ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ-10ના પરિણામમાં રાજકોટ શહેરનું પ્રદર્શન ઉત્સાહજનક રહ્યું છે. રાજકોટ શહેરનું કુલ પરિણામ 89.19 ટકા નોંધાયું છે, જે રાજકોટ જિલ્લાના સરેરાશ 88.11 ટકા પરિણામ કરતા પણ વધારે છે. રાજકોટમાં શૈક્ષણિક સ્તરમાં ઉત્તરોત્તર સુધારો જોવા મળી રહ્યો છે, જેમાં વર્ષ 2024માં 85.23 ટકા અને 2025માં 87.19 ટકા બાદ આ વર્ષે પરિણામની ટકાવારીમાં મોટો ઉછાળો આવ્યો છે.
શહેરમાં એ-વન અને એ-ટુ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. રાજ્યભરમાં કુલ 35,508 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે, જેમાં રાજકોટના તેજસ્વી તારલાઓનો મોટો ફાળો રહ્યો છે. કન્યાઓએ પણ આ પરિણામમાં મેદાન માર્યું છે. જે વિદ્યાર્થીઓ ઓછા ગુણ ધરાવે છે, તેમના માટે જૂન-2026માં ' બેસ્ટ ઓફ ટુ' પદ્ધતિથી પૂરક પરીક્ષા યોજાશે. શહેરી વિસ્તારમાં ઉંચા પરિણામને પગલે શાળાઓમાં વિતરણ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજકોટ જિલ્લામા ધો.10 અને 12માં 80,248 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ માટે કુલ 2816 પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવા માટે દરેક કેન્દ્ર પર સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું, જે વિદ્યાર્થીઓની સુરક્ષા અને નિષ્પક્ષતાની ખાતરી આપી હતી.
રાજકોટ શહેરનું કેન્દ્રવાઇઝ પરિણામ
લક્ષ્મીનગરઃ 89.78 ટકા
રેસકોર્સઃ 92.05 ટકા
કરણપરાઃ 74.87 ટકા
રણછોડનગરઃ 90.02 ટકા
ભક્તિનગરઃ 92.88 ટકા
માલવિયાનગરઃ 95.50 ટકા
કોઠારિયાઃ 91.05 ટકા
કોટેચાનગરઃ 91.22 ટકા
વૈશાલીનગરઃ 96.11 ટકા
પોપટપરાઃ 87.27 ટકા
બજરંગવાડીઃ 84.88 ટકા
નવા થોરાળાઃ 84.69 ટકા