પેરિસથી ભારત પરત નહીં ફરે નીરજ ચોપરા, અચાનક જર્મની જવા થયો રવાના

  • August 13, 2024 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારત માટે સિલ્વર જીતનાર તે એકમાત્ર ખેલાડી હતો. આ સિવાય અન્ય ભારતીય ખેલાડીઓએ 5 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. પેરિસ ઓલિમ્પિક 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થયો. પહેલા આજે નીરજ અન્ય ભારતીય ખેલાડીઓ સાથે ભારત પરત ફરવાનો હતો પરંતુ નીરજ ભારત પરત ફરવાના બદલે પેરિસથી સીધો જર્મની ગયો છે.

નીરજને મેડિકલ સારવાર માટે જર્મની જવાનું હતું. નીરજ ચોપરા હાર્નિયાથી પીડિત છે, જેના કારણે તેને જર્મની જવું પડ્યું. નીરજ ચોપરાના કાકા ભીમ ચોપરાએ નીરજના જર્મની જવા અને મેડિકલ સલાહ અંગે ખુલાસો કર્યો હતો.


ભારતીય સ્ટારના કાકાએ જણાવ્યું કે નીરજ સારવાર માટે પેરિસથી સીધો જર્મની ગયો છે. તેણે વધુમાં કહ્યું કે જો જરૂર પડશે તો નીરજ સર્જરી પણ કરાવશે. તે લગભગ એક મહિના સુધી જર્મનીમાં રહેશે.


પોતે સર્જરી વિશે વાત કરી હતી

સિલ્વર મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ પોતે જ ખુલાસો કર્યો હતો કે ગ્રોઈનની સમસ્યાને કારણે તે બહુ ઓછી ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે. આ દરમિયાન તેણે સર્જરી વિશે પણ વાત કરી હતી. મેડલ જીત્યા બાદ નીરજે કહ્યું, "હું મારી ટીમ સાથે વાત કરીશ અને તે મુજબ નિર્ણય લઈશ. મારા શરીરની આવી સ્થિતિ હોવા છતાં હું મારી જાતને આગળ ધપાવી રહ્યો છું. આ માટે મારે મારી જાતને ફિટ રાખવી પડશે."


માત્ર સિલ્વરથી જ સંતોષ માનવો પડ્યો


ઉલ્લેખનીય છે કે નીરજ ચોપરાને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ પહેલા નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસમાં નીરજે 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર જીત્યો હતો, જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application