પોલીસ પર હુમલો, વેપારીના અપહરણના ગુનામાં ફરાર કુખ્યાત ઇશાભા દલ ઝડપાયો

  • May 14, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જામનગર રોડ પર સ્લમ કવાર્ટર પાસે ચારેક માસ પૂર્વે પોલીસ પર હુમલો કરનાર અને ૭૫ લાખની ઉઘરાણીનો હવાલો લઇ યુનિવર્સિટી રોડ પર એફએસએલ કચેરી પાસેથી વેપારીનું અપહરણ કરી ખંડણી માંગવાના ગુનામાં ફરાર કુખ્યાત આરોપી ઈશાભા દલને એલસીબી ઝોટ- ૨ ની ટીમે ઝડપી લીધો હતો. આરોપીને પ્ર.નગર પોલીસના હવાલે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.


શહેરના રૂખડિયા વિસ્તારમાં ચાર માસ પૂર્વે નામચીન માજીદ ઉર્ફે ભાણુ તથા તેની ટોળકીએ અહીં રહેતા મહિલાના ઘર પર પથ્થરમારો કર્યો હતો. બનાવને લઈ રાત્રિના પ્ર.નગર પોલીસ સ્ટેશનના બે પોલીસમેન જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટર પાસે આરોપીને પકડવા જતા કુખ્યાત શખ્સ માજીદ ભાણું તથા તેની ટોળકીએ પોલીસ પર હુમલો કરી તેમને અહીંથી ભાગી જવા મજબૂર કર્યા હતા. જે અંગે પ્રાનગર પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં કુખ્યાત માજીદ ઉર્ફે ભાણું સહિતના આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે આ ગુનામાં ઇશાભા દલ નામનો આરોપી હાથ લાગ્યો ન હતો.


પોલીસ પર હુમલાના થોડા દિવસોમાં જ ઇશાભા સહિતના આરોપીઓએ ૭૫ લાખની ઉઘરાણીનો હવાલો લઇ યુનિવર્સિટી રોડ પર એફએસએલ કચેરી પાસેથી પટેલ વેપારીનું સ્કોર્પિયોમાં અપરણ કરી તેને રૂખડિયાપરા વિસ્તારમાં લઈ જઈ મારકૂટ કરી ખંડણી માંગી હતી. જે ગુનામાં પણ ઇશાભા પોલીસના હાથ લાગ્યો ન હતો.


બે- બે ગંભીર ગુનામાં નાસતા ફરતા ઇશાભાને ઝડપી લેવા માટે પોલીસની ટીમો કામે લાગી હતી. દરમિયાન એલસીબી ઝોન-૨ ના ઇન્ચાર્જ પીએસઆઇ જે.વી. ગોહિલ તથા તેમની ટીમ તપાસમાં હતી. ત્યારે તેમને એવી સચોટ માહિતી મળી હતી કે, આરોપી ઇશાભા હાલ નાનામવા સર્કલ પાસે આવાસ યોજના ક્વાર્ટરમાં છે. જેથી પોલીસની ટીમ અહીં પહોંચી હતી. અહીં અલગ અલગ ટીમ બનાવી કુખ્યાત આરોપી ઈશાભા રિઝવાનભાઈ દલ (ઉ.વ 21 રહે. હુડકો ક્વાર્ટર, કમિટી ચોક, જામનગર રોડ) ને ઝડપી લઇ પ્ર.નગર પોલીસના હવાલે કર્યો હતો. આરોપી ઇશાભા સામે આ બે ગુના ઉપરાંત ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મારામારી તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રાયોટનો ગુના નોંધાઈ ચૂક્યો છે.


કુખ્યાત આરોપીને ઝડપી લેવાની આ કામગીરીમાં એલસીબી ઝોન-૨ ના ઇન્ચાર્જ પીએસઆઇ જે.વી. ગોહિલ તથા એએસઆઈ રાજેશભાઈ મિયાત્રા, હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ ગોહેલ, હેમેન્દ્રભાઈ વાઘીયા, શક્તિસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા સહિતના સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application