દ્વારકામાં 37 હજારથી વધુ આહીરાણીઓએ મહારાસ દ્વારા કૃષ્ણ ભક્તિ કરી

  • December 25, 2023 11:35 AM 

દ્વારકામાં મહારાસનો અલૌકિક નજારો સર્જાયો: 2 લાખથી વધુ જનમેદનીની ઉપસ્થિતિમાં સર્જાયો અનોખો વિક્રમ: કૃષ્ણ રાસ બાદ વિશ્વશાંતિ માટે રેલી સ્વરૂપે ભગવાન શ્રીકૃષ્ણને રાસ અર્પણ


ભગવાન શ્રી કૃષ્ણનાધામ દ્વારકામાં રવિવારે ઐતિહાસિક ધર્મમય માહોલ વચ્ચે સદીઓ જૂની પરંપરાને ઉજાગર કરતો અનોખો વિક્રમ સર્જાયો છે. એક સાથે એક જ મેદાનમાં 37,000 થી વધુ આહિર મહિલાઓએ ભગવાન શ્રીકૃષ્ણ માટે રાસ રમીને અનોખી ભક્તિ કરી હતી. જેણે સમગ્ર વિશ્વ માટે એક સંદેશો છોડી અને સદીઓ જૂની પરંપરા જીવંત કરી દીધી હતી.


દેવભૂમિ દ્વારકા ખાતે ભવ્ય આહીરાણી રાસના બે દિવસના ભવ્ય આયોજનમાં ગઈકાલે શનિવારે તથા આજરોજ રવિવારે વહેલી સવારથી અનેકવિધ ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય આકર્ષણ આજે સવારના આહિર મહિલાઓના સામૂહિક અને વિશાળ રાસનું આયોજન બની રહ્યું હતું.


અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન” ના નેજા હેઠળ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ સમા મહારાસના યોજવામાં આવેલા મુખ્ય કાર્યક્રમમાં પ્રથમ તો 16,108 આહીર મહિલાઓ રાસ લ્યે તે માટેની તૈયારી કરવામાં આવી હતી. પરંતુ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં 37,000 થી વધુ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવતા આ આયોજનની ભવ્યતામાં વધારો થયો હતો. રાજ્યના તમામ 24 જેટલા જિલ્લાઓ તેમજ ત્યારબાદ તાલુકાઓમાં આ મહારાસમાં સહભાગી થવા ઈચ્છતા બહેનો માટેના વોટ્સએપ ગ્રુપ તેમજ ઓનલાઈન રજીસ્ટ્રેશનનું આયોજન પણ સુંદર બની રહ્યું હતું.


આજરોજ સવારે મહારાસના મુખ્ય આયોજનમાં વહેલી સવારે પાંચેક વાગ્યે દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર નજીકના વિશાળ મેદાનમાં આશરે 800 વીઘા જેટલી જગ્યામાં નંદધામ પરિસરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં સવારે 5:30 વાગ્યાથી બહેનો એકત્ર થયા હતા. કાર્યક્રમના પ્રારંભે આબુના વિશ્વવિખ્યાત બ્રહ્માકુમારી ઉષાદીદીએ ભાગવત ગીતા પર સુંદર પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ દ્વારકાના શંકરાચાર્યજી દ્વારા પણ તમામને આશીર્વાદ આપતું ઉદબોધન કરાયું હતું.


રવિવારે સવારે આઠેક વાગ્યાથી મહારાસનો પ્રારંભ થયો હતો. જે દસેક વાગ્યા સુધી અવિરત રીતે રીતે ચાલ્યો હતો. “તમે રમવા આવો મહારાસ, ઓ મારા દ્વારકાના નાથ...”, “ઓ રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો...”, “મહારાસ રમવા માધવ આવ્યા...”, “આજની ઘડી તે રળિયામણી...” સહિતના 37 જેટલા પ્રાચીન અને પરંપરાગત કૃષ્ણ રાસના તાલે આહિર જ્ઞાતિના મહિલાઓ, બહેનોએ ખૂબ જ સુંદર રીતે ધાર્મિક માહોલમાં રાસ રજૂ કર્યા હતા. આ વિશાળ ગ્રાઉન્ડમાં 68 જેટલા ગોળ રાઉન્ડમાં આહિરાણીઓએ રમેલા આ મહારાસ દરમિયાન સંપૂર્ણપણે મૌનવ્રત તેમજ ઉપવાસ ધારણ કરી, કૃષ્ણ ભક્તિમાં લીન બન્યા હતા. પરંપરાગત પહેરવેશ તેમજ સુંદર આભૂષણો સાથે રાસ રમતા મહિલાએ પ્રાચીન પરંપરા ઉજાગર કરી હતી. આ દરમિયાન આહિર સમાજના લોકો દ્વારા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર એક સાથે આ આયોજનમાં સહભાગી થઈ અને કૃષ્ણભક્તિની આ પ્રવૃત્તિને બિરદાવી હતી.


