BREAKING NEWS

2-3 દિવસમાં ચોમાસુ વધુ આગળ વધવાની શક્યતા, ગરમી અને ભેજથી અકળામણ વધી

  • June 12, 2026 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના દક્ષિણ અને પૂર્વીય વિસ્તારોમાં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ સત્તાવાર આગમનની રાહ યથાવત છે. જોકે અરબી સમુદ્ર અને ગુજરાત ઉપર સર્જાયેલી હવામાનીય સ્થિતિને કારણે આગામી દિવસોમાં ચોમાસાના આગળ વધવા માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.


હવામાન વિભાગના સિનોપ્ટિક અહેવાલ મુજબ ગુરુવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો ઉપરાંત તમિલનાડુ અને પુડુચેરીના બાકીના ભાગો, બંગાળની ખાડીના વિશાળ વિસ્તારમાં તેમજ પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક વિસ્તારો સુધી આગળ વધ્યું છે. આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, મધ્ય અરબી સમુદ્ર, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું જણાવાયું છે.


રાજકોટમાં ગુરુવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી રહ્યું હતું. સવારે 8:30 વાગ્યે હવામાં ભેજનું પ્રમાણ 73 ટકા નોંધાયું હતું જ્યારે સરેરાશ 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. ઊંચા ભેજના પ્રમાણને કારણે વાસ્તવિક તાપમાન કરતાં વધુ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.


હવામાન નિષ્ણાતોના મતે અરબી સમુદ્રમાંથી આવતા ભેજયુક્ત પવનો અને ગુજરાત ઉપર સક્રિય ટ્રફ લાઇનને કારણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, છૂટાછવાયા વરસાદી ઝાપટાં અથવા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા રહેલી છે. જો અરબી સમુદ્રમાં અનુકૂળ હવામાનીય પરિબળો યથાવત રહેશે તો આગામી સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાના આગમન અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.


હાલ માટે ગરમી અને ભેજની ડબલ અસર વચ્ચે લોકો ચોમાસાના પ્રથમ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.


હરિયાણાના સાઇકલોનિક સરક્યુલેશનની અસર

હરિયાણા ઉપર સર્જાયેલા ચક્રવાતી પરિભ્રમણ (સાઇકલોનિક સર્ક્યુલેશન)થી પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પસાર થઈને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી ટ્રફ લાઇન વિસ્તરેલી છે. દરિયાઈ સપાટીથી આશરે 0.9 કિલોમીટર ઊંચાઈ સુધી સક્રિય આ ટ્રફને કારણે ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. તેના પરિણામે ગરમીની સાથે ભેજનું પ્રમાણ પણ વધતાં લોકોને ઉકળાટ અને અકળામણનો સામનો કરવો પડી રહ્યો છે.


રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં 42.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી. ગાંધીનગરમાં 42.2 ડિગ્રી, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં 41.5 ડિગ્રી તેમજ રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલી, ભુજ અને ડીસા સહિતના વિસ્તારોમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application