દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘટતા જતા કોરોનાના કેસ વચ્ચે મોટા ભાગના કોવિડ કેર સેન્ટર બંધ કરાયા

  • June 26, 2021 10:28 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવે કોરોના વેન્ટિલેટર પર: જિલ્લામાં એક્ટિવ કેસ અડધી સદીથી પણ ઓછા થતા સેન્ટરમાં તાળા: જિલ્લામાં મ્યુકરના કેસો પણ સ્થિર અને નહિવત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા દિવસોમાં નહિવત પ્રમાણમાં નોંધાતા કોરોના નવા કેસ વચ્ચે ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યા વધતા હવે આગામી દિવસોમાં જિલ્લો કોરોના મુક્ત થઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ વચ્ચે ખંભાળિયા શહેર, તાલુકા તથા જિલ્લામાં જુદા-જુદા સ્થળોએ કાર્યરત કોવિડ કેર સેન્ટર પણ દર્દીઓના અભાવે બંધ કરી દેવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાની લહેર પીક સમય પર હતી, ત્યારે કોરોનાના એક્ટિવ કેસ એક હજાર સુધી પહોંચી ગયા હતા. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી કોવિડ હોસ્પિટલના તમામ બેડ, ઓક્સિજન બેડ વિગેરે ફુલ થઇ ગયા હતા. આ વચ્ચે વધતી જતી દર્દીઓની સંખ્યાને ધ્યાને લઇ અને ખંભાળિયામાં પોરબંદર રોડ વિસ્તારમાં ભાજપના આગેવાનો-કાર્યકરો દ્વારા તેમજ જામનગર હાઈવે પર કજુરડા ગામ નજીક એસ્સાર ઓઈલ તથા પોર્ટ કંપનીના સહયોગથી 100 બેડનું ઓક્સિજન બેડ સાથેનું કોવિડ કેર સેન્ટર, અહીંના ધરમપુર વાડી વિસ્તારમાં, સહીત આશરે જિલ્લામાં એકાદ ડઝન જેટલા સ્થળોએ લોકોની સુવિધા અર્થે કોવિડ કેર સેન્ટર વિનામૂલ્યે કાર્યરત કરવામાં આવ્યા હતા.

કોરોનાની બીજી ઘાતક લહેર હવે પુર્ણ થઈ ચૂકી છે અને કોરોનાના નવા કેસો હવે તળીયે આવી ચૂક્યા છે. જિલ્લામાં ગુરુવારે ફક્ત બે તથા ગઈકાલે શુક્રવારે સમ ખાવા પુરતો માત્ર એક જ નવો પોઝિટિવ કેસ ચોપડે નોંધાયો છે. આ વચ્ચે ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા વધુ હોવાથી હાલ આશરે 40 જેટલા એક્ટિવ કેસ સરકારી ચોપડે છે.

ઘટતા જતા દર્દીઓની સંખ્યાના કારણે ખંભાળિયાની મુખ્ય સરકારી કોવિડ હોસ્પિટલમાં મોટા ભાગના બેડ ખાલી છે. આટલું જ નહીં જુદા જુદા વિસ્તારોમાં શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં પણ હવે કોઈ દર્દી ન હોવાના કારણે આ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમ જનતા તથા સેવાભાવીઓના સહયોગથી શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં અહીંના આરોગ્ય વિભાગના તબીબો તથા નર્સિંગ સ્ટાફ દ્વારા સેવાઓ આપવામાં આવતી હતી. પરંતુ હાલ ઘટતા જતા કેસ અને દર્દીઓની નહિવત સંખ્યાના કારણે આવા કર્મચારીઓની આ સંજોગોમાં ખાસ કોઇ કામગીરી ન હોવાથી આ સેન્ટરો ફરજિયાત પણે બંધ કરી દેવામાં આવ્યા છે.

ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા ખુલ્લુ મુકવામાં આવેલું કોવિડ કેર સેન્ટર 50 દિવસ, એસ્સાર દ્વારા શરૂ કરવામાં આવેલું સેન્ટર દોઢ માસ, ધરમપુર વિસ્તારમાં સ્થાનિકોનું સેન્ટર માંડ પંદરેક દિવસ લોકોને સેવા આપી શક્યું હતું. આટલું જ નહીં, જિલ્લામાં અન્ય સ્થળોએ શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર છેલ્લા દિવસોમાં બંધ થઈ ચૂક્યા છે. કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યાનું દર્શાવતી આ બાબતને સારી તથા મનને સંતોષકારક માનવામાં આવે છે.

જિલ્લામાં મ્યુકરના કેસો પણ સ્થિર અને નહિવત

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કોરોનાની આડઅસર મનાતા મ્યુકરમાઈકોસિસના કેસો પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રમાણમાં ઓછા નોંધાયા છે. આજ સુધી માત્ર 36 દર્દીઓ જ નોંધાયા છે. છેલ્લા ઘણા દિવસોથી આ એક પણ નવો દર્દી નોંધાયો નથી. જેથી અહીં આ બ્લેક ફંગસના રોગ માટે અલાયદી વ્યવસ્થા કરવી આરોગ્ય તંત્ર માટે જરૂરી બની નથી. આવા દર્દીઓને જામનગર સારવાર અપાય છે. આ રોગ પણ હાલ કાબુમાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS