ખોડિયારપરા પાસે કટિંગ થાય તે પૂર્વે દરોડો કારમાં 720 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

  • October 05, 2024 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ગોંડલ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થાનું કટીંગ થાય તે પૂર્વે જ એલસીબી ઝોન-ટુ ની ટીમે દરોડો પાડી 720 બોટલ દારૂના જથ્થા સાથે લીંબડીમાં રહેતા શખસને ઝડપી લીધો હતો. જ્યારે દરોડા દરમિયાન અહીં માલ લેવા આવેલો રાજકોટના રૈયાધારમાં રહેતો શખસ નાસી ગયો હતો. પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત 3.82 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એલસીબી ઝોન-2 ના પીએસઆઇ આર.એચ. ઝાલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એવી બાતમી મળી હતી કે, વોકસવેગન પોલો ગાડી નંબર જીજે 3 એફડી 2203 માં વિદેશી દારૂનો જથ્થો ભરી મવડી ચોકડીથી ખોડીયારપરા તરફ દારૂની કટીંગ કરવા માટે આવી રહી છે જેથી આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પુનિતનગર પાણીના ટાંકા પાસે ખોડીયાર પરા મેઇન રોડ જય રામાપીર મંદિર નજીકથી આ શંકાસ્પદ કારને કોર્ડન કરી અટકાવી હતી. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી 720 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૂના આ જથ્થા સાથે રવિ કાનાભાઈ સોંડલા (ઉ.વ 22 રહે. ગ્રીનચોક રામનાથ મેઇન રોડ, લીંબડી) ને ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતો સાગર સેલાભાઈ બોળીયા નામનો શખસ નાસી ગયો હતો. પોલીસે દારૂનો આ જથ્થો કાર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 3.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપી સાગર દારૂનો આ જથ્થો મંગાવ્યો હોય અને લીંબડીમાં રહેતો રવિ લીંબડીથી અહીં દારૂની ડીલીવરી કરવા આવ્યો હતો. આરોપી સાગર સામે અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મારામારી, ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું તેમજ તે 2019 માં પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.


લોઠડાના શખસને 60 બોટલ દા સાથે ઝડપી લેતી પીસીબીની ટીમ
પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એમ.જે.હુણ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કરણભાઈ મારૂ અને વિજયભાઈ મેતાને મળેલી બાતમીના આધારે લોઠડા ભાયાસર રોડ પરથી મફતીયાપરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી અહીંથી રૂ. 24,000 ની કિંમતનો 60 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે જતીન બચુભાઈ બાવળીયા (ઉ.વ 23 રહે.લોઠડા) ને ઝડપી લઇ દારૂનો આ જથ્થો અને મોબાઈલ સહિત 27,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application