રાજકોટના હીરાસર સ્થિત આવેલા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સમગ્ર વર્ષ દરમિયાન એરલાઇન્સ ઓપરેશનલ કારણોસર ફ્લાઈટની રદ થવાની અને એરપોર્ટ પર વાઇફાઇ, પાણી સહિતની સુવિધાના અભાવ વચ્ચે પણ ચાલુ વર્ષમાં રેકોર્ડ બ્રેક 7,190 ફ્લાઈટના ઓપરેશન થયા છે. તેમજ વિન્ટર શેડ્યુલમાં રાજકોટ થી દિલ્હી, મુંબઈ, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોર માટે હવાઈ ફ્રિકવન્સી વધવાના કારણે 6 માસમાં 6 લાખ કરતા વધુ અને સમગ્ર વર્ષમાં અંદાજે 12 લાખ જેટલા મુસાફરોએ હવાઈ મુસાફરી કરી છે. તેમજ માત્ર ડિસેમ્બર મહિનામાં જ 351 ફ્લાઈટના ઓપરેશન થયા હતા. જેના કારણે અરાઈવલ અને ડીપાર્ચર મળીને મુસાફરોની સંખ્યા દોઢ લાખને પાર એટલે કે 1,55,340 નોંધવામાં આવી છે.
રાજકોટના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટની સેવા ભલે શરૂ ન થઈ હોય પરંતુ
સૌરાષ્ટ્રના પાટનગર સમાજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ પોતાની હવાઈ સેવાનો વ્યાપ વધારતા ડેઇલી 12 થી 13 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરથી ઓક્ટોબર મહિનાની 25 તારીખ સુધી 9 થી 10 ફ્લાઇટ ઉડાન ભરી રહી હતી. પરંતુ 26 ઓક્ટોબરથી વિન્ટર શેડ્યુલનો અમલ શરૂ થતા વધુ ત્રણથી ચાર ફ્લાઈટના ઓપરેશન શરૂ થયા છે. જેથી ફ્લાઇટની સંખ્યા 12 થી 13 સુધી પહોંચી જતા મુસાફરોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે.
જેમાં સરેરાશ ત્રણથી ચાર હજાર જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ખાસ કરીને જન્માષ્ટમી, દિવાળી , નુતન વર્ષ અને નાતાલ જેવા તહેવારોના સમયમાં એર ઇન્ડિયા અને ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા પોતાની સેવાનો વ્યાપ વધારવામાં આવતા મુસાફરોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. જેના કારણે રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક સરેરાશ 1 લાખ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં અરાઈવલ અને ડીપાર્ચર મળીને કુલ 6,10,461 મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. જ્યારે માત્ર નવેમ્બર મહિનામાં અરાઈવલ અને ડીપાર્ચર મળીને 1,22,510 મુસાફરો નોંધાયા હતા તેના કરતા ડિસેમ્બર મહિનામાં 7,170 મુસાફરો વધુ નોંધાયા છે. જોકે એરપોર્ટ શરૂ થઈ અને ત્રણ વર્ષ પૂર્ણ થવા છતાં ઇન્ટરનેશનલ ફ્લાઇટની સેવા માટે મુસાફરો રાહ જોઈ રહ્યા છે. તેની વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઈટની સંખ્યા અને ઓપરેશનમાં રાજકોટ એરપોર્ટની દુવિધા વચ્ચે પણ મુસાફરો બહોળા પ્રમાણમાં મુસાફરી કરી રહ્યા છે. ત્યારે જો એરપોર્ટની સુવિધા ઇન્ટરનેશનલ કક્ષાની શરૂ થાય તો રાજકોટ ખરા અર્થમાં માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં સમગ્ર ગુજરાતમાં એવીએશન હબ તરીકે ઉભરી આવે તેમ છે.