આ આયોજન દરમિયાન જ્ઞાતિના 150 જેટલા ડોક્ટરોની ટીમ પણ તબીબી સારવાર માટે ખડે પગે રહી હતી.આટલું જ નહીં, બે દિવસ દરમિયાન લાખો લોકોએ સમૂહમાં ભોજન પણ લીધું હતું. જે માટે કાર્યકરોની ટીમની જહેમત પણ કાબિલેદાદ બની રહી હતી. ધાર્મિકતા સાથે સમાજ સંગઠન અને સ્વયંસિસ્તનો આ સમન્વય વિશ્વવિક્રમ રૂપ બની રહ્યો હતો.


આયોજનમાં રાષ્ટ્રધ્વજ અને ધર્મધ્વજ ફરકાતો રહ્યો


આ આયોજનમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ મૂર્તિ તેમજ સાથે રાષ્ટ્રધ્વજ અને ધર્મધ્વજને ફરકતો રાખવામાં આવ્યો હતો. આ મહારાસની પૂર્ણાહુતિ બાદ આહીર સમાજના શ્રેષ્ઠિઓ, આગેવાનો, નેતાઓ, કાર્યકરો વિગેરે દ્વારા વિશ્વ શાંતિ માટે રેલી સ્વરૂપે આ મહારાસ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં આવ્યો હતો. આ મહારાસમાં સહભાગી થવા માટે દુબઈ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, સાઉથ આફ્રિકા વગેરે દેશોમાંથી પણ બહેનો સહભાગી થયા હતા. આ અલૌકિક નજારો જોવા આશરે બે લાખથી વધુ લોકો આજે એકત્ર થયા હતા આ આયોજનમાં ભાગ લેવા માટે દૂર દૂરથી આવેલા બહેનોને રહેવા માટે દ્વારકા સ્થિત આહિર જ્ઞાતિની સમાજવાડી, ધર્મશાળાઓ તેમજ હોટેલમાં અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું.


લોકડાયરા અને નાટકનું સુંદર આયોજન થયું


આહિર સમાજના મહિલાઓના એક વિચારને મૂર્તિમંત કરવા સમગ્ર આહીર સમાજના વડીલો, આગેવાનો સાથે મહિલાઓ, બહેનો દ્વારા કૃષ્ણ નગરી દ્વારકામાં આહીરાણી મહારાસના આયોજનના પ્રારંભે ગઈકાલે શનિવારે સન્માન સમારોહ સમુહ ભોજન બાદ રાત્રે જાણીતા કલાકાર માયાભાઈ આહીર તેમજ અન્ય કલાકારો ના લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગતરાત્રે યોજવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં જ્ઞાતિના આશરે 35 જેટલા કલાકારો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને અનુલક્ષીને નવોદિત કલાકારો દ્વારા સુંદર નાટક રજુ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કચ્છના જાણીતા સભીબેન આહીર દ્વારા વ્રજવાણીનો ઐતિહાસિક રાસ તેમજ બેડા રાસ પણ રજૂ કરાયો હતો. જેનો લાભ મોડી રાત્રી સુધી ઉપસ્થિત લોકોએ લીધો હતો. ડાયરામાં હાસ્ય તેમજ સત્સંગ અને સાહિત્યની છોળો ઉડી હતી તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રૂપિયાઓનો વરસાદ કરવામાં આવ્યો હતો.


જામનગર-દ્વારકાના સાંસદ પરંપરાગત પહેરવેશમાં રાસ રમ્યા


જામનગર-દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ પણ મહારાસમાં ભાગ લઇ આહિર પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઇને 37 હજાર આહિરાણીઓ સાથે રાસ રમી અને અનેરૂ આકર્ષણ જગાવ્યું હતું. સાંસદ આ કાર્યક્રમમાં સતત પહેલેથી જ હાજર રહ્યા હતાં તેમણે તૈયારી વખતે પણ મુલાકાત લીધી હતી અને શકય તમામ મદદ પણ કરી હતી. ગત રાત્રિ ડાયરા તેમજ અન્ય કાર્યક્રમોમાં પણ તેમની હાજરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application