કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામની સીમમાંથી મળી આવેલા અજ્ઞાત સ્ત્રીના માનવ કંકાલ પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન નવો ઘટસ્ફોટ

  • June 07, 2021 09:59 AM 

મૃતક મહિલા ચેલાબેડી ગામની રહેવાસી હોવાનું અને તેની બે શખ્સો દ્વારા હત્યા નિપજાવાઇ હોવાનું ખૂલ્યું: કાલાવડ ગ્રામ્ય પોલીસે ઉંડાણપૂર્વકની તપાસના આધારે હત્યાનો ભેદ ઉકેલી નાખી બે શખ્સોને પકડી પાડયા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામની સીમ વિસ્તારમાંથી સાત દિવસ પહેલા એક અજ્ઞાત સ્ત્રીનું માનવ કંકાલ મળી આવ્યું હતું. કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતકનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, અને તેની ઓળખ ની કાર્યવાહી કરતાં મૃતક મહિલા ચેલાબેડી ગામની રહેવાસી હોવાનું અને તેની હત્યા કરી નાખવામાં આવી હોવાનું તપાસ દરમિયાન જાહેર થયું છે. પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ ના આધારે હત્યાનો ભેદ ઉકેલી નાખી કાલાવડ પંથકના જ બે શખ્સોને પકડી પાડયા છે, અને ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. અનૈતિક સંબંધો બાંધવાની માંગણી કરતાં મહિલાએ ઇન્કાર કરવાથી બંને શખ્સોએ ગળેટૂંપો દઈ કાસળ કાઢી નાખ્યાનું જાહેર થયું છે.

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ભારે ચકચાર જગાવનારા હત્યા કેસના આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામની સીમ માંથી ગત ૩૦મી મેના દિવસે અજ્ઞાત સ્ત્રીનું માનવ કંકાલ સ્વરુપ નો મૃતદેહ મળી આવ્યો હતો. 

મૃતદેહ દસથી પંદર દિવસ સુધી ત્યાં જ પડ્યો હોવાથી માત્ર હાડપિંજર હતું. પોલીસે સ્ત્રીના કપડાંના વર્ણનના આધારે અજ્ઞાત સ્ત્રીનું મૃત્યુ થયાનું અનુમાન લગાવી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું ત્યાર પછી મૃતકની ઓળખ કરાવવા માટે જુદી જુદી દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન સાત દિવસની તપાસ પછી કાલાવડ ગ્રામ્ય પોલીસને મૃતકની ઓળખ કરવામાં સફળતા સાંપડી હતી. એટલું જ માત્ર નહીં પરંતુ મૃતક મહિલાની હત્યા નિપજાવાઇ હોય તેવું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું, અને બે હત્યારા શખ્સો સુધી પહોંચવામાં પણ પોલીસને સફળતા મળી છે.

મૃતક યુવતીનું નામ મધુબેન કરઝારીયા (ઉંમર વર્ષ ૫૦) અને દેવીપુજક જાતિની હોવાનું જાણવા મળ્યું હતું. કાલાવડ તાલુકાના ચેલા બેડી ગામમાં રહેતા અને મૂળ જામજોધપુરના ના વતની રામજીભાઈ મોહનભાઈ માંજરીયા કે જે મૃતકના ભાણેજ વર થાય છે. તેણે મૃતદેહને કપડાના વર્ણનના આધારે ઓળખી બતાવ્યો હતો.

મૃતક મહિલા મધુબેન કેજે પોતાના પતિથી તરછોડાયેલા છે, અને છેલ્લા પાંચ વર્ષથી ભત્રીજા વર સાથે રહે છે. જે આજથી ૨૪ દિવસ પહેલા માતાજીના દર્શને જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યા પછી લાપતા બની ગયા હતા. પરિવારજનોની શોધખોળ પછી કાલાવડ ગ્રામ્ય પંથકમાંથી એક મહિલાનો મૃતદેહ મળ્યો છે અને પોલીસ તેને શોધી રહી છે તેવી માહિતી મળી જતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈ એચ. વી. પટેલનો સંપર્ક સાધ્યો હતો. 

જેથી પોલીસે મૃતકના શરીર પરથી મળી આવેલા કપડાં વગેરે દેખાડતા તેણે મૃતદેહ મધુબેનનો હોવાનું ઓળખી બતાવ્યું હતું. ત્યારપછી કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા રામજીભાઈ દેવીપૂજકની વધુ પૂછપરછ કરવામાં આવી હતી જે દરમિયાન મધુબેનને નાની ભલસાણ ગામના રસિક ભગાભાઈ વાઘેલા સાથે રકઝક થઇ હોવાનું અને તેની સાથે અવરજવર થતી હોવાની વાત કહી હતી.

જેથી પોલીસ ટુકડીએ તાત્કાલિક અસરથી રસિક વાઘેલાને શોધી કાઢ્યો હતો અને સૌપ્રથમ રસિકની ઉંડાણપૂર્વકની પૂછપરછ કરતાં પોતે ભાંગી પડયો હતો, અને મધુબેનની હત્યા કરી નાખ્યાની કબૂલાત આપી દીધી હતી. કાલાવડ તાલુકાના ગામના વતની ભૂરા છગન વાજેલીયાની મદદથી પોતે મધુબેનને નિર્જન સ્થળે લઇ ગયા હતા, અને અનૈતિક સંબંધો બાંધવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

પરંતુ મધુબેને ઇન્કાર કરી દેતાં તેણીની ચુંદડીનો છેડો ફાડી તેના વડે ગળેટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. હત્યા કરવા અંગેના કારણમાં બન્નેએ એવી પણ કબૂલાત આપી હતી કે, મધુબેન પાસે અનૈતિક સંબંધોની માંગણી કરતા તેણીએ ખુબજ બૂમાબૂમ કરી મૂકી હતી. પરંતુ અવાવરૂ જગ્યા હોવાથી ત્યાં કોઇ હાજર નહોતું અને ભવિષ્યમાં પોતે આ બાબતે નાતમાં વાત કરશે તો બંનેને નાતમાંથી બહાર કરી દેશે. ઉપરાંત પોલીસ કેસ કરવાની પણ ધમકી આપી હોવાથી અને પોતાના ઉપર બળાત્કાર ગુજાર્યો છે તેવી ફરિયાદ કરશે જે વગેરે ડરના કારણે આ હત્યા નિપજાવી હોવાનું કબૂલી લીધું હતું.

જેથી કાલાવડ ગ્રામ્ય પોલીસે અજ્ઞાત મૃતદેહના પ્રકરણમાં મૃતક મહિલાની ઓળખ કરી લીધી છે ઉપરાંત તેની હત્યા થઇ હોવાનું પણ તારણ કાઢી મૃતકના ભાણેજવર રામજીભાઇ દેવીપૂજકની ફરિયાદના આધારે બંને આરોપીઓ રસિક અને ભૂરા વાઘેલીયા સામે આઇપીસી કલમ ૩૦૨ અને ૧૧૪ હેઠળ ગુનો નોંધાયો છે, અને બંનેની અટકાયત કરી લીધી છે.

આ સમગ્ર પ્રકરણમાં સાત દિવસની રજળપાટ પછી પોલીસને મૃતકની ઓળખ કરવામાં અને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS