સુપ્રીમ કોર્ટે તાત્કાલિક કેસોની સુનાવણી અંગે નવા નિયમો જારી કર્યા છે. એક મુખ્ય પ્રક્રિયાગત નિર્દેશમાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અત્યંત તાત્કાલિક કેસ જે સૂચિબદ્ધ થવાની રાહ જોઈ શકતા નથી તેનો ઉલ્લેખ ફક્ત ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સમક્ષ જ કરી શકાય છે, ભલે તે બંધારણીય બેંચની અધ્યક્ષતામાં વ્યસ્ત હોય છે.
સામાન્ય રીતે, જો મુખ્ય ન્યાયાધીશ અનુપલબ્ધ હોય અથવા બંધારણીય બેંચની અધ્યક્ષતામાં વ્યસ્ત હોય તો તાત્કાલિક કેસોની સૂચિબદ્ધ કરવા અને સુનાવણી માટે સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવે છે.
છ એપ્રિલના રોજ જારી કરાયેલા પરિપત્રમાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, 29 નવેમ્બર, 2025ના પરિપત્ર મુજબ આ માનનીય કોર્ટ સમક્ષ સૂચિબદ્ધ થવાની રાહ જોઈ શકતા નથી તેવા અત્યંત તાત્કાલિક કેસોનો ઉલ્લેખ કોર્ટ નંબર એક સમક્ષ કરવાની પરવાનગી છે, ભલે મુખ્ય ન્યાયાધીશ બંધારણીય બેંચની અધ્યક્ષતામાં હોય. પરિપત્રમાં જણાવાયું છે કે આવા કેસોનો ઉલ્લેખ અન્ય કોઈપણ બેંચ સમક્ષ કરવાની મંજૂરી નથી.
રવિવારે તેલંગાણા હાઈકોર્ટના ઝોન-બે માટે શિલાન્યાસ કર્યા પછી, સીજેઆઇ સૂર્યકાંતે સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું, દેશભરમાં સર્જાયેલ આ વાતાવરણ મને ખૂબ જ આત્મવિશ્વાસ આપે છે. છેલ્લા કેટલાક મહિનામાં જ, મને ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, આસામ અને હવે તેલંગાણામાં ન્યાયિક સંકુલનો શિલાન્યાસ કરવાની તક મળી છે.
તેમણે કહ્યું, તમામ રાજકીય પક્ષોની રાજ્ય સરકારો એ વાત સ્વીકારી રહી છે કે ન્યાયિક માળખાને મજબૂત બનાવવું વૈકલ્પિક નથી, પરંતુ એકદમ આવશ્યક છે. તેમણે કહ્યું કે બંધારણના સ્થાપકો ન્યાયની પહોંચના સિદ્ધાંતમાં દ્રઢપણે માનતા હતા અને તેથી દરેક રાજ્ય માટે ઉચ્ચ અદાલતની સ્થાપનાને બંધારણીય ફરજ બનાવી હતી. સીજેઆઇ સૂર્યકાંતે કહ્યું, મેં આને માત્ર કાનૂની જરૂરિયાત તરીકે જ નહીં, પરંતુ પ્રજાસત્તાકની ગંભીર પ્રતિબદ્ધતા તરીકે જોયું છે.