ગર્લફ્રેન્ડના રેઈનકોટને કારણે મુંબઈ લોકલના પૈડા પર લાગી બ્રેક

  • July 25, 2024 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​મુંબઈની લોકલ ટ્રેનને આ ઝડપી શહેરની લાઈફલાઈન ગણવામાં આવે છે. લોકલ ટ્રેનમાં મામૂલી વિલંબ પણ લાખો મુસાફરો માટે મુશ્કેલી સર્જે છે. મુંબઈ રેલવે તરફથી લોકલ ટ્રેન સેવામાં ઘણી વાર વિલંબ થાય છે પરંતુ સોમવારે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડના કારણે મુંબઈ લોકલ ટ્રેન ખોરવાઈ ગઈ હતી. બોયફ્રેન્ડની ભૂલથી 25 મિનિટ સુધી ટ્રેનો બંધ થઈ ગઈ.


મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકો ખૂબ જ પરેશાન છે. વરસાદથી પોતાને બચાવવા માટે લોકો રેઇનકોટ અને છત્રી સાથે રાખે છે. આ સમય દરમિયાન લોકો તેમના ઘર-ઓફીસ કે અન્ય સ્થળો સુધી પહોંચવા માટે લોકલ ટ્રેનનો ઉપયોગ કરે છે. સોમવારે એક વિચિત્ર ઘટનાને કારણે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પરેશાન થઈ ગયા. સુમિત ભાગ્યવંત નામનો 19 વર્ષનો યુવક ચર્ચગેટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર ઊભો હતો અને ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. પોતાની જાતને વરસાદથી બચાવવા માટે તેની પાસે રેઈનકોટ હતો. તેની ગર્લફ્રેન્ડ પ્લેટફોર્મ નંબર 2 પર તેના પ્લેટફોર્મની બરાબર સામે ઊભી હતી.


ગર્લફ્રેન્ડ માટે ફેંકવામાં આવેલો રેઈનકોટ ઓવરહેડ વાયર પર ફસાયો


જ્યારે સુમિતે તેની ગર્લફ્રેન્ડને જોઈ ત્યારે તે તેને વરસાદથી બચાવવા માટે તેનો રેઈનકોટ આપવા માંગતો હતો. તેનો રેઈનકોટ તેની ગર્લફ્રેન્ડને આપવા માટે તેણે 3 નંબરના પ્લેટફોર્મ પરથી  2 નંબરના પ્લેટફોર્મ પર ફેંક્યો પરંતુ રેઇનકોર્ટ રેલવેના ઓવરહેડ વાયરમાં ફસાઈ ગયો હતો. આ જોઈને ત્યાં હોબાળો મચી ગયો હતો. વાયરમાં ઈલેક્ટ્રીક કરંટ હતો જેમાં રેઈનકોટ ફસાઈ ગયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્યાંથી પસાર થતી ટ્રેનોનું સંચાલન તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું.

યુવક પાસેથી દંડ વસૂલવામાં આવ્યો


સ્ટેશન પર હાજર આરપીએફના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વાંસની લાકડીની મદદથી, ઘણા પ્રયત્નો પછી, તેણે તે રેઈનકોટને ઓવરહેડ વાયરમાંથી કાઢ્યો. યુવકના આ પગલાને કારણે 25 મિનિટ સુધી ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું હતું. આરપીએફએ યુવકને પકડીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો. રેલવે એક્ટ 174 (C) હેઠળ યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેના પર 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application