જામનગરમાં રખડતા કૂતરાંના આતંક સામે મહાનગરપાલીકા લાચારી અનુભવતા શહેરીજનો ભયની લાગણી અનુભવી રહ્યા છે. શહેરમાં દીન-પ્રતિદીન કૂતરા કરડવાના બનાવ કૂદકે અને ભૂસકે વધતા આ મુશ્કેલીથી બચવા કરવું શું તે સળગતી સમસ્યા બની છે. શહેરમાં રાત્રીના લોકો ઘરની બહાર નીકળતા ડર અનુભવી રહ્યા છે. ત્યારે સરકારી વાહનોમાં ફરતા જામ્યુકોના સતાધીશો અને અધિકારીઓ પગપાળા શહેરમાં નીકળે તો કુતરાના ત્રાસની ખબર પડે તેવી વેદના શહેરીજનો વ્યકત કરી રહ્યા છે.
જામનગરનો એક વિસ્તાર એવો નહીં હોય કે જેમાં રખડતા કૂતરાંની સમસ્યા નથી. આ સમસ્યા શહેરીજનો માટે માથાનો દુ:ખાવો બની છે. તાજેતરમાં સુપ્રીમકોર્ટમાં સુઓમોટો અરજી થઇ હતી. જે ચાલ જતાં સુપ્રીમકોર્ટે ગાઇડલાઇન સાથે આદેશ કર્યો હતો. જે અનુસાર જામનગરમાં મહાનગરપાલીકા દ્રારા દરેક વોર્ડમાં રખડતા શ્ર્વાન માટે ફીડીંગ ઝોન ઉભા કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ફીડીંગ ઝોન એટલે દરેક વોર્ડમાં નકકી કરાયેલા સ્થળે કૂતરાને ભોજન આપી શકાશે. પરંતુ તેની અમલવારી અને સફળતા સામે સવાલ ઉઠ્યા છે. કારણ કે, શેરીઓમાં રખડતા કૂતરાને કેવી રીતે જાણ થશે કે તેના માટે વોર્ડમાં ભોજન માટે ચોકકસ સ્થળ નકકી કરવામાં આવ્યું છે તે સવાલ પણ શહેરીજનોમાં ઉઠ્યો છે.
બીજી બાજુ મનપા દ્રારા રખડતા શ્ર્વાનની ખસીકરણ કામગીરીના પણ મસમોટા દાવા કરવામાં આવે છે. પરંતુ ખસીકરણ કામગીરીની અસર દેખાતી ન હોવાની ફરિયાદો શહેરીજનોમાં ઉઠી છે. કારણ કે, શહેરમાં રખડતા કૂતરાની સંખ્યા વધી છે. આટલું જ નહીં કૂતરાં કરડવાના બનાવ જેટ ગતિએ વઘ્યા છે. ખાસ કરીને શહેરમાં રખડતા કૂતરાના ત્રાસથી રાત્રીના સમયે તો શહેરીજનો ઘરની બહાર નીકળવામાં રીતસર ભય અનુભવી રહ્યા છે. આટલું જ નહીં બાળકો શેરીઓમાં રમી શકતા નથી તો માર્ગો પર સાયકલ લઇને નીકળી શકતા નથી. વાહનો પાછળ પણ કૂતરા દોડતા અકસ્માતના બનાવો પણ વઘ્યા છે.
શહેરભરમાં રખડતા કૂતરાંની સમસ્યા સામે મહાનગરપાલીકા લાચર બની છેે, બીજી બાજુ આ સમસ્યાથી શહેરીજનોને નાકે દમ આવી ગયો છે. ત્યારે પ્રજાના ખર્ચે સરકારી વાહનોમાં આવાગમન કરતા મહાનગરપાલીકાના સતાધીશો અને અધિકારીઓ જો શહેરમાં પગપાળા નીકળે તો રખડતા કૂતરાનો આતંક શું છે તે ખબર પડે તેવી વેદના શહેરીજનો વ્યકત કરી રહ્યા છે. તાજેતરમાં કામદાર કોલોનીમાં રખડતા કૂતરાના ત્રાસથી આવાગમન દુષ્કર બન્યાની ફરિયાદો રહેવાસીઓમાં ઉઠી હતી. આ મુદે મહાનગરપાલીકા અને માનવ અધિકાર આયોગમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. આમ છતાં કોઇ પગલાં ન લેવાતા આ વિસ્તારમાં વધુ એક મહીલાને કૂતરાએ બચકું ભરી લીધાનો બનાવ બન્યો છે. ત્યારે શહેરમાં રખડતા કૂતરાંના આંતક વધતો જ રહેશે તે સળગતો સવાલ શહેરીજનોમાં જોરશોરથી ઉઠ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application