ખંભાળિયા પાલિકાના વોટર વર્કસ ઈજનેર મુકેશભાઈ જાનીનું કોરોનાની બિમારીમાં મૃત્યુ

  • April 14, 2021 08:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં ઘેરા શોકની લાગણી: શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

ખંભાળિયા નગરપાલિકાના સિનિયર કર્મચારી તથા વોટર વર્કસ ઇજનેર તરીકે નોંધપાત્ર કામગીરી કરી રહેલા મુકેશભાઈ જાનીનું કોરોનાની બીમારીમાં ગતરાત્રે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

વલ્લભવિદ્યાનગર ખાતે રહી, અને સિવિલ ઈજનેરની ડીગ્રી પ્રાપ્ત કરી, વિદેશ રહેતા પોતાના પિતાની ઇચ્છા છતાં ખંભાળિયા રહી અને અહીં પોતાની કર્મભૂમિ બનાવી મુકેશભાઈ જાની છેલ્લા ઘણા વર્ષથી વોટર વર્કસ વિભાગના વડા તરીકે નોંધપાત્ર કામગીરી નિભાવી રહ્યા હતા.

તેમના દ્વારા વરસતા વરસાદમાં તૂટેલી પાણીની લાઇનો જોડવાની નોંધપાત્ર જહેમત હંમેશા નગરજનો તથા કર્મચારીઓ માટે અવિસ્મરણિય બની રહેશે. શિવ ઉપાસક, વેદમંત્રોના જાણકાર તથા ધાર્મિક સ્વભાવના ઉપરાંત હિન્દુવાદી એવા મુકેશભાઈ જાની ગૌ સેવા માટે પણ હંમેશ તત્પર રહેતા.

થોડા દિવસ પૂર્વે તેમને શરદી-ઉધરસ તથા કફ જેવી તકલીફ થતાં અહીંની હોસ્પિટલ બાદ અમદાવાદ તથા મુંબઇ સુધીના નિષ્ણાંત તબીબોની સેવાઓ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે લઇ અને જરૂરી સારવાર અપાઈ હતી. તેમ છતાં પણ તેમના શ્વાસ ખુટી જતા ગત રાત્રે તેમણે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ ખેંચતા હતા.

સ્વ. મુકેશભાઈ જાનીનો પુત્ર પાવન થોડા સમય પહેલાં જ એમબીબીએસ થયો છે. તેઓના સેવા કાર્યો તથા આરએસએસ અને વીએચપીની ચુસ્ત વિચારધારા શહેરના હિન્દુ સમાજમાં પણ તેમનું આદરપાત્ર સ્થાન રહ્યું હતું.

ખંભાળિયા નગરપાલિકાની નવી વહેલી બોડીને સાથે રાખી ખંભાળિયા શહેરને છેલ્લા દાયકાઓથી મળતાં એકાંતરા પાણીના બદલે શહેરમાં રોજ પાણી વિતરણ થાય તે માટે મુકેશભાઈ જાની મહત્વકાંક્ષી ઈચ્છા રહી હતી. કોરોના ગાઇડલાઇન મુજબ ગતરાત્રે જ તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.

સ્વ. મુકેશભાઈ જાનીના અનન્ય યોગદાનને યાદ કરી, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્ય, મોહનભાઇ મોકરીયા, શ્વેતાબેન શુક્લ, એડવોકેટ કમલેશભાઈ દવે, સી.એમ. જોશી, ચીફ ઓફિસર એ.એચ. સિન્હા સહિતના આગેવાનો, નગરજનો તથા નગરપાલિકા સ્ટાફે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS