આજથી અમદાવાદમાં કોલ્ડપ્લે ફિવર, 2 દિવસમાં 2 લાખથી વધુ ચાહકો પહોંચ્યા, એક લાખ તો રિક્ષા સ્ટેન્ડ બાય

  • January 25, 2025 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયાભરને ઘેલું લગાડનાર બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેની ગુજરાતમાં આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે આવી ગઈ છે. આજે અને આવતીકાલે બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. અમદાવાદમાં કોલ્ડપ્લે ફિવર હોય તેમ માત્ર બે દિવસમાં દેશ-વિદેશથી કોલ્ડપ્લેના 2 લાખથી વધુ ચાહકો અમદાવાદ આવી પહોંચ્યા છે.  આજે બપોરના 2 વાગ્યાથી પ્રેક્ષકોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોલ્ડપ્લેની એક જ કોન્સર્ટમાં એક લાખથી વધુ પ્રેક્ષકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉમટી પડશે તેવું સંભવત પહેલીવાર બનશે. 


કોલ્ડપ્લેએ લોકોને કેટલું ઘેલું લગાડ્યું છે તે આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, અત્યારસુધી અમદાવાદ-મુંબઇ વચ્ચે 6, અમદાવાદ-દિલ્હી વચ્ચે 1 સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈ, દિલ્હી, બેંગાલુરુ, પૂણે, હૈદરાબાદથી અમદાવાદ આવવા માટે વન-વે એરફેર રૂપિયા 20 હજારથી વધુ છે. કોન્સર્ટ જ્યાં યોજાવાની છે તે સ્ટેડિયમ અને અમદાવાદની અનેક હોટેલો પણ બે દિવસ માટે હાઉસફૂલ થઈ ગઈ છે. સ્ટેડિયમ પાસે આવેલી સાવ સામાન્ય હોટેલોના ભાડા પણ રૂપિયા 10 હજાર જેટલા છે. 


આજે દેશભરમાંથી અનેક સેલિબ્રિટી પણ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચી રહ્યા છે. કોલ્ડપ્લે કોન્સર્ટ માટે રૂપિયા 2500, રૂપિયા 3 હજાર, રૂપિયા 3500, રૂપિયા 4500, રૂપિયા 6500 અને રૂપિયા 12500 એમ વિવિધ દર ધરાવતી ટિકિટ છે. ગઈકાલે સાંજે પણ ઓનલાઇન ટિકિટનો સ્લોટ શરૂ કરાયો હતો અને તેમાં રૂપિયા 12500ની ટિકિટ વેચાણમાં મૂકાઇ હતી. અમદાવાદના સ્ટેડિયમમાં 1 લાખથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હોય તેવું છેલ્લે 19 નવેમ્બર 2023ના વન-ડે વર્લ્ડકપની ફાઇનલ વખતે બન્યું હતું. 


5 વર્ષથી નાનાં બાળકોને કોન્સર્ટમાં પ્રવેશ મળશે નહીં. રિએન્ટ્રી મળશે નહીં. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:45 વાગ્યા પછી એન્ટ્રી નહીં મળે. ખાનગી વાહન કરતાં મેટ્રો રેલ સૌથી વધુ સુવિધાજનક રહેશે. મેટ્રો સ્ટેશન સ્ટેડિયમના ગેટ નંબર 1 અને 2થી 300 મીટરના અંતરે છે. શહેરના કોઈપણ મેટ્રો સ્ટેશનથી મોટેરા માટે તમને રાત્રે 12.30 વાગ્યા સુધી ટ્રેન ઉપલબ્ધ રહેશે. ખાનગી વાહનચાલકો માટે 2.7 કિ.મી. સુધીમાં 14 પ્રાઈવેટ પાર્કિંગ છે. કોલ્ડપ્લેનું પર્ફોર્મન્સ આશરે સાંજે 7:45 વાગ્યે શરૂ થશે. એ પહેલાં એલ્યાના, શૌન અને જસલીન રોયલ પર્ફોર્મ કરશે. 


સ્ટેન્ડિંગ ટિકિટમાં દર્શકોએ કલાકો સુધી ઊભા રહેવું પડશે, અહીં બેસવાની વ્યવસ્થા નથી. જો તમારી હાઈટ 5’7”થી ઓછી હોય તો ગેટ ખૂલે એ સમયથી જ આગળની જગ્યા પર પોતાનું સ્થાન મેળવી શકો છો. લેવલ 2 સીટિંગથી સમગ્ર સ્ટેજ અને ગ્રાઉન્ડ વ્યૂ મળશે. પાવરબેન્ક, પારદર્શક પાણીની બોટલ. ફિઝિકલ ટિકિટ સાથે ઓળખકાર્ડ જરૂરી છે. ફ્રી ઇયરપ્લગ હેલ્પ ડેસ્ક પરથી મળશે. દિવ્યાંગ માટે ગેટ-2 અને 3 પર વ્હીલચેર મળશે. વાહન પાર્કિંગ માટે બોક્સ ઓફિસ પર સ્ટિકર મળશે.


લીડ સિંગર ક્રિસ માર્ટીને ટુ-વ્હીલર પર સવારી કરી
દુનિયાભરના ફેન્સ જેની એક ઝલક જોવા માગે છે તે કોલ્ડપ્લેનો લીડ સિંગર ક્રિસ માર્ટિન ગઈકાલે મોડીરાત્રે અમદાવાદની ગલીઓમાં ટૂ-વ્હીલર પર ફરવા નીકળી પડ્યો હતો. કોઈપણ જાતની સિક્યોરિટી વગર ક્રિસ માર્ટીને ટુ-વ્હીલર પાછળ બેસીને સવારીની મજા માણી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, અમદાવાદમાં એક યુવક ટૂ-વ્હીલરની પાછળ ક્રિસ માર્ટીનને બેસાડી શહેરના રસ્તા પર સવારી કરાવી રહ્યો છે. આ સમયે ક્રિસ માર્ટીન પણ ખુશખુશાલ જોવા મળે છે.


એક લાખ રિક્ષા સ્ટેન્ડ બાય રિક્ષા યુનિયન
કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને અત્યારથી જ ટેક્સી બુકિંગ ફુલ થઈ ગયું છે. એવામાં અમદાવાદના રિક્ષા યુનિયન દ્વારા 1 લાખ રિક્ષાને સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે. આ સિવાય યુનિયન દ્વારા મુસાફરોને અગવડતા ન થાય તે માટે પરિપત્ર જાહેર કરી રિક્ષાચાલકોને ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે. આ સાથે જ તમામને વધુ ભાડું ન વસૂલવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application