોની વહારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ એક્સ્ટર્નલ અફેર્સ મંત્રી એસ. જયશંકર તેમજ વિદેશ મંત્રાલય દ્વારા ભારતીયોને રેસ્ક્યુ કરી પરત લાવવા 'ઓપરેશન કાવેરી' અભિયાન શરુ કરાયેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા તેઓને ઘર સુધી પહોંચાડવા પરિવહનની વ્યવસ્થા દ્વારા કરવામાં આવી હોઈ પ્રથમ બેચમાં રાજકોટના ૩૦ જેટલા લોકો તેમના પરિવાર સાથે આજરોજ રાજકોટ બસપોર્ટ ખાતે આવી પહોંચતા ઢોલ નગારાના તાલ વચ્ચે મેયર ડો. પ્રદીપ ડવ તેમજ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે તેઓનું હાર પહેરવી, પુષ્પગુચ્છ આપી સ્વાગત કરતા ખુબ ખુશીની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.



સુદાનથી પરત ફરતા યાત્રીઓની આ તકે હેમખેમ વતન પરત ફરતા તેમના આપ્તજનો વચ્ચે મિલાપ સાથે ભાવવાહી દ્રશ્યો જોવા મળ્યા હતાં. વિપુલચંદ્ર મહેતા તેમના પરિવારના પાંચ વ્યક્તિઓ સાથે સુખરૂપ પહોંચતા જણાવ્યું હતું કે, અમને વિદેશ મંત્રાલય દ્વારા સુંદર વ્યવસ્થા કરી આપી, પોર્ટ પર ફૂડ પેકેટ્સ, પાસપોર્ટ સહીત અમારા પરિવારને ડિપોર્ટ કરવામાં તમામ મદદ કરી હતી .



આજે અમે પાંચ દિવસે ઘરે પહોંચ્યા છીએ પરંતુ આટલી ખુશી અમને જીવનમાં ક્યારેય મળી નથી. આ તકે તેમના પરિવાજનો ઉપરાંત ૮૦ વર્ષના રંજનબેન અંબાલાલ, ૭૦ વર્ષીય સુનંદા જૂઠાની એ રાજકોટ વતન હેમખેમ પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સરકાર, તેમજ રાજકોટ કલેકટર અને જિલ્લા વહીવટી તંત્રનો પણ ખાસ આભાર માન્યો હતો.


આ તકે જિલ્લા વહીવટી તંત્ર વતી નાયબ કલેકટર સુરજ સુથાર, મામલતદાર (દક્ષિણ) એચ.એન.પરમાર,સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application