ભાણવડ નજીક દારૂના વિશાળ જથ્થા સાથે કારમાં જઈ રહેલા બે શખ્સો ઝડપાયા

  • August 05, 2021 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂ. 1.62 લાખનો મુદ્દામાલ કબજે: અન્ય પાંચ શખ્સોની શોધખોળ

    ભાણવડ નજીકના હાઈ-વે માર્ગ પરથી ગત રાત્રીના સમયે જામનગર તરફ જઈ રહેલી એક સ્વીફ્ટ મોટરકારમાં દેશી દારૂનો વિશાળ જથ્થો પોલીસે કબ્જે કર્યો છે. આ ગુનામાં રાણાવાવના બે શખ્સોને રૂ. 1.62 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. સાથે અન્ય પાંચ શખ્સોનામ ખુલવા પામ્યા છે.

    આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ ભાણવડ પી.એસ.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ગતરાત્રીના હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ભાણવડ તાલુકાના કાલાવડ ફાટક પાસેથી જઈ રહેલી એક સ્વિફ્ટ ડીઝાયાર મોટરકાર નંબર જી.જે. 24 એક્સ. 7232 ને પોલીસે અટકાવી ચેકિંગ કરતા આ મોટરકારમાં અડધો ડઝન જેટલા કોથળાઓમાં મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો સાંપડ્યો હતો.

    જામનગર તરફ દેશી દારૂના આ તોતિંગ જથ્થા સાથે જઈ રહેલા પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રબારી મેસૂર ચનાભાઈ કોડીયાતર (ઉ.વ. 31) તથા રાણાવાવ તાબેના ગંડિયા નેસ ખાતે રહેતા જેસા વેજાભાઈ મોરી (ઉ.વ. 25) નામના બે શખ્સોને રૂપિયા 10 હજારની કિંમતના 500 લીટર દેશી દારૂ, રૂપિયા દોઢ લાખની કિંમતની સ્વીફ્ટ મોટરકાર તથા રૂપિયા ત્રણ હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,62,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

    આ પ્રકરણમાં ધામણી નેસ ખાતે રહેતા બીજલ ઢુલા મોરી, કનુભાઈ મોરી, ગંડિયાવારા નેસ ખાતે રહેતા બધા વેજાભાઈ મોરી, કરસન કાનાભાઈ કોડીયાતર તથા જામનગર ખાતે રહેતો અજાણ્યો મોટરસાયકલ ચાલક નામના શખ્સ મળી કુલ પાંચ શખ્સોના નામ જાહેર થતા પોલીસે ઉપરોકત પાંચ શખ્સોને હાલ ફરાર જાહેર કરી, તેઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

    આ સમગ્ર કાર્યવાહી ભાણવડના પી.એસ.આઈ. નિકુંજ જોશી, સર્વેલન્સ સ્કવોડના એ.એસ.આઈ. જયદેવસિંહ જાડેજા, પ્રતાપભાઈ ભાટીયા, કિશોરસિંહ જાડેજા અને વેજાણંદભાઈ બેલા દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS