BREAKING NEWS

દિવાળી પર મહાપાલિકાએ ફોડ્યા રૂ.૮.૪૦ લાખના ફટાકડા...! સ્ટેન્ડિંગમાં આતશબાજીના ખર્ચ મુદ્દે નેહલ શુક્લની તડાફડી

  • November 11, 2025 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા દર વર્ષે ધનતેરસે રેસકોર્સ સ્ટેડિયમ ખાતે આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે જેમાં અગાઉ ફટાકડાની ખરીદી ગમે ત્યાંથી ટેન્ડર વિના આડેધડ રીતે કરવામાં આવી હતી પરંતુ છેલ્લા બે વર્ષથી નિયમ મુજબ ટેન્ડરથી જ ખરીદી કરવામાં આવી રહી છે પરંતુ ઓફલાઇન ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવે છે. દરમિયાન આ મામલે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં વોર્ડ નં.૭ના ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લએ શ્રેણીબધ્ધ સવાલો ઉઠાવી તડાફડી બોલાવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં નેહલ શુક્લએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે આજે રજૂ થયેલી દરખાસ્તમાં આતશબાજી માટે ખરીદી કરાયેલા ફટાકડાની રકમ રૂ.૮,૪૦,૫૩૦ દર્શાવી છે. જો આટલી મોટી રકમના ફટાકડા ખરીદવાના હતા તો ઇ ટેન્ડર શા માટે ન કરાયું? ઓફલાઇન ટેન્ડર કરવાનો શું અર્થ ? નિયમ મુજબ જો રૂ.પાંચ લાખથી વધુ રકમની ખરીદી કરવાની થતી હોય તો ઇ ટેન્ડર કરવાનું હોય છે તો આ ખરીદી માટે કેમ ન કરાયું ? જો ઇ ટેન્ડર કરાયુ હોત તો વધુ સ્પર્ધા થાત અને કદાચ હજુ ઓછા ભાવે ખરીદી કરી શકાઇ હોત.!

આ ઉપરાંત સાતેક દરખાસ્તોમાં તેમણે વિવિધ તાર્કિક મુદ્દાઓ ઉપસ્થિત કરીને સવાલો ઉઠાવ્યા હતા, અલબત્ત જે દરખાસ્તોમાં તેમણે સવાલો ઉઠાવ્યા તે દરખાસ્તોમાં શાસકોએ રિટેન્ડરિંગ કરવા, પેન્ડિંગ રાખવા તેમજ નામંજૂર કરવા સહિતના નિર્ણયો કર્યા હતા. જો કે આતશબાજીની દરખાસ્ત મામલે ખર્ચની રકમ મંજૂર રાખવા થયેલા નિર્ણયથી નારાજ થયેલા નેહલ શુક્લ સાઈન કર્યા વિના જ સ્ટેન્ડિંગ કમિટી મિટિંગ રૂમ છોડીને રવાના થઇ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application