રાજકોટમાં વિચિત્ર ઘટનાઃ કૂતરૂ પાછળ દોડતા 63 વર્ષની માતાને હાર્ટએટેક આવ્યો ને દીકરાની બાઇક પાછળથી પડી રોડ પર પટકાતા મોત

  • March 21, 2025 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માણસનું મૃત્યુ ક્યારેને કેવી રીતે આવે છે એનું નક્કી રહેતું નથી, શહેરના નવનીત હોલ પાસે બાઈક પાછળ કૂતરું દોડતા પાછળ બેઠેલા પ્રૌઢા ગભરાઈ જતા હાર્ટ અટેક આવ્યો હતો અને પુત્રના બાઇકમાંથી પડી જતા બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ છે. પ્રૌઢા પુત્રની બાઇકમાં બેસી હુડકો શાકમાર્કેટથી બકાલું લઇ ઘરે જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.


પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પરના સુભાષનગરમાં રહેતાં પ્રભાબેન માવજીભાઇ ફળદુ (ઉ.વ.૬૩) નામના પ્રૌઢા સાંજે પુત્ર દિલીપભાઇના બાઇક પાછળ બેસી હુડકોની શાકમાર્કેટમાં બકાલું લેવા માટે ગયા હતા બકાલું લઇ ઘરે જતા હતા ત્યારે રામ પાર્ક નવનીત હોલ પાસે પહોંચતા પાછળ બાઈક પાછળ કૂતરું દોડ્યું હતું. તે બાદ પ્રૌઢા અચાનક બાઇકમાંથી પડી જતા બેભાન લોકોના ટોળા એકઠા થયા હતા અને તાકીદે પુત્રએ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડતા ટૂંકી સારવાર બાદ મૃત્‍યુ થયું હતું.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કર્યા હતા. મૃતકને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ હયાત નથી. દિકરાના કહેવા મુજબ અમે શાકભાજી લઇ ઘરે જતાં હતાં ત્‍યારે કુતરૂ પાછળ દોડતાં મારા માતા ગભરાઇ ગયા હતાં અને એના કારણે હાર્ટ અટેક આવી જતા પાછળથી પડી ગયા હતાં. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application