અમદાવાદમાં ફ્લેટમાંથી 95 કિલો સોનુ મળવાના કેસમાં મુંબઈ કનેક્શન, મેઘ શાહ ડબ્બા ટ્રેડિંગમાં કરોડો કમાયો અને સોનુ ખરીદી ફ્લેટમાં સંતાડતો

  • March 18, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ફ્લેટ પર દરોડો પાડી એટીએસ અને ડીઆરઆઈએ 95 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ કબ્જે કરી હતી. આ સોનું અને રોકડ ક્યાંથી આવ્યું અને કોણ લાવ્યું? ત્યારે એજન્સીઓની તપાસમાં અમદાવાદથી મળી આવેલા આ મુદ્દામાલનું કનેક્શન મુંબઈ સુધી લંબાયું છે. મૂળ અમદાવાદનો, મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો મેઘ શાહ નામના યુવકે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી કમાયેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો.


હર્ષદ મહેતાની માફક શેરબજારમાં નાની સ્ક્રિપ્ટનો અપડાઉન કરતો મેઘ શાહ સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવ્યો હતો. એજન્સીઓની તપાસ બાદ બાતમી મળતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડો પાડી અંદાજિત 84 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.


સોનું તોલવા વજન કાંટા અને નોટો ગણવા માટે મશીન મંગાવવા પડ્યાં
ફ્લેટમાંથી 95.5 કિલો સોનાનો જથ્થો પકડાતા તેનું વજન કરવા માટે વજન કાંટા મંગાવવામાં આવ્યા હતા. જ્યારે નોટો ગણવા માટે મશીન લાવવા પડ્યા હતા. મોડી રાત સુધી અધિકારીઓએ સ્ટોકની ગણતરી ચાલુ રાખી હતી. મહેન્દ્ર શાહ અને મેઘ શાહે આ ફ્લેટ ક્યારે ભાડે રાખ્યો અને કેટલા સમયમાં ક્યાંથી કેટલું સોનું અને રોકડની હેરાફેરી કરી છે તેની વિગતો જાણવાની હજુ બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલું મોટાભાગનું સોનું છેલ્લા 1 વર્ષમાં જ ખરીદવામાં આવ્યું હતું. ફ્લેટમાં એક તિજોરીમાંથી કરોડોના વ્યવહારોની કાચી એન્ટ્રીઓ પણ મળી હોવાની ચર્ચા છે.


DRIના અધિકારીઓ 5 દિવસથી ફેરિયાના સ્વાંગમાં આવી ફ્લેટ પર નજર રાખતા હતા
આ સમગ્ર મામલામાં મેઘ શાહનું નામ સામે આવ્યું છે. અમદાવાદમાંથી મળી આવેલા મુદ્દામાલનું કનેક્શન પણ મુંબઈ સુધી લંબાયું છે. મેઘ શાહ મુંબઈમાં રહેતો હતો અને ડબ્બા ટ્રેડિંગનો 'બેતાજ બાદશાહ' કહેવાય છે. ગુજરાતના કેટલાક ડબ્બા ટ્રેડર પણ તેની સાથે કનેક્ટ હોય તેવી આશંકા છે. પરંતુ તેણે શેરબજારમાં નાની સ્ક્રિપ્ટને અપડાઉન કરીને અનેક લોકોના રૂપિયા ચાંઉ કર્યા હોવાનું ધીમે ધીમે લોકોને ખબર પડતી ગઈ અને આ વાત સેન્ટ્રલ એજન્સી પાસે ગઈ ત્યારબાદ તેના અનેક વ્યવહારો અને વહીવટ વિશે માઇક્રો સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મેઘ શાહનું ગુજરાત કનેક્શન સામે આવ્યું અને તેના કેટલાક શંકાસ્પદ કોલ અને પાલડીના એક એડ્રેસનો સતત સ્કેનિંગમાં આવતા આખો ભાંડો સેન્ટ્રલ એજન્સી અને ગુજરાત એટીએસએ ફોડી નાખ્યો.


શેરબજારની સ્ક્રિપ્ટોને અપડાઉન કરી કરોડો રૂપિયા એકઠા કર્યા
ગુજરાત એટીએસના અધિકારીઓ પાસેથી મળતી મહત્ત્વની માહિતી પ્રમાણે મેઘ શાહ મૂળ મુંબઈમાં રહે છે અને તે વર્ષોથી ડબ્બા ટ્રેડિંગ સાથે કનેક્ટેડ છે અનેક સ્ક્રિપ્ટ ડાઉન કરવા કે પછી અપ લઈ જવા માટે તે મોટો ખેલાડી માનવામાં આવતો હતો. તેણે આવી રીતે અનેક સ્ક્રિપ્ટમાં કરોડો રૂપિયા ભેગા કર્યા હતા અને તે તમામ ટ્રેડિંગ મોટાભાગે કરાવતો હતો. જેથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન બહુ ખબર પડતી નથી. પરંતુ ધીમે ધીમે રોકડ રકમ વધતી ગઈ, પહેલાં તો તેણે સોનું ખરીદવાનું શરૂ કર્યું અને તેણે ધીમે ધીમે કરોડો રૂપિયાનું સોનું ભેગું કરીને તેને સાચવવા માટે શું કરવું તેનો પ્લાન કર્યો હતો.


શેરબજારનાં નાણાંથી સોનું ખરીદી સંતાડવા અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો
ભૂતકાળમાં હર્ષદ મહેતા જેને શેરબજારમાં અનેક લોકોને રોવડાવ્યા હતા અને તેણે કેટલીક સ્ક્રિપ્ટ સાથે ચેડાં કર્યાં હોવાની શક્યતા હતી તે જ મોડસ ઓપરેન્ડી મેઘ શાહ હોવાની શક્યતા એટીએસને અને સેન્ટ્રલ એજન્સીને છે. જાણવા મળતી વિગત પ્રમાણે મેઘ શાહે પાલડીમાં આ એપાર્ટમેન્ટ બે નંબરના રૂપિયાથી ખરીદેલું સોનું અને રોકડ રૂપિયા જે હવાલાથી આવ્યા હતા તે સાચવવા માટે રાખ્યો હતો. પરંતુ આખરે આ અંગેની ચોક્કસ માહિતી એજન્સીને મળતાં મોટી રેડને સફળતા મળી છે.


ડબ્બા ટ્રેડિંગથી સ્ટોક માર્કેટ ફેન્ટસી એપ સુધીની સફર
સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ માહિતી મુજબ મેઘ શાહ પોતે બજાર બાજીગર ગેમ્સ પ્રાઈવેટ લિમિટેડનો ડાયરેક્ટર છે. મેઘ શાહે સોશિયલ મીડિયા પર આપેલી વિગત મુજબ સ્ટોક માર્કેટને પોતાનો રસનો વિષય ગણાવ્યો છે. પોતે જણાવે છે કે, સ્ટોક ટ્રેડર તરીકે સ્ટોક માર્કેટમાં પોતાની જર્ની શરૂ કરી અને અનેક કંપનીઓને આગળ વધવા માટે મદદ કરી. હાલ તેને ભારતની પ્રથમ સ્ટોક માર્કેટ ફેન્ટસી એપ બજાર બાજીગર શરૂ કર્યાનો દાવો કર્યો છે. આ એપ લોકોને એક જ સમયે શીખવા અને કમાવાનું પ્લેટફોર્મ પૂરી પાડતી હોવાનું કહેવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News