એસટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલ્વેની જેમ હવે તેની બસોમાં પણ સીટ ઉપર ફૂડ ઉપલબ્ધ કરાવવનો નવો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવશે. ઓન ડિમાન્ડ પેકેટ ફૂડ-ફૂડ ઓન બસ નામની સેવા હેઠળ નિગમની એકસપ્રેસ બસોમાં મુસાફરોને બસમાં પેકેટ ફૂડ મળી રહેશે.
નિગમની નોન ટ્રાફીક આવકમાં વધારો થાય તે હેતુથી આ પ્રોજેકટ પ્રાયોગિક ધોરણે માત્ર અમદાવાદથી શરૂ કરાશે. આ માટેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. પાયલોટ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદથી પાલડી, સી.ટી.એમ., કૃષ્ણનગર, નરોડા પાટીયા, નહેરુનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઢવ ક્રોસ રોડ, અડાલજ, જશોદાનગર પોઇન્ટ તેમજ પિકઅપ સ્ટેન્ડ ખાતેથી ફૂડ ડિલિવરી આપવામાં આવશે.
આ પ્રોજેકટ હેઠળ મુસાફરો એસટી નિગમની ઓનલાઇન ઓપીઆરએસ મારફતે બસની ટીકીટની સાથે સાથે ફૂડ પણ અગાઉથી બૂક કરી શકશે. મુસાફરી શરૂ થયા બાદ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય તે સ્થળે પહોંચવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા ફૂડ ઓર્ડર આપવો ફરજીયાત રહેશે. મુસાફરો મુસાફરી પહેલા તેમજ મુસાફરી દરમ્યાન પણ ઓનલાઇન ફૂડ બૂકીંગ કરી શકશે.
આ સુવિધા અમલમાં મુકવા માટે એસટી નિગમ દ્વારા એકસપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ તે વિવિધ એજન્સીઓ પાસેથી ઓનલાઇન ભાવપત્રકો મંગાવવામાં આવ્યા છે. નકકી કરાયેલી એજન્સી દ્વારા બસમાં તમાકું, બીડી, ગુટકા, નોનવેજ અથવા અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં નહી આવે તેમજ ફૂડ સપ્લાયમાં અનિયમિતતા કે સમયસર ફૂડ ન પહોંચાડવાના કિસ્સામાં રૂ.૫૦૦૦ થી ૧૦૦૦૦ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.