રાજકોટ-ભાવનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ગત મોડી સાંજે કાળીપાટ ગામ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આધેડનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાળકો સહિત એક જ પરિવારના 6 સભ્યો અને વાહન ચાલક મળી કુલ 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, રાજકોટ-ભાવનગર હાઈવે પર કાળીપાટ ગામ પાસે આવેલી ‘રાજ ખોડલ હોટલ’ નજીક આ દુર્ઘટના ઘટી હતી. એક ફોર વ્હીલર કાર અચાનક યુ-ટર્ન લઈ રહી હતી, જેને બચાવવા જતાં ટાટા કંપનીનું મીની આઈસર જેવું માલવાહક વાહન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે દૂધના કેન અને મુસાફરો ભરેલું આ વાહન રોડ પર પલટી મારી ગયું હતું.
ઘટનામાં જાનહાનિ અને ઈજાગ્રસ્તોની વિગત
આ ગમખ્વાર અકસ્માતમાં ટેમ્પોમાં સવાર ભીમાભાઇ અમરશીભાઈ મકવાણા નામના આધેડનું ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સમયે વાહનમાં કુલ 12 લોકો સવાર હતા, જેમાંથી 11 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્તોમાં જસદણ તાલુકાના વડાળી ગામના રહેવાસી વાહન ચાલક માંડલભાઈ ગુંજાભાઈ માંડને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે અન્ય 10 ઈજાગ્રસ્તોને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સુરત જતો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો
આ અકસ્માતમાં સૌથી વધુ અસર સુરત રહેતા ચોવસીયા પરિવારને થઈ છે. મૂળ દહીસરા ગામના અને હાલ સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જીતેશભાઈ ધીરુભાઈ ચોવસીયાનો પરિવાર ભાડલા ગામે પિયર ગયો હતો. ત્યાંથી તેઓ આ માલવાહક વાહનમાં બેસીને રાજકોટ આવવા નીકળ્યા હતા, જ્યાંથી તેઓ ખાનગી ટ્રાવેલ્સ દ્વારા સુરત જવાના હતા.
પરંતુ કાળીપાટ પાસે અકસ્માત નડતા પરિવારના તમામ સભ્યો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોનો નીચે મુજબ છે.
જીતેશભાઇ ધીરુભાઈ ચોવસીયા (ઉ.વ. 27)
અંજલીબેન જીતેશભાઇ ચોવસીયા (ઉ.વ. 25)
મિતલ જીતેશભાઇ ચોવાસીયા (પુત્રી, ઉ.વ. 8)
નતાશા જીતેશભાઇ ચોવાસીયા (પુત્રી, ઉ.વ. 7)
અનુસ જીતેશભાઇ ચોવાસીયા (પુત્ર, ઉ.વ. 5)
કાર્તિક જીતેશભાઇ ચોવાસીયા (પુત્ર, ઉ.વ. 5)
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતક ભીમાભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસે અકસ્માત સર્જનાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે કાયદેસરની કાગળ કાર્યવાહી શરૂ કરી છે.
રાજકોટ-ભાવનગર હાઈવે પર વારંવાર બનતી આવી ઘટનાઓએ વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને હાઈવે પર અચાનક યુ-ટર્ન લેતા વાહનો અન્ય નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.