સાામકાંઠા વિસ્તારમાં ચાંદી ચોરીના ચકચારી બનાવમાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં કેટલીક નવી હકિકતો સામે આવી છે. જેમાં ૧૫૦ કિલોથી વધુ ચાંદીની ચોરી થયાનું સામે આવી રહ્યું છે. એટલું જ નહીં અમદાવાદનો એડવોકેટની પણ સંડોવણી ખુલી છે. સૂત્રધાર મનાતા મુકેશ પ્રજાપતિ અને વકીલ ૪૦ કિલો ચાંદીના દાગીના સાથે ફરાર છે. બીજી તરફ ફરાર આરોપીને ઝડપી લેવા રાજકોટ ક્રાઇમ બ્રાંચની એક ટીમ રાજસ્થાન રવાના થઇ હોવાનું જાણવા મળ્યું છે.
રૈયા સર્કલ પાસે રામેશ્વર પાર્ક-૦૧ શેરી નં.૧ માં રહેતા મૂળ પડધરીના વિમાસણ ગામના વતની અતુલભાઈ લિંબાભાઈ બુસા (ઉ.વ.૩૯) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.૦૩ ના તેઓની પેડક રોડ ચંપકનગર-૦૧ ખત્રીની વાડીની પાસે બીપીનભાઈના મકાનમાં શક્તિ સિલ્વર નામની પેઢીમાંથી રૂ.૧.૬૨ કરોડની ચોરી થયાનો બનાવ સામે આવતાં બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
ચોરીના આ બનાવને લઇ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તસ્કરોનું પગેરું મેળવવામાં સફળ થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બોટાદના જારીયા ગામેથી રાજુ ઉર્ફે રાજા કનુ ભોજક નામના બુટલેગરને ચોરીમાં સામેલ ક્રેટા કાર સાથે દબોચી લઈ આકરી સરભરા કરી હતી. આરોપી રાજુ ભોજકની પૂછતાછમાં ચોરીનો બનાવ ક્લિયર થઈ ગયો હતો.
રાજુ ભોજકે આપેલ કબૂલાતમાં કુખ્યાત બુટલેગર રતનસીંગ ધુખજી રાઠોડ (રહે.ધનીયાવાડા ગામ,દાંતીવાડા) મુખ્ય સૂત્રધાર હોવાની કબૂલાત આપતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્દોરથી તેને દબોચી લઈ આકરી સરભરા કરતાં પોપટની જેમ કબૂલાત આપી હતી.
આજથી એક માસ પહેલાં કુખ્યાત શૈલેન્દ્રસીંગ ઉર્ફે સેલસીંગ (રહે.ગુલાબગંજ,શિહોરી રાજસ્થાન) એ તેમને રાજકોટમાં આવેલ ચંપકનગરમાં મોટો ચાંદીનો જથ્થો હોવાની ટીપ આપી હતી. જે ચોરવામાં કારની જરૂર હોવાનું જણાવતાં રતનસિંગ અવારનવાર સૌરાષ્ટ્રમાં દારૂ ઠલવતો હોય જેથી તેને જારીયાના બુટલેગર રાજુ ભોજકનો સંપર્ક કરતાં રાજુએ કારની વ્યવસ્થા માટે ચોટીલા જેલમાં બંધ ધરમસિંહની કાર વેંચાણથી લઈ પ્લાન બનાવવા જારીયા ગામ એકઠાં થયાં હતા.
જેમાં ચોરી કરવાં માટે પાંચ શખ્સોને જવાનું નક્કી કર્યા બાદ જસદણ સુધી રાજુ ભોજક તમામ સૂત્રધારને મુકવા માટે આવ્યો હતો. ત્યાંથી ક્રેટા કાર રતનસિંગે ચલાવી તેની બાજુમાં રાજુનો પિતરાઈ જગદીશ ભૂપત ભોજક (રહે.જરીયા) બેઠો હતો. જ્યારે પાછળ શૈલેન્દ્રસિંગ, મુકેશ રામારામ પ્રજાપતિ (રહે.અમદાવાદ) અને છોટુ ભૈયા (રહે.ઉતરપ્રદેશ) બેઠાં હતા. કારને ચોરીના સ્થળ સુધી લઈ જવા શૈલેન્દ્રસિંગ ગાઈડ કરતો હતો. જે બાદ ચોરીને અંજામ આપી તમામ જારીયા ગામ પહોંચી ચાંદીના દગીનાનો સરખો ભાગ પાડી રાજુએ તેનું ૩૦ કિલો ચાંદી ઘરે રાખી અન્ય આરોપીને ફોર્ચ્યુનર કારમાં અમદાવાદ મુકી આવ્યો હતો. જ્યાંથી તમામ આરોપી અલગ પડી ગયાં હતાં.
જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા માંગુસિંગ પાસેથી ૪૦ કિલો ચાંદી કબ્જે કર્યા બાદ પૂછતાછમાં અમદાવાદના એડવોકેટ વિક્રમ દેવીસિંહ રાજપૂતે તનો પરિચય મુકેશ પ્રજાપતિ સાથે કરાવ્યાનું ખુલ્યુ હતું. પોલીસ આવ્યા પહેલાં જ એડવોકેટ ૪૦ કિલો ચાંદી ઓગાળી દાગીના તૈયાર કરી મુકેશ પ્રજાપતિ સાથે નાસી છૂટ્યાની કબૂલાત આપતાં હાલ પોલીસે શૈલેન્દ્રસીંગ ઉર્ફે સેલસીંગ, જગદીશ ભોજક, મુકેશ પ્રજાપતિ, છોટુ ભૈયા, શ્રવણસિંગ અને અમદાવાદના એડવોકેટને ઝડપી લેવા શોધખોળ કરાઇ રહી છે.
ચાંદી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા અને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ એસીપી ક્રાઈમ ભરત બસિયાની રાહબરીમાં પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને ચિરાગ જાદવે તથા ટીમ સાથે રહી હતી.
મોટો દલ્લો હાથ લાગ્યા બાદ ૩૦-૩૦ કિલોની ભાગબટાઇ કરી
કરોડોની ચાંદી ચોરીમાં આરોપીઓ વચ્ચે ૩૦-૩૦ કિલો ચાંદીના દગીનના ભાગ પડયાનું પણ સામે આવી રહ્યું છે. જેમાં રાજુ ભોજક, જગદીશ ભોજક અને રતનસિંગ વચ્ચે ૩૦ કિલો જ્યારે શૈલેન્દ્રસિંગ, મુકેશ પ્રજાપતિ, છોટુ અને મુખ્ય ટીપ આપનારનું ૩૦-૩૦ કિલોની ભાગબટાઇ કરી હોવાનું સામે આવ્યું છે.