રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં પહેલા નોરતાથી ગઇકાલ સુધીમાં મતલબ કે તા.૨૨ સપ્ટેમ્બરથી તા.૧૩ ઓક્ટોબર સુધીમાં ૫૬૦૯૦ ક્વિન્ટલ મગફળી અને ૪૧૩૪૦ ક્વિન્ટલ કપાસના સોદા થયા છે. દિવાળી પૂર્વે જ કુલ રૂ.૨૮ કરોડની મગફળી અને ૨૧ કરોડનો કપાસ ઉપરોક્ત ૨૧ દિવસના સમયગાળામાં વેચાયો છે.
રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે, આજે રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ૯૫૦થી વધુ વાહનોની આવક થઈ હતી જેમાં મગફળી, સોયાબીન, કપાસ, જીરું અને સફેદ તલની વિશેષ આવક થઇ હતી. મગફળીમાં ૮૪૦૦૦ મણ, સોયાબીનની આવક ૩૨૫૦૦ મણ, કપાસની ૨૧૦૦૦ મણ, જીરુંની આવક ૪૫૦૦ મણ અને સફેદ તલની આવક ૬૫૦૦ મણ આવક થઇ હતી.
જ્યારે ડિરેક્ટર દિલીપભાઈ પનારાએ જણાવ્યું હતું કે, ચાલુ ચોમાસે દશેરા પછી સુધી વરસાદ વરસતા મગફળી અને કપાસમાં ભેજ બેસી ગયો હોવાને કારણે ગુણવત્તા નબળી પડતા ઓછા ભાવ ઉપજી રહ્યા છે પરંતુ હાલ વાતાવરણ ચોખ્ખું થઇ જતા તેમજ શિયાળાની ઋતુના પૂર્વ દિશાના સૂકા પવન શરૂ થતા આ પવન મગફળી અને કપાસનો ભેજ સૂકવી નાખશે જેથી દિવાળી બાદ સૌરાષ્ટ્રની આ બન્ને મુખ્ય ખેત પેદાશની ગુણવત્તા સુધરશે. ગુણવત્તા સુધરતા ભાવ પણ વધુ ઉપજશે. અલબત્ત હાલ પણ સૌરાષ્ટ્રના અન્ય યાર્ડની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં દરેક જણસીના સારા ભાવ ઉપજતા હોય રાજકોટ ઉપરાંત અન્ય જિલ્લાના ખેડૂતો પણ રાજકોટ માર્કેટ યાર્ડમાં માલ વેંચવાના આગ્રહી બન્યા છે.