રાજકોટ મહાપાલિકામાં ઇન્ચાર્જ અધિકારીઓની બદલીનો હુકમ કરતા મ્યુ.કમિશનર સુમેરા

  • April 12, 2025 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા મહાપાલિકાના વહીવટીતંત્રને ગતિશીલ બનાવવાના હેતુથી તબક્કાવાર ભરતી, બઢતી, બદલી જેવા મહેકમી નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે, દરમિયાન તાજેતરમાં ટેક્સ બ્રાન્ચના ત્રણ સહિત કુલ પાંચની બદલીનો હુકમ કર્યો છે.

મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ ગઇકાલે મોડી સાંજે કરેલા બદલીના હુકમમાં (૧) હાલ ઇસ્ટઝોનની ટેક્સ બ્રાન્ચમાં ઇન્ચાર્જ મેનેજર તરીકે ફરજ બજાવતા એન.કે.કાનાણીને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૭માં વોર્ડ ઓફિસર તરીકે (૨) હાલ સેન્ટ્રલ ઝોનની ટેક્સ બ્રાન્ચમાં ઇન્ચાર્જ મેનેજર તરીકે કાર્યરત સિધ્ધાર્થ એમ.પંડ્યાને ઇસ્ટ ઝોન વોર્ડ નં.૪માં વોર્ડ ઓફિસર તરીકે (૩) હાલ વેસ્ટઝોન ટેક્સ બ્રાન્ચમાં વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.ફાલ્ગુની બી.કલ્યાણીને સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.૧૬માં વોર્ડ ઓફિસર તરીકે (૪) હાલ ઇસ્ટઝોન વોર્ડ નં.૪માં ઇન્ચાર્જ વોર્ડ ઓફિસર તરીકે કાર્યરત મહેશ વી.મુલીયાણાને ઇસ્ટ ઝોન રોશની શાખામાં હેડ ક્લાર્ક તરીકે તેમજ (૫) હાલ સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.૧૬માં ઇન્ચાર્જ વોર્ડ ઓફિસર તરીકે કાર્યરત ડી.કે.ચારેલને સેન્ટ્રલ ઝોન ટેક્સ બ્રાન્ચમાં હેડ ક્લાર્ક તરીકે મુકવા હુકમ કર્યો છે.વિશેષમાં કમિશનરએ ક્રમાંક/રા.મ.ન.પા./મહેકમ/૧૧૪, તા.૧૧-૪-૨૦૧૫થી કરેલા હુકમમાં જણાવ્યું છે કે વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧૮મા વોર્ડ ઓફિસરની ભરતી અન્વયે રેગ્યુલર વોર્ડ ઓફિસર હાજર થયેલ છે, જેથી વોર્ડ નં.૬માં ઇન્ચાર્જ વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા કે.આર.મેહ (હેડ ક્લાર્ક, સાંસ્કૃતિક વિકાસ વિભાગ) અને વોર્ડ નં.૧૮માં ઇન્ચાર્જ વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા એન.એસ.ચૌધરી (હેડ ક્લાર્ક, આરોગ્ય શાખા)ને રેગ્યુલર વોર્ડ ઓફિસર હાજર થયાથી ઇન્ચાર્જ વોર્ડ ઓફિસર તરીકેની કામગીરીમાંથી મુક્તિ અપાઇ છે, આ હુકમની અમલવારી તાત્કાલિક અસરથી કરવા જણાવાયુ છે.


ભરતીમાં પસંદગી પામેલા પાંચ અધિકારીઓ

ક્રમ-----અધિકારી-----નિમણુંકનો હોદ્દો અને શાખા

૧.સૂર્યપ્રતાપસિંહ મેનેજર, આવાસ યોજના શાખા

૨.ગૌરવ ઠક્કર મેનેજર ટેક્સ બ્રાન્ચ ઇસ્ટ ઝોન

૩.ભાવેશ પુરોહિત મેનેજર ટેક્સ બ્રાન્ચ સેન્ટ્રલ ઝોન

૪.હાર્દિકસિંહ જાડેજા મેનેજર ટેક્સ બ્રાન્ચ વેસ્ટ ઝોન

૫. કાજલ પંડ્યા મેનેજર આરોગ્ય શાખા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application