જામનગર એસટી ડીવીઝનને એકપણ વોલ્વો નહીં

  • February 15, 2025 10:40 AM 

અમદાવાદ રાણીપ વડી કચેરી દ્વારા વર્ષોથી ઓરમાયું વર્તન: અન્ય જિલ્લા મથકેથી પાટનગર સુધી વોલ્વો બસ દોડે છે, તો જામનગરથી કેમ નહીં...?


જામનગર અને દ્વારકા સંયુક્ત જિલ્લા હતા તેની પહેલાંથી આ છેવાડાના જિલ્લા પ્રત્યે નવો બસ ડેપો હોય,નવી બસો હોય હંમેશા ઓરમાયું વર્તન જ રહ્યું છે, તેમાં બન્ને જિલ્લાના રાજકીય આકાઓની પણ નિષ્ક્રિયતા,ઉદાસીનતા પણ જનતાને દેખાઈ જ છે.


જામનગર જિલ્લો તથા જિલ્લા સમીપ આવેલ દેવભૂમિ દ્વારકા આ બન્ને જિલ્લાઓમાં અસંખ્ય ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો તેમજ મહાકાય કંપનીઓ અને તેમાં ફરજ બજાવતા ગુજરાત તથા બિન ગુજરાતી કર્મચારીઓ વસવાટ કરતા હોવા છતાં ગુજરાતના રાજ્યમાર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા જામનગર ડિવીઝનને એક પણ વોલ્વો બસ મુસાફરોની સુવિધા માટે ફાળવવામાં આવી નથી.


ગુજરાતના ૧૬ એસટી ડીવીઝનો પૈકીના મોટાભાગના બસ ડેપો અત્યાધુનિક બની જે,તે શહેરની શોભા વધારી રહ્યા છે,ત્યારે જામનગર એસટી ડેપો આટલા વર્ષો બાદ નવું બનવા ધીરે-ધીરે કાચબા ગતિએ આગળ વધી રહ્યું છે.અમદાવાદ,સુરત, વડોદરાને બાદ કરતાં કદાચિત જામનગર એસટી ડીવીઝનમાં પરપ્રાંતિય મુસાફરોની અવરજવર વધારે થતી હશે છતાં પણ જામનગર એસટી ડીવીઝનને રાણીપ વડી કચેરી દ્વારા એકપણ વોલ્વો બસ ફાળવવામાં આવેલ નથી. રાજ્યના અન્ય જિલ્લા મથકેથી પાટનગર સુધી વોલ્વો બસ દોડે છે તો જામનગરથી કેમ નહીં..? ‌‌બબ્બે જિલ્લાનું સંચાલન જામનગરથી થતું હોવા છતાં એકપણ વોલ્વો બસ દોડતી નથી તે હકીકત છે.


જામનગર એસટી ડીવીઝન નીચે આવતા સબ ડીવીઝનમાં જામનગર સહિત કુલ પાંચ સબ ડીવીઝન આવેલા જ્યાંથી સુચારૂ સંચાલન થાય છે, જેમાં દ્રારકા, જામખંભાળિયા,ધ્રોલ તથા જામજોધપુરનો સમાવેશ થાય છે.


આ સબ ડીવીઝન પૈકી જામનગર, જામખંભાળિયા, દ્વારકામાં સૌથી વધુ પ્રવાસીઓ,યાત્રિકો,પરપ્રાંતિયોની અવરજવર સૌથી વધુ રહે છે જે લોકડાઉનના સમયે બધાએ જોયું, અનુભવ્યું છે.આટલો ટ્રાફિક રહેતો હોવા છતાં આજદિન સુધી જામનગર એસટી ડીવીઝનને એકપણ વોલ્વો બસ ફાળવવામાં આવી નથી જેથી મુસાફરો પ્રાઈવેટ બસ તરફ જાય છે.


દેવભૂમિ દ્વારકામાં રાજ્યના બીજા જિલ્લાઓ કરતા વધારે સંખ્યામાં મહાકાય કંપનીઓને લીધે બિન ગુજરાતીઓ વસવાટ કરતા હોય તેમજ પ્રવાસ ક્ષેત્રે પણ સમગ્ર હાલારમાં અસંખ્ય મંદિરો, બીચો વિગેરે આવેલા હોય, જેના લીધે દર વર્ષે સમગ્ર હાલારમાં દેશભરમાંથી પ્રવાસીઓ આવતા હોય, ત્યારે જામનગર જિલ્લા ડીવીઝનને એક પણ વોલ્વો બસ ફાળવવામાં આવેલ નથી, જ્યાં ખોટ કરતી વોલ્વો બસ બંધ કરી અને જામનગર જિલ્લા માટે વોલ્વો બસ ફાળવવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application