ખંભાળીયામાં મોજ શોખ માટે ચેઇન લુંટનાર મિત્રનો હત્યારો પકડાયો

  • March 22, 2025 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા વિસ્તારમાં મોજશોખના રવાડે ચડેલ મિત્રએ પોતાના જ અંગત મિત્રની સોનાના ચેઇન લુંટી મોજશોખ કરવા સારૂ કરેલ કરપીણ હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ એલ.સી.બી. દેવભૂમી દ્વારકાએ ઉકેલી નાખ્યો છે.

ગત તા.19/03/2025 ના સાંજના સમયે ખંભાળીયા પોરગેઇટ પાસે પાણીના સંપની અંદરથી સફાઇ કામદાર અનિલભાઇ વાઘેલાના નવયુવાન દિકરા કેતન ઉ.વ.આશરે -16 વાળાની લાશ મળેલ, જે લાશને સંપમાંથી બહાર કાઢી, પીએમ કરાવતા, ગળાના ભાગે તીક્ષ્ણ હથીયારથી ઇજા જણાતા, સદર બનાવ ખુનમાં તબદીલ થતા મરણજનાર કેતનભાઇના પિતાની ફરીયાદ આધારે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.2023 ની કલમ 103(1), 309(6), 238, જીપી એકટ 135(1) મુજબ નો ગુન્હો તા. 20/03/2025 ના દાખલ કરવામાં આવ્યો હતો.

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેયએ સદર ગુન્હો તાત્કાલીક શોધી કાઢવા પો.ઇન્સ. કે.કે. ગોહિલને સુચના કરેલ. જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ. એ.એલ. બારસીયા અને પો.સ.ઇ. બી.એમ.દેવમુરારીની સંયુકત ટીમ દ્વારા બનાવ સબંધે જીણવટ ભરી રીતે તપાસ, ટેકનીકલ લેવલ અને હુમનસોર્સથી અલગ અલગ દિશામાં વર્ક આઉટ હાથ ધરેલ.

વર્કઆઉટ દરમ્યાન સીસી ટીવી કેમેરા ફુટેજ, લાશ મળેલ તે જગ્યા તથા આજુબાજુ વાળાની પૂછપરછ દરમ્યાન મરનાર કેતન અનિલભાઇ વાઘેલાનું મોત શંકાસ્પદ હોય અને તે છેલ્લે તેના મિત્ર હર્ષ ઉર્ફે જીમ્મી દામજીભાઇ વાઘેલા (ઉ.વ.ર1) રહેવાસી પોરનાકા મહાદેવવાડો, ખંભાળીયાવાળો સાથે જોવા મળેલની માહીતી મળેલ, આ હર્ષ નાઘેરા ગત તા. 17/3/2025 ના રોજથી બનાસકાંઠા - રાજસ્થાન તરફ ફરવા ગયેલ હોવાની ગુપ્ત માહીતી મળતા તુરતજ પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી, તથા એલસીબી સ્ટાફના ખીમાભાઇ કરમુર, જેઠાભાઇ પરમાર, વિશ્વદીપસીહ જાડેજાની ટીમ રવાના કરી હતી.


રાજસ્થાનના જેસલમેર ખાતેથી હર્ષ નાઘેરાને પોતાની સ્વૈચ્છીક રીતે જેસલમેરથી ખંભાળીયા એલ.સી.બી. ઓફીસ ખાતે લઇ આવી. તેની સદર ગુનામાં એલસીબી સ્ટાફના એ.એસ.આઇ. અરજણભાઇ નારણભાઇ મારૂ, જેસલસિંહ ગુલાબસિંહ જાડેજા અને ક્રીપાલસીહ ચૌહાણ સહિતની ઉકત ટીમના અધિકારી/કર્મચારીઓ દ્વારા સીસી ટીવી કેમેરામાં હર્ષ નાઘેરાએ કેતન વાઘેલાની લાશ નાખવા તથા બાઈક તથા બીજી વસ્તુ નાખવા રોડ ઉપર આવતો હોય તેમજ ગુનો કરી પોતે રાજસ્થાન જતા રહેવુ વિગેરે શંકા ઉપસ્થિત કરનાર પ્રશ્નોનો યુકિતપ્રયુકિતથી મારો ચલાવતા આરોપી પોતાના ભાવી પત્ની તથા નજીકના સગા સબંધી સાથે ફકત મોજશોખ કરવા સારૂ ફરવા જવાનુ હોય અને પોતાની પાસે આ મોજશોખ ફરવા જવાના પૈસા ન હોવાથી પોતાના જ અંગત મિત્ર કેતનના ગળામાં રહેલ સોનાની ચેઇન ઉપર નજર બગાડી તેને યેનેકેન પ્રકારે મેળવવા સારૂ તેને ભોળવી લલચાવી પોતાના ઘરે બોલાવી, નશાની હાલતમાં લાવી મોડી રાત્રીના અશુરા સમયે તેનુ છરી વડે ગળુ કાપી કરપીણ હત્યા કરી સોનાનો ચેઇન લુંટી કેતન વાઘેલાની લાશને પોતાના ઘરની નજીકમાં ગટરના સંપમાં લાશને સગેવગે કરવા ફેંકી દઇ લુંટેલ સોનાના ચેઇનને વેચી તેમાંથી મળેલ પૈસાથી પોતે રાજસ્થાન જેસલમેર ખાતે કરવા જતો રહેલ હોવાની હકિકત ઉજાગર થવા પામેલ છે.

આ રીતે આરોપી દ્વારા પોતાના જ અંગત મિત્રને પોતાના મોજશોખ ફરવા સારૂ તેની સોનાની ચેઇન લુંટી કરપીણ હત્યા કરી લુંટ વિથ મર્ડરનો શોધી કાઢવામાં આવેલ છે. આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી તેને ખંભાળીયા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application