નેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા

  • April 16, 2025 10:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને 2014માં જામીન મળ્યા અને 2015માં EDની તપાસ શરૂ થયા બાદ પણ યંગ ઈન્ડિયા અને એસોસિએટ જર્નલ (AGL)માં મની લોન્ડરિંગ થતી રહી. EDએ પોતાની પ્રોસેક્યુશન કમ્પ્લેંટ (ચાર્જશીટ)માં 2017-18 દરમિયાન યંગ ઈન્ડિયા અને એજીએલમાં ચંદા, એડવાન્સ ભાડા અને જાહેરાતના રૂપમાં ગેરકાયદેસર રીતે લગભગ 70 કરોડ રૂપિયા લેવાના પુરાવા આપ્યા છે.


ED અનુસાર યંગ ઈન્ડિયામાં 2017-18માં 18.12 કરોડ રૂપિયા ચંદાના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. પરંતુ જ્યારે EDએ ચંદા આપનારાઓની તપાસ શરૂ કરી, તો તે નકલી નીકળ્યા. ચંદા આપનાર કોઈ હતું જ નહીં. ED અનુસાર નકલી ચંદાના માધ્યમથી યંગ ઈન્ડિયાના ખાતામાં પૈસા ઈન્કમ ટેક્સ વિભાગની જવાબદારી ચૂકવવા માટે જમા કરવામાં આવ્યા હતા.


નકલી એડવાન્સ ભાડું લેવાના મળ્યા પુરાવા

હકીકતમાં ઈન્કમ ટેક્સ વિભાગે ડિસેમ્બર 2017માં 2000 કરોડ રૂપિયાના એજીએલના અધિગ્રહણને લઈને 414 કરોડ રૂપિયાની ઈન્કમ ટેક્સની જવાબદારીની નોટિસ જાહેર કરી દીધી હતી.


જ્યારે એજીએલમાં EDને આ દરમિયાન 38.41 કરોડ રૂપિયાના નકલી એડવાન્સ ભાડું લેવાના પણ પુરાવા મળ્યા છે, જેને ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે. જે એગ્રીમેન્ટ સાથે એડવાન્સ ભાડું લેવાનું દર્શાવવામાં આવ્યું તે એગ્રીમેન્ટ જ નકલી મળ્યા એટલે કે કોઈ ભાડું લેવામાં આવ્યું જ નહોતું. 


એજીએલનું સંચાલન યંગ ઈન્ડિયાના હાથમાં હતુંઃ ED 

તપાસ દરમિયાન એજીએલમાં કરોડો રૂપિયા આપનારાઓમાં પૂછપરછમાં જણાવ્યું કે તેમણે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓના નિર્દેશ પર આ રકમ જમા કરાવી હતી અને ખરેખર કોઈ વ્યાવસાયિક ડીલ થઈ જ નહોતી. ED અનુસાર આ સમયે એજીએલનું સંચાલન યંગ ઈન્ડિયાના હાથમાં હતું અને યંગ ઈન્ડિયાએ તેનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે કર્યો હતો. આ ઉપરાંત 2017-18માં જ એજીએલમાં 29.45 કરોડ રૂપિયા જાહેરાતથી થયેલી આવકના રૂપમાં દર્શાવવામાં આવ્યા હતા.


EDએ જ્યારે તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમાંથી 15.86 કરોડ રૂપિયા કોંગ્રેસ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓએ જ પૈસા આપ્યા હતા. તેના 13.59 કરોડ રૂપિયા અલગ-અલગ સંસ્થાઓ અને વ્યક્તિઓએ આપ્યા હતા. જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી, તો તેમણે પણ જણાવ્યું કે તેમણે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓના કહેવા પર આ જાહેરાત માટે પૈસા આપ્યા હતા. આમાંથી મોટાભાગની જાહેરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના જન્મ દિવસ કે અન્ય મામલામાં શુભેચ્છા સાથે જોડાયેલી હતી. EDએ પોતાની ચાર્જશીટમાં આ તમામ જાહેરાતો અને તેમને આપનારાઓના નિવેદનને ચાર્જશીટનો ભાગ બનાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application