BREAKING NEWS

મુકેશ અંબાણીને રૂપિયા 1,592.3 કરોડનું દિવાળી બોનસ, 100 અબજ ડોલર ક્લબમાં એન્ટ્રીની તૈયારી

  • October 17, 2025 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શેરબજારમાં જોરદાર તેજીના પગલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 1.69%નો વધારો થતા ચેરમેનની નેટવર્થમાં જબરો ઉછાળો, ગૌતમ અદાણીની સંપત્તિમાં 1.22 કરોડ ડોલરનો વધારો


દેશમાં દિવાળીના તહેવારો દસ્તક દઈ રહ્યા છે તેની સાથે સ્થાનિક શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. બીએસઈ સેન્સેક્સ 862 પોઈન્ટ ઉછળ્યો જેના પગલે દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 1.69%નો વધારો થયો. આનાથી કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં 1.81 બિલિયન ડોલર એટલે કે આશરે 1,592.3 કરોડ રૂપિયાનો વધારો થયો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની નેટવર્થ હવે 99.6 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે, તેમની નેટવર્થમાં 9.02 અબજ ડોલરનો વધારો થયો છે, જેના કારણે તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 18મા ક્રમે છે.

દરમિયાન, ગુરુવારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં 1.22 અબજ ડોલરનો વધારો થયો. 92.3 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે, તેઓ વૈશ્વિક સ્તરે 20મા ક્રમે અને એશિયામાં બીજા ક્રમે છે. આ વર્ષે તેમની કુલ સંપત્તિમાં 13.6 અબજ ડોલરનો વધારો થયો છે. જોકે, ઓરેકલના સ્થાપક લેરી એલિસન આ વર્ષે સૌથી વધુ કમાણી સાથે યાદીમાં આગળ છે. તેમની કુલ સંપત્તિમાં 180 અબજ ડોલરનો વધારો થયો છે. વિશ્વના ટોચના 10 ધનિકોમાંથી નવ અમેરિકાના છે.



ટોપ 10ની યાદી

ઈલોન મસ્ક 448 બિલિયન ડોલર સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ટોચ પર છે. એલિસન 372 બિલિયન ડોલર સાથે બીજા ક્રમે છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ 251 બિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમે, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 238 બિલિયન ડોલર સાથે ચોથા ક્રમે અને લેરી પેજ 220 બિલિયન ડોલર સાથે પાંચમા ક્રમે છે. તેમના પછી સેર્ગેઈ બ્રિન 206 બિલિયન ડોલર, બર્નાર્ડ આર્નોલ્ટ 194 બિલિયન ડોલર, સ્ટીવ બાલ્મર 176 બિલિયન ડોલર, જેન્સન હુઆંગ 158 બિલિયન ડોલર અને માઈકલ ડેલ 157 બિલિયન ડોલરનો ક્રમ આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application