દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી 2026ને લઈને પેપર લીકથી હોબાળો મચ્યો હતો. ૭૦૦માંથી ૬૦૦ માર્કના પ્રશ્નો લીક થયા હતા જેને લઈ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ ત્રણ મેના રોજ યોજાયેલી પરીક્ષાને સત્તાવાર રીતે રદ કરી દીધી છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ લેવાયેલા આ નિર્ણયથી દેશભરના 23 લાખ વિદ્યાર્થીઓ પર તેની સીધી અસર પડી છે. એનટીએએ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા જાળવી રાખવા માટે આ કડક પગલું ભરવું અનિવાર્ય હતું. સરકારે આ માટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યો છે.
એનટીએના જણાવ્યા અનુસાર, પરીક્ષા બાદ વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા સોંપવામાં આવેલા તપાસ અહેવાલોમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વર્તમાન પરીક્ષા પ્રક્રિયામાં ગંભીર ખામીઓ અને ગેરરીતિઓ થઈ છે, જેના કારણે પરીક્ષા ચાલુ રાખવી ન્યાયિક રીતે યોગ્ય જણાતી નથી. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે હવે આ સમગ્ર કેસની તપાસ કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઇ)ને સોંપી દીધી છે. એનટીએએ ખાતરી આપી છે કે તેઓ તપાસ એજન્સીને તમામ જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડ ઉપલબ્ધ કરાવી પૂરેપૂરો સહયોગ કરશે.
પરીક્ષા રદ થવા પાછળ મુખ્યત્વે રાજસ્થાનમાં સામે આવેલી પેપર લીકની ઘટના જવાબદાર હોવાનું મનાય છે. દસ મેના રોજ રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ મોટી કાર્યવાહી કરતા સીકર, ઝુંઝુનૂ અને દેહરાદૂનમાંથી 13 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે પરીક્ષાના બે દિવસ પહેલા જ 720માંથી 600 માર્ક્સના પ્રશ્નો વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયા હતા. કેરળની એક મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ આ પ્રશ્નો સીકરના એક મિત્રને મોકલ્યા હતા, જે બાદમાં ગેસ પેપરના નામે સોશિયલ મીડિયા અને પીજી સંચાલકો દ્વારા ફેલાવવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને ફી પાછી મળશે, ફરીથી રજિસ્ટ્રેનની જરૂર નહીં
એનટીએએ 23 લાખ વિદ્યાર્થીઓને રાહત આપતા જણાવ્યું છે કે, રદ થયેલી પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેશે નહીં. જૂના રજીસ્ટ્રેશનના આધારે જ તેઓ નવી પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની અગાઉની પરીક્ષા ફી પણ પરત કરવામાં આવશે. પરીક્ષાના કેન્દ્રોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, પરંતુ નવી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. પરીક્ષાની નવી તારીખો અંગેનું શેડ્યૂલ પણ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે.
નવા એન્ટી-પેપર લીક કાયદા હેઠળ કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે દેશમાં તાજેતરમાં જ ‘પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024’ લાગુ કરવામાં આવ્યો છે. આ નવા કાયદા હેઠળ પેપર લીક કરનારાઓને ઓછામાં ઓછી ત્રણ વર્ષ અને વધુમાં વધુ પાંચ વર્ષની જેલ તેમજ રૂ.10 લાખ સુધીના દંડની જોગવાઈ છે. જો પરીક્ષા સંચાલન કરતી એજન્સી કે સર્વિસ પ્રોવાઈડર દોષિત ઠરે, તો તેમને 10 વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે. નીટના કિસ્સામાં પણ આ કડક કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાય છે.
ત્રીજી મેના રોજ પરીક્ષા યોજાઈ હતી
ત્રીજી મેના રોજ એનટીએ દ્વારા નીટ-યુજી પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના ગંભીર આરોપો લાગ્યા હતા. છ મેના રોજ એનટીએએ પેપર લીકની વાતનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ બિહાર (પટના) અને ઝારખંડ (હજારીબાગ)માં તપાસ થઈ હતી. તપાસમાં પેપર લીકના પુરાવા મળ્યા અને ઘણી ધરપકડો પણ થઈ હતી. જોકે, સુપ્રીમ કોર્ટે વ્યાપક પરીક્ષા રદ કરવાનો ઇનકાર કર્યો હતો અને કેટલાક સેન્ટર પર 1539 ઉમેદવારોની ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. પેપર લીકના આરોપો ઉપરાંત, 67 વિદ્યાર્થીઓને 720/720 ગુણ મળવા અને એક જ કેન્દ્રમાંથી ઘણા ટોપર્સનું આવવું પણ મોટા વિવાદનું કારણ બન્યું હતું.