લાલપુર બાયપાસ પાસે દારુ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

  • July 04, 2023 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેમ્પો ટ્રકમાં ચોરખાનું બનાવીને દારુ રાખ્યો : એલસીબીએ ૨૭૭ શરાબની બોટલ, ૨૦૮ બિયર સહિત ૪.૩૬ લાખનો મુદામાલ કબજે કર્યો : બે ફરાર

જામનગર સહિત રાજયમાં બુટલેગરો દ્વારા દારુની હેરાફેરી માટે અવનવા કિમીયા અજમાવવામાં આવે છે, પોલીસથી બચવા માટે વાહનોમાં દારુ સંતાડીને હેરફેર કરાતો હોય જો કે પોલીસ દ્વારા પણ સધન તપાસ કરીને દારુ પકડી પાડવામાં આવે છે ગઇકાલે જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે દોસ્ત મીની ટેમ્પોમાં ચોરખાનું બનાવીને વિદેશી દારુ-બિયરનો જથ્થો સંતાડીને નીકળેલા એક શખ્સને એલસીબીની ટુકડીએ ફીલ્મી સ્ટાઇલથી દરોડો પાડીને દબોચી લીધો હતો. દારુ, બિયર, વાહન મળી કુલ ૪.૩૬ લાખના મુદામાલ સાથે પોરબંદરના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી જેમાં સપ્લાયર અને મંગાવનારના નામ ખુલ્યા હતા. જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા શહેર, જીલ્લામાંથી દારુ-જુગારની બદીને નાબુદ કરવા અને આ દીશામાં કાર્યવાહી કરીને કેશો શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ એસ.પી. ગોહીલ, પીએસઆઇ પી.એન. મોરી અને સ્ટાફ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, સંજયસિંહ વાળાને ખાનગી રાહે હકીકત મળી હતી કે જામનગરના લાલપુર બાયપાસ ચોકડી પાસેથી આરોપી રાજુ અમરા કોડીયાતર રહે. નાગકા ગામ, ખુલ્લીવાવ નેશ તા.જી. પોરબંદર નામનો ઇસમ અશોક લેલન્ડ દોસ્ત ફોરવ્હીલ વાહન નં. જીજે૨૫યુ-૦૧૪૪માં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારુની બોટલો લઇને નીકળ્યો છે. આથી એલસીબીએ દરોડો પાડીને ઇંગ્લીશ દારુની ૨૭૭ બોટલ, બિયરના ૨૦૮ ટીન અને વાહન મળી કુલ ૪.૩૬.૬૦૦ના મુદામાલ સાથે રાજુ કોડીયાતરને પકડી લીધો હતો, આરોપી વિરુઘ્ધ દિલીપભાઇએ ફરીયાદ આપી હતી.
રાજુની પુછપછરમાં દરેડના દારુ મંગાવનાર આલુ રબારી અને દારુ સપ્લાય કરનાર ભાણવડ તાલુકાના પાછતરડી ગામના મેરુ રામા હુણના નામ ખુલ્યા હતા જે બંનેને ફરાર જાહેર કરી તપાસ લંબાવવામાં આવી છે.
આરોપી વાહનની પાછળ ડેકી પાસે ચોરખાનું બનાવીને તેમાં દારુ, બિયરનો જથ્થો સંતાડયો હતો, પોલીસે બાતમી મુજબ શંકા જતા ગાડી રોકાવીને ફીલ્મી સ્ટાઇલથી વાહનની સધન ચકાસણી કરી હતી અને પછળના ભગે ચોરખાનું તોડાવી પાના પકડથી ખોલી તેમાથી દારુનો જથ્થો પકડી પાડયો હતો.
**
ખંભાળિયા સહિત જિલ્લામાં પીધેલા વાહન ચાલકો દંડાયા
ખંભાળિયાના સલાયા ચાર રસ્તા પાસેથી મોડી રાત્રીના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા બે લાખની મોટરકાર નંબર જી.જે ૩૭ બી. ૩૫૨૨ લઈને ડ્રાયવિંગ લાયસન્સ વગર નીકળેલા નિમેશ પાંચાભાઈ નકુમ (ઉ.વ. ૨૨, રહે. રામનગર) ને પોલીસે ઝડપી લીધો હતો. કલ્યાણપુર તાલુકાના ભાટિયા નજીકના દ્વારકા હાઈવે પરથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. એક લાખની કિંમતની અલ્ટો મોટરકાર લઈને નીકળેલા નારણ પાલા આંબલીયા (ઉ.વ. ૩૪, રહે. ભાટિયા)ને તથા દ્વારકા પોલીસે કીર્તિ સ્તંભ પાસેથી ગતરાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ૨૦,૦૦૦ ની કિંમતના સુપર સ્પ્લેન્ડર લઈને નીકળેલા વિશાલ ટપુભા કેર (ઉ.વ. ૨૧, રહે. મોજપ) ને ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.
**
*જામજોધપુરમાં પીધેલો ચાલક ગીરફતાર
જામજોધપુરના સીનેમા રોડ ત્રિશુલચોકમાં રહેતા ગજરાજ ઉર્ફે ગજુ હરજી કુડેચા (ઉ.વ.૩૦)ને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં સ્પ્લેન્ડર પ્લસ નં. જીજે૩એફએ-૧૮૪૮ ચલાવીને ગામના બસ સ્ટેન્ડ રોડ પરથી નીકળતા પોલીસે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application