દરિયાઇ જીવસૃષ્ટિને હાથમાં લઇને અદ્દભૂત અનુભૂતિ કરી શકાય છે, સ્ટારફીશ, જેલી ફીશ, પફર ફીશ, ઓક્ટોપસ જોવાનો અનેરો લ્હાવો: શિયાળાની વર્તમાન ઋતુમાં નરારા ટાપુની મુલાકાત આપશે રોમાંચ: મોટી સંખ્યામાં લોકો આવતાં થયા
જામનગર જિલ્લાના ઉત્તર કિનારે અને કચ્છના દક્ષિણ કિનારે 42 ઉષ્ણકટિબંધીય ટાપુઓનો દ્વીપસમૂહ છે. મૂળભુત રીતે તો આ ટાપુઓ પરવાળાના ટાપુઓ છે પરંતુ અહીંના હૂંફાળા વાતાવરણથી સંખ્યાબંધ અન્ય દરિયાઈ જીવસૃષ્ટિએ પણ અદભુત અનુકૂલન સાધ્યું છે. નરારા ખાતેના મરીન નેશનલ પાર્કમાં કોરલ રીફ્સ, ડિગ્રેડેડ રીફ્સ, ઇન્ટર-ટાઇડલ મડફ્લેટ્સ એટલે કે અલગ અલગ આકૃતિવાળા પથ્થરો અને પરવાળા જોવા મળે છે.
આ ઉપરાંત, વિશાળ સમુદ્રી એનિમોન, ટ્યુબ એનિમોન, જેલી ફિશ,પફર ફિશ, દરિયાઈ ઘોડો, ઓક્ટોપસ, શંખછીપ એટલે ઓઈસ્ટર, પર્લ ઓઈસ્ટર એટલે મોતીવાળા શંખ છીપ, તારાનો આકાર ધરાવતી માછલી (સ્ટારફિશ), બોનેલિયા, સેપિયા, લોબસ્ટર, કરચલા/ ક્રેબ, પ્રોન્સ એટલે ઝીંગા વગેરે જળજીવો જોવા મળે છે. અમારા ગાઈડના જણાવ્યા મુજબ જેમ ગીરના જંગલોમાં સિંહ રાજા છે એમ આ મરીન નેશનલ પાર્કમાં રાજાનો દરજ્જો ઓક્ટોપસ ભોગવે છે.
વર્લ્ડ રજિસ્ટર ઓફ મરીન સ્પીસીસના વર્ષ 2021 ના અહેવાલ મુજબ, જાણીતી દરિયાઈ પ્રજાતિઓની કુલ સંખ્યા લગભગ 240,000 જેટલી છે અને આ સંખ્યા મહાસાગરો અને સમુદ્રોમાં રહેતી પ્રજાતિની કુલ વસ્તીના માત્ર 9% જ છે, બાકીના 91% ની શોધ હજુ કરવામાં આવી રહી છે. વિચારો તો ખરા કુદરતની મહાનતા...!
મરીન નેશનલ પાર્કમાં દરિયાકાંઠે સાગરતટના સેનાની તરીકે ઓળખાતા મેન્ગ્રોવ્સ એટલે કે ચેરના વૃક્ષોનું જંગલ પણ છે. અહીં મેન્ગ્રોવ્સની 7 પ્રજાતિઓ છે, જે ખારા અને તાજા પાણીની વચ્ચે સંતુલન જાળવવા અને દરિયા કિનારાને ધોવાણથી બચાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. મેન્ગ્રોવ્સ પેઈન્ટેડ સ્ટોર્ક, ડાર્ટર અને બ્લેક નેક આઈબીસ જેવા પક્ષીઓની પ્રજાતિઓની વસાહતો માટે સંવર્ધનનું ઉત્તમ સ્થાન છે. આ પક્ષીઓ પ્રોટીનથી સમૃદ્ધ ચેરના પાંદડા ખાય છે.
વિશ્વભરમાં આવેલા સાત સમુદ્રોમાં આર્ક્ટિક, ઉત્તર એટલાન્ટિક, દક્ષિણ એટલાન્ટિક, ઉત્તર પેસિફિક, દક્ષિણ પેસિફિક, ભારતીય/ હિન્દ મહાસાગર અને દક્ષિણ મહાસાગરોનો સમાવેશ થાય છે. પૃથ્વી પરનું 97 % જળ મહાસાગરો અને સમુદ્રોમાં રહેલું છે. માત્ર 3 % જળ જ પીવાલાયક પાણી છે. પૃથ્વીનો 71% વિસ્તાર જળમાં રોકાયેલો છે.
ભારતીય સંસ્કૃતિમાં દરિયાને દેવ તરીકે પૂજવામાં આવે છે. જળ, દરિયાના દેવ મનાતા વરુણ અને ઈન્દ્ર દેવની અનેક કહાનીઓ આપણા શાસ્ત્રમાં આલેખિત કરવામાં આવી છે. દરિયાઈ કાચબાને મહાદેવના મંદિરમાં અગ્ર સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન શ્રી વિષ્ણુનો બીજો અવતાર પકૂર્મ અવતારથ તરીકે સુપ્રિસદ્ધ છે. શ્રી વિષ્ણુનું નિવાસ સ્થાન વૈકુંઠ એ ક્ષીર સાગરમાં આવેલું છે. પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે કે, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી દૂધથી બનેલા ક્ષીર સાગરમાં આદિશેષનાગ પર બિરાજમાન છે. પૌરાણિક કથાઓમાં, મહાસાગર ઘણી વસ્તુઓનું પ્રતીક છે. બ્રહ્મ, જીવન, અસ્તિત્વ, વિશ્વ, ચેતના, નશ્વરતા, અસાધારણ શક્તિ, લાગણી અને બલિદાનને સાગર સાથે સાંકળવામાં આવ્યા છે.
મહાસાગર એ જીવન અને અમરત્વનો સ્ત્રોત પણ છે. દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન થયું હતું. પુરાણોમાં કહ્યું છે તેમ, સાગરમાં આપણી ધરતી જોડાયેલી છે, તો તેનો અંત પણ સમુદ્રમાં આવે છે. સમયાંતરે એક યુગના અંત અને બીજા યુગની શરૂઆત વચ્ચે જયારે પ્રલય આવે છે, ત્યારે બધું જળમાં વિલીન થઇ જાય છે. પ્રલય બાદ નવા જીવવની શરૂઆત પણ દરિયામાંથી જ થઈ છે.
પૂરક માહિતી અને તસ્વીરો : આશિષ ખારોડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